સુરત: (Surat) એર ઇન્ડિયા (Air India) સુરતથી દિલ્હી (Delhi) જનારી એક ફ્લાઈટ (Flight) રદ કરી દેશે. એર ઇન્ડિયા સુરત- દિલ્હી વચ્ચે દિવસમાં બે વખત ફ્લાઈટ ઓપરેટ કરે છે. તે પૈકી એક ફ્લાઈટ 20 ઓગસ્ટથી સસ્પેન્ડ કરશે. તે ફરી ક્યારે ચાલુ કરશે તે બાબતે એરઇન્ડિયાએ કોઈ ખુલાસો કર્યો નથી. એર ઇન્ડિયાના આ નિર્ણયને પગલે સુરતીઓને નુકસાન થશે.
- એરપોર્ટ મુદ્દે સુરત સાથે અન્યાય યથાવત, એર ઇન્ડિયાએ એક ફ્લાઈટ સસ્પેન્ડ કરી
- સુરતીઓને નવી ફ્લાઈટ તો મળતી નથી પણ જે ચાલી રહી છે તે પણ રદ્દ
સુરતનું ઇન્ટરનેશન એરપોર્ટ બનવાનું સપનું ક્યારે સાકાર થશે તે અંગે અનેક શંકા કુશંકાઓ છે. ઇન્ટરનેશનલ તો દૂર પણ હવે સુરતને જે ફ્લાઈટ મળી રહી છે તે પણ ટકાવી રાખવું અઘરું બની ગયું છે. એરપોર્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર એર ઇન્ડિયા એરલાઈન સુરત અને દિલ્હી વચ્ચે દિવસમાં બે ફ્લાઈટ ઓપરેટ કરે છે. તે પૈકી ફ્લાઈટ નંબર એઆઈ 493-944 અઠવાડિયામાં પાંચ દિવસ ઓપરેટ કરે છે. અઠવાડિયામાં પાંચ દિવસ ઓપરેટ થનારી આ ફ્લાઈટનું ઓપરેશન એરઇન્ડિયાએ 20 ઓગસ્ટથી સસ્પેન્ડ કરી દીધું છે. તેનું કારણ એરલાઈન્સે જણાવ્યું નથી. તે કેટલા સમય સુધી સસ્પેન્ડ રહેશે તેનો પણ ખુલાસો એરલાઈન્સે કર્યો નથી. એટલે 20 ઓગસ્ટ બાદ સુરત-દિલ્હી વચ્ચે એર ઇન્ડિયાની માત્ર એકજ ફ્લાઈટ ઓપરેશનલ રહેશે.
ફ્લાઈટ કેંસલ થતાં 5 મહિના બાદ પણ એર ઇન્ડિયાએ પ્રવાસીને રીફન્ડ નથી આપ્યું
સુરત : એર ઇન્ડિયાએ 6 મહિના પહેલા ફ્લાઈટ કેન્સલ કરી હતી. સુરતની મહિલાને તે સમયે સુરતથી વાયા દિલ્હી થઈને નેપાળની રાજધાની કાઠમાંડુ જવાનું હતું. એરલાઈન્સે છેલ્લી ઘડિએ ફ્લાઈટ કેન્સલ કરતા મહિલા તે સમયે કાઠમાંડુ જઈ શકી ન હતી. એર ઇન્ડિયાએ તે સમયે 48 કલાકમાં રીફન્ડ મળી જશે એવું મહિલા પેસેન્જરને જણાવ્યું હતું પરંતુ 5 મહિના બાદ પણ મહિલાને રીફન્ડ મળ્યું નથી.
- એરઇન્ડિયાએ 6 મહિના પહેલા ફ્લાઈટ કેન્સલ કરી,5 મહિના બાદ પણ એર લાઈન્સે પ્રવાસીને રીફન્ડ નથી આપ્યું
- સુરતથી મહિલા વાયા દિલ્હી થઈ કાઠમાંડુ જવાની હતી, ફ્લાઈટ કેન્સલ થઈ તો રીફન્ડના 60 હજાર રૂપિયા હજી પરત નથી કર્યા
સુરતમાં રહેતી મમતા નામની મહિલાને 8 ફેબ્રુવારી 2022ના રોજ સુરતથી દિલ્હી થઈને કાઠમાંડુ જવાનું હતું. તે માટે પહેલાથી ટિકિટ બુક કરી રાખી હતી. છેલ્લી ઘડિએ એર ઇન્ડિયાએ ફ્લાઈટ કેન્સલ કરી હતી. તેથી મમતા તે દિવસે કાઠમાંડુ જઈ શકી ન હતી. તે સમયે મમતાએ રીફન્ડની વાત કરતા એરલાઈન્સે 48 કલાકમાં રીફન્ડ મળી જશે એવી વાત કરી હતી. ત્યાર બાદ એર લાઈન્સે ફીડબેક ફોર્મ ભરવા કહ્યું હતું. મમતાએ તે ફોર્મ પણ ભર્યું હતું. ત્યાર બાદ એર લાઈન્સે નવા ફોર્મ ભરવા કહ્યું હતું. મમતાએ નવા ફોર્મ પણ ભર્યા હતા. ત્યાર બાદ એરલાઈન્સ તરફથી કહેવામાં આવ્યું હતું કે 7 થી 21 દિવસમાં રીફન્ડ મળી જશે. હવે આ ઘટનાને 5 મહિના થઈ ગયા બાદ પણ મહિલાને રિફન્ડ નથી મળ્યું.મહિલાએ એર ઇન્ડિયા પાસેથી રીફન્ડના 60 હજાર રૂપિયા લેવાના છે. હજી પણ રીફન્ડ ક્યારે મળશે તેના કોઈ ઠેકાણા મહિલાને નથી દેખાતા.