Charchapatra

વડાપ્રધાનશ્રીના આગમન પછીનું સુરત

માનનીય વડાપ્રધાન શ્રી તા.૦૭/૦૩/૨૫ સુરત પધાર્યા. તે સંદર્ભે અખબારમાં સમાચાર હતા કે મોદી સાહેબ પસાર થવાના છે. તે ૨૭ કિ.મી. રસ્તા ઉપર ગંદકી, દબાણ અને ખાડા રાતોરાત ગાયબ થઈ ગયા. સમગ્ર રૂટ પર તૂટેલા રસ્તાઓ રીપેર થઈ ગયા, બ્રિજ રોડ સાઈડ દિવાલો ઉપર આકર્ષક પેઇન્ટિંગ, બ્યુટીફીકેશન કરી દેવામાં આવ્યુ, જેથી વડાપ્રધાન શ્રી આ ફુલગુલાબી ચિત્ર જોઈ શકે, તે સિવાયના રોડ, ગંદકી દબાણ જેમ છે તેમ છે, શું વડાપ્રધાને આવા કામોથી ખુશ થવુ જોઇએ? તેમની સભામાં આવા કામોને વખાણવા જોઈએ? એ આપણા ઉપર છોડુ છુ.

પ્રજા વત્સલ રાજાઓ વેશ પલટો કરીને નગરચર્યા કરતાં હતા. જેથી તેમના રાજમાં પ્રજા કેટલી સુખી છે જે જાણી શકે, વડાપ્રધાન શ્રીનું આગમન હોય ત્યારે તેમની સલામતી માટે પોલીસ તંત્ર બંદોબસ્ત કરે અને વધારાનું આયોજન કરે એ બરાબર છે. વડાપ્રધાનના આગમનના આયોજનમાં પ્રજાના પૈસે કરોડો રૂપિયાનું આંધણ કરીને પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓ પોતાની વાહવાહી મેળવે છે. શિક્ષણ સાથે સંકળાયેલા શિક્ષકો, આખું વહીવટી તંત્રને કામે લગાડી પ્રજાની મુશ્કેલીમાં ઓર વધારો થાય છે.
કીમ      – પી.સી.પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સરકાર કરકસર કરશે?
તાજેતરમાં વિધાનસભાના સમાચાર મુજબ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના નાગરિકોના માથે જાહેર દેવાનો ડુંગર દિન-પ્રતિદિન વધારતી જ જાય છે. જે ખરેખર ચિંતનનો વિષય છે, ત્યારે આજકાલ ગુજરાત સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની કેટ કેટલીય સંસ્થાઓ, મહાનગર પાલિકાઓ, પક્ષના નેતાઓની એક કાંકરે અનેક પક્ષીઓ મારી તકસાધુ આવન-જાવન અને બીનજરૂરિયાતના રંગરોગાનો, વાહનોના ધુમાડા, અને ખડેપગે ઊભા રખાતા તંત્રોની નોનઑડિટેબલ રકમોના જાહેર ખર્ચો પાછળ આડેધડ, બીનજરૂરિયાતના ઘૂમ અને બેફામ ખર્ચાઓ કરતી જ જાય છે.

જેની અસર આવનારી ચૂંટણીઓ દરમિયાન સહુ કોઈને જણાશે. જાગ્યા ત્યાંથી સવાર સમજીને રાજ્યના પ્રત્યેક નાગરિકના માથાદીઠ દેવાની રકમ ક્રમાનુસાર ઘટાડવા તરફ બેધ્યાન રહેશે તો નિ:શંક વૉટબેંક તૂટવા સાથે સમજદાર અને સાક્ષર પ્રજાની નજરેથી ઉતરતા જતાના અણસારો આપોઆપ આવવા માંડશે એ નક્કી છે. ત્યારે જાહેર ખર્ચાઓ પર અભ્યાસ કરાવી, કરકસરના પગલાં ભરી-ભરાવી નાગરિકધર્મના અપેક્ષિતો હવે ખરા અર્થમાં સાદગી અને કસરના દાખલા બેસાડી પોતાનો રાજધર્મ ક્યારે અપનાવાશે?
સુરત     – પંકજ મહેતા        – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top