સુરત: (Surat) નવયુગ કોમર્સ કોલેજમાં આર્મી, નેવી અને એરફોર્સનો (Air force) સર્ટિફિકેટ કોર્સ (Course) શરૂ કરવામાં આવ્યો છે. જે કોર્સ શરૂ કરવા માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ મંજૂરી પણ આપી છે. સર્ટિફિકેટ કોર્સ કર્યા બાદ અગ્નિપથ યોજના હેઠળ આર્મી, નેવી અને એરફોર્સ ત્રણેય શાખામાં અગ્નિવીરની ભરતી માટે આર્શિવાદ રૂપ સાબીત થશે.
- દેશમાં પહેલી વખત સુરતની કોલેજમાં આર્મી, નેવી અને એરફોર્સનો સર્ટિફિકેટ કોર્સ શરૂ
- સર્ટિફિકેટ કોર્સ કર્યા બાદ ત્રણેય શાખામાં અગ્નિવીરની ભરતી મદદ કરશે
- વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ નવયુગ કોમર્સ કોલેજને મંજૂરી આપી
- નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને ધ્યાને રાખી વિદ્યાર્થીઓને ભાવિષ્યમાં રોજગારી મળે એ માટે આવકારદાયક પગલું
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને ધ્યાને રાખી વિદ્યાર્થીઓને ભાવિષ્યમાં રોજગારી મળી રહે એ માટે વર્તમાન સમયની જરૂરિયાતને જોતા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ સર્ટિફિકેટ અને ડિપ્લોમાં કોર્સ શરૂ કર્યા છે. એવામાં જ યુનિવર્સિટીએ આર્મી, નેવી અને એરફોર્સનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવા માટે નવયુગ કોલેજને મંજૂરી આપી છે. જોકે, આવા સર્ટિફિકેટ કોર્સ શરૂ કરનારી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની નવયુગ કોલેજ ભારતની પહેલી કોલેજ હોવાનો પ્રિન્સિપાલ ડો. વિનોદ પટેલે કર્યો છે.
પ્રિન્સિપાલ ડો. વિનોદ પટેલે જણાવ્યું હતું કે 80 ટકા પ્રેક્ટિકલ એજ્યુકેશન આપવામાં આવશે, જ્યારે 20 ટકા જ થીઅરી એજ્યુકેશન આપવામાં આવશે. ભવિષ્યમાં આર્મી કે નેવી કે પછી એરફોર્સમાં જનારા વિદ્યાર્થીઓને આ ત્રણેય સર્ટિફિકેટ કોર્સ ખૂબ જ મદદ કરશે. અગ્નિવીર યોજના યુવાનો માટેની સંરક્ષણ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટેની સર્વશ્રેષ્ઠ યોજના છે. ગુજરાતના યુવાનો માટે હાલમાં 20મી માર્ચ સુધી આર્મી ભરતી અને 31 માર્ચ સુધી એરફોર્સ માટેનું રજીસ્ટ્રેશન શરૂ છે. નવયુગ કોલેજ દ્વારા આયોજિત આ કોર્સના કો-ઓર્ડીનેટર તરીકે ડો. મેહુલ શાહ તેમજ કોર્ષની તાલિમ પ્રિ-મીલીટરી ટ્રેનિંગ એકેડેમિના સહયોગથી પૂર્વ એરફોર્સ અધિકારી હરેનકુમાર ગાંધીના સીધા માર્ગદર્શન હેઠળ આપવામાં આવશે.