SURAT

સુરત એરપોર્ટ મામલે કેગનો ચોંકાવનારો રિપોર્ટ: ગેરકાયદે બાંધકામો બચાવવા રન-વેની લંબાઇ વધારવામાં આવી

સુરત: (Surat) ધ કોમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલ(સીએજી) દ્વારા સુરત એરપોર્ટ પર ચાલી રહેલા વિકાસના પ્રોજેક્ટને લઇ ઘણા વાંધાઓ ઉઠાવવામાં આવ્યા છે. એટલુજ નહીં સીએજીની તપાસ દરમિયાન ફાયરસેવા માટે કરવામાં આવેલા ખોટા ખર્ચની ગેરરીતીઓ પકડાઇ છે પણ સાથે સાથે એરપોર્ટના વેસુ તરફના રન-વેની (Runway) ફનલમાં બનેલા ગેરકાયદે બાંધકામો બચાવવા અને આ ગેરરીતી આચરનાર એરપોર્ટ ઓથોરિટીના (Airport Authority) અધિકારીઓને બચાવવા ડુમસ તરફ 64 કરોડના ખર્ચે 655 મીટર રન-વે વધારવામાં આવ્યો હોવાનું તારણ સીએજી દ્વારા રજૂ કરવામાં આવ્યું છે.

સીએજી દ્વારા આ ગેરરીતી મામલે સુરત એરપોર્ટ ઓથોરિટીને સાત સવાલો પૂછવામાં આવ્યા હતા. તેમાં એક સવાલ એવો કરવામાં આવ્યો હતો કે ગેરકાયદે બાંધકામો પહેલા દૂર કર્યા વિના રન-વે વિસ્તરણ કરવાની પ્રપોઝલ કોણે કરી હતી? બીજો સવાલ એવો હતો કે 2250 મીટરનો રન-વે ડુમસ તરફ 655 મીટર લંબાવી 2905 મીટર કર્યા પછી વેસુ તરફનો 615 મીટર બંધ શા માટે કરવામાં આવ્યો. એટલે કે 64 કરોડનો વ્યય કરી 655 મીટરનો ડુમસ તરફ રનવે લંબાવી વેસુ તરફનો 615 મીટરનો રનવે બંધ કરી 2250 મીટરની મૂળસ્થિતિ લાવવા પાછળ ક્યો બદઇરાદો હતો. તેવા સાત સવાલોના જવાબમાં ગોળગોળ જવાબ આપી સુરત એરપોર્ટ ઓથોરિટીએ નડતર રૂપ 47 પ્રોજેક્ટને નોટિસ આપવામાં આવી હોવાનો લૂલો બચાવ કર્યો હતો.

સીએજી દ્વારા એક આરટીઆઇ અરજીના ઉત્તરમાં 615 મીટરનો રનવે બ્લોક કરી 64 કરોડના ખર્ચે 655 મીટરનો રન-વે બનાવી ખોટુ કરવામાં આવ્યું હોવાનું તારણ રજૂ કર્યુ છે અને એ મામલે કસુરવારો સામે કાર્યવાહી કરવા પણ સરકારને રિપોર્ટ મોકલ્યો છે. અન્ય એક ગેરરીતીમાં ફાયર વિભાગના કર્મચારીઓની નોકરી સતત 18થી 120 કલાકની ગણાવી ઓવરટાઇમનું પેમેન્ટ પણ કરવામા આવ્યું હતું. તેમા સીએજીએ ફાયર વિભાગના ક્યા કર્મચારીની ક્ષમતા એક સતત 120 કલાક નોકરી કરવાની છે. તેવો સવાલ પણ પુછ્યો હતો. નિયમ પ્રમાણે 8 કલાકથી વધુ ઓવરટાઇમ કરાવી શકાય નહી. તેનો અહીં ભંગ કરવામાં આવ્યો હતો.રનવેના મામલામાં એરપોર્ટ ઓથોરિટી હવે મામલો હાઇકોર્ટમાં ગયો હોવાનું રટણ કર્યુ છે.

એરપોર્ટ ઓથોરિટીની એનઓસી પાંચ વર્ષની હતી. તેદરમિયાન બાંધકામની ઊચાઇ તપાસવા કોઇ ગયું નહીં

સીએજીએ સવાલો રજૂ કરી એરપોર્ટ ઓથોરિટી પાસે કેટલીક સ્પષ્ટતા માંગી હતી. જેમાં બાંધકામ માટેની ઊંચાઇ સહિતની એનઓસીના માપદંડ શા માટે ફોલો કરવામાં આવ્યા નથી.એનઓસીની મુદ્દત પાચ વર્ષની હોય છે. તે દરમિયાન કોઇ જવાબદાર અધિકારીઓ નિરીક્ષણ કરવા શા માટે ગયા નહી? કેટલાક બાંધકામ એવા હતા જે એનઓસી લીધાના પાંચ વર્ષ પુરા થયા પછી ખોટી રીતે તેની ઊંચાઇ વધારવામા આવી હતી તેની સામે કાર્યવાહી શા માટે કરવામાં નહીં આવી?

Most Popular

To Top