સુરતઃ (Surat) અડાજણ ખાતે રહેતા અને હજીરાની કંપનીમાં નોકરી કરતા આધેડને અમદાવાદના તાંત્રિકે (Tantrik) ઘરમાં વિધિ કરીને રૂપિયાનો વરસાદ કરવાનું કહ્યું હતું. લાલચમાં આવીને આધેડે તાંત્રિકને ધરે બોલાવી વિધી કરાવતા તાંત્રિકે બેથી અઢી વર્ષ સુધી કબાટ બંધ રખાવી તેમાંથી 6 લાખ રૂપિયાના દાગીના તફડાવી લીધા હતા. આ અંગે જ્યારે આધેડને જાણ થઈ ત્યારે અડાજણ પોલીસ સ્ટેશનમાં (Police Station) છેતરપિંડીની (Fraud) ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.
અડાજણ ખાતે રંગીલા રોહાઉસમાં રહેતા 55 વર્ષીય ભરતભાઈ નટવરભાઈ બુંદેલા હજીરામાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ભરતભાઈએ અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત નવેમ્બર 2018 માં તેમના સાઢુ વિક્રમભાઈએ અમદાવાદ ખાતે રહેતા તાંત્રીક વિપુલ ઠાકોર (રહે,વીએસ હોસ્પિટલ પાસે, અમદાવાદ) સાથે ઓળખ કરાવી હતી. સાઢુભાઈ પોતે નાગમણી ચમત્કારી ચશ્મા જેવી વાતોમાં માનતો હતો. વિપુલ પૂજાવિધીથી ઘરમાં શાંતિ તથા રૂપિયાનો વરસાદ કરાવતો હોવાની ભરતભાઈને લાલચ આપી હતી. લાલચમાં આવી વિપુલભાઈને પોતાના ઘરે બોલાવ્યો હતો. વિપુલે પૂજાસ્થાન વાળા રૂમમાં પૂજા કર્યા બાદ કબાટમાં ચમત્કારીક ફૂલો નાખ્યા હતા. જે ફુલ થોડા સમય પછી રૂપિયા બની જશે, મારી રજા વગર કબાટ ખોલવાના નથી, હજી વધુ મંત્રોચ્ચાર કરવાના છે પછી જ કાર્યસિધ્ધ થશે એમ કહી વિપુલ પરત અમદાવાદ ચાલ્યો ગયો હતો. દોઢેક વર્ષ પછી ભરતભાઈએ કબાટ ખોલવાની પરમીશન માંગી પણ વિપુલે કબાટ ખોલવાની ના પાડી હતી. જુન 2021માં વિપુલ અને તેનો મિત્ર વિનોદ પંચાલ ભરતના ઘરે આવી મંત્રોચ્ચાર કરી કબાટમાંથી 500 ની 58 નોટ કાઢી બતાવતા ભરતભાઈએ તેમને ચમત્કારી વ્યક્તિ માની લીધા હતા. પરંતુ બાદમાં ફોન બંધ આવતા તેમને શંકા જતા કબાટ ખોલીને જોતા 6 લાખના દાગીના ગાયબ હતા. અડાજણ પોલીસે આ અંગે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.
સાઢુભાઈનું મોત થતા દોઢ વર્ષ પછી તાંત્રિક ઘરે આવ્યો હતો
માર્ચ 2020 માં લોકડાઉન શરૂ થતા ભરતે કબાટ ખોલવાની પરમીશન માંગી હતી. પરંતુ વિપુલે ના પાડી હતી. અને પોતે ઘરે આવશે પછી કબાટ ખોલવા કહ્યું હતું. પરંતુ લોકડાઉન પછી પણ તેઓ ઘરે આવ્યા નહોતા. એપ્રિલ 2021 માં ભરતભાઈના સાઢુભાઈ વિક્રમભઆઈનું મોત થયું હતું.
દોઢેક વર્ષ પછી કબાટ ખોલીને 500 ની 58 નોટ બતાવી પરત કબાટ બંધ કરાવી દીધું
ત્યારબાદ જુન 2021 માં વિપુલ તથા વિનોદ પંચાલ ભરતભાઈના ઘરે આવ્યા હતા. ભરતભાઈને પહેલા માળે લઈ ગયા હતા. અને ઘરના સભ્યોને નીચે ઉભા રહેવા કહી પૈસાનો વરસાદ થશે તેવું કીધું હતું. વિપુલ કબાટ પાસે મંત્ર વિધી ઉચ્ચારી અને પાણીનો છંટકાવ કબાટ ઉપર કર્યો હતો. ત્યારબાદ કબાટનો થોડો દરવાજો ખોલી અને તેમાંથી 500 રૂપિયાના દરની 58 નોટ કાઢી બતાવી હતી. જેથી ભરતભાઈનો તેમની ઉપર વિશ્વાસ વધારે પ્રબળ બન્યો હતો. વિપુલે આતો એક નમુનો છે થોડા સમય રાહ જુઓ તમારો આખો કબાટ પૈસાથી ભરાઈને છલકાય જશે તો મારૂ નામ વિપુલ ઠાકોર નહીં તેમ કહ્યું હતું.
સાળીએ તેમને આપેલી બેગ ખાલી હોવાનું કહેતા ભાંડો ફુટ્યો
ઘણા સમય પછી વિપુલનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. જેથી વિનોદ પંચાલને ફોન કરતા તેને હાલ મહારાજ હાજર નથી અને લાંબી પુજા વિધીમાં વ્યસ્ત હોવાનું તથા હાલ મળી શકે તેમ નહીં હોવાનું કહ્યું હતું. આ દરમિયાન ભરતભાઈને તેમની સાળી સ્મિતાબેન વિક્રમભાઈ હાડવૈદે જણાવ્યું હતું કે, વિપુલ અને વિનોદે તેમને જે બેગ આપી તે બેગમાં પૈસા ભરેલી હોવાનું કહ્યું હતું. તે બેગ ખાલી છે. આ વાચ સાંભળી ભરતભાઈને શંકા જતા તેમને પોતાના કબાટ ચેક કરતા કબાટ ખાલી હતા. અને ઘરના સોનાના દાગીના પણ ગાયબ હતા. આશરે 6 લાખની કિમતના દાગીના આ ઠગ તાંત્રિકવિધી અને પુજાના નામે તફડાવી ગયો હતો.