સુરત: (Surat) સુરત એરપોર્ટના (Airport) ડોમેસ્ટિક કાર્ગો ટર્મિનલથી ત્રણ એરલાઈન્સ કાર્ગો (Airlines Cargo) સુવિધા આપી રહી હોવા છતાં કાર્ગો ટર્મિનલ કોઈ કારણોસર એની ક્ષમતા કરતાં ખૂબ ઓછું ગુડ્ઝ વહન કરે છે. જાન્યુઆરી-2020માં સુરત એરપોર્ટના ડોમેસ્ટિક કાર્ગો કોપ્લેક્સનું લોકાર્પણ થવા છતાં નાણાકીય વર્ષ 2021-22માં 4420 મેટ્રિક ટન ગુડ્ઝની આખા વર્ષ દરમિયાન અવરજવર રહી હતી. સુરતના કાપડના વેપારીઓની ફરિયાદ છે કે, સુરત એરપોર્ટથી માલ મોકલવામાં સેમ ડે ડિલિવરીનો પ્રશ્ન છે. આ ઈશ્યુ એરલાઈન્સ તરફથી છે કે કાર્ગોના કર્તાહર્તા તરફથી એ સ્પષ્ટ થતું નથી. ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી ચંપાલાલ બોથરા કહે છે કે, સુરતના કાપડના વેપારીઓ બહારગામ કાપડનાં પાર્સલો મોકલે છે. પણ એની ડિલિવરી વિલંબથી થાય છે. એટલે અમદાવાદ એરપોર્ટના કાર્ગો ટર્મિનલનો ઉપયોગ નાછૂટકે કરવો પડે છે. અમે આ મામલે સુરત એરપોર્ટના કાર્ગો ટર્મિનલના હેડ તથા એરપોર્ટ ઓથોરિટીને પણ રજૂઆત કરીશું.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રત્યેક મહિને 22 ટન કાપડ, ડોક્યુમેન્ટ, કુરિયર અને સેમ્પલ 30 ટન, મશીનરી પાર્ટસ 10 ટન, દવાઓ 3 ટન અને વેલ્યુએબલ ગુડ્ઝ એક ટન સુરતથી અમદાવાદ એરપોર્ટના ઝડપી કાર્ગો કોમ્પ્લેક્સથી મેટ્રો અને ટુ ટાયર સિટીમાં સેમ ડે રવાના કરવામાં આવે છે. ખાસ કરીને હૈદરાબાદ, દિલ્હી, બેંગ્લુરુ, કોલકાતા, ગોવા જેવાં શહેરોમાં માલ મોકલવા સુરતના વેપારીઓ અમદાવાદ એરપોર્ટની કાર્ગો સુવિધા પર વધારે ભરોસો કરી રહ્યા છે. માત્ર ડોમેસ્ટિક નહીં પણ અમદાવાદ એરપોર્ટ પર ઇન્ટરનેશનલ કાર્ગો કોમ્પ્લેક્સ અને ઇન્ટરનેશનલ કુરિયર સર્વિસના પણ કાર્ગો કોપ્લેક્સ અલાયદા હોવાથી સુરતથી કાપડ, એગ્રો-ફૂડ પ્રોસેસિંગ, મશીનરી કમ્પોનન્ટ, મોટા પાયે અમદાવાદ એરપોર્ટના ઇન્ટરનેશનલ કાર્ગો કોમ્પ્લેક્સથી વિદેશ મોકલવામાં આવે છે.
અહીં આખેઆખી કાર્ગો ફ્લાઈટની ફેસિલિટી હોવાથી માલ ચઢાવવાનું પણ સસ્તું પડે છે. જ્યારે સુરતથી એકમાત્ર સપ્તાહમાં બે દિવસની શારજાહની ફ્લાઈટ હોવાથી ઇન્ટરનેશનલ કાર્ગો સુવિધા સુરતથી મળતી નથી. માત્ર કોવિડ-19ના સમયગાળામાં 2020-21માં છૂટ આપવામાં આવી હતી. અહીંથી દવાઓ અને મેડિકલ ઇક્વિપમેન્ટ્સ વિદેશ મોકલાયાં હતાં. સુરતથી ટેક્સટાઇલ, એગ્રીકલ્ચર, મશીનરી પાર્ટસ, ફૂટવેર, દવાઓ સહિતની જુદી-જુદી પ્રોડક્ટ દેશનાં જુદાં-જુદાં શહેરોમાં એર કાર્ગોની સુવિધાથી પહોંચાડવામાં આવે છે. જો એરલાઈન્સ રોજે રોજ નિયમિત કાર્ગોની ડિલિવરી આપે તો કાર્ગો કોમ્પ્લેક્સ ફૂલ ફ્લેજ ક્ષમતા સાથે કાર્યરત થઈ શકે છે.