સુરત(Surat): ટીઆરબી (TRB) સાજન ભરવાડે (Sajan Bharwad) હુમલો (Attack) કર્યા બાદ ઘાયલ (Injured) થયેલા સુરતના એડવોકેટ (Advocate) મેહુલ બોઘરા (Mehul Boghra) હોસ્પિટલમાં (Hospital) સારવાર (Treatment) લીધા બાદ સ્વસ્થ (Healthy) થઈ આજે ઘરે પહોંચ્યા હતા. બોઘરા જે સોસાયટીમાં રહે છે તે સોસાયટીના રહીશોએ તેઓનું પુષ્વર્ષા, તિલક કરી, ફુલહાર પહેરાવી, આરતી કરી અને ઢોલનગારા વગાડી ભવ્ય સ્વાગત કર્યું હતું. મેહુલ ભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ.., ભારત માતા કી જય.. ના નારા લોકોએ લગાવ્યા હતા. મેહુલ બોઘરા સાથે સેલ્ફી લોકોએ લીધી હતી.
મેહુલ બોઘરાએ સોસાયટીના પરિસરમાં ઉભા રહી તેમનું સ્વાગત સન્માન કરનાર સૌ કોઈનો આભાર માનતા કહ્યું હતું કે, ભ્રષ્ટ સિસ્ટમ અને લાંચિયા અધિકારીઓ સામે લડાઈ લડી હતી, તેના બદલામાં એક હુમલાનો શિકાર થયો. હોસ્પિટલમાં દાખલ હતો છતાં ગુજરાતના હજારો લોકોએ મને સપોર્ટ કર્યો. પોલીસ સ્ટેશન, કોર્ટ, કમિશનર કચેરી, સોશિયલ મીડિયામાં મારા માટે અવાજ ઉઠાવ્યો. મારા પર હુમલો થયો તેની સામે આક્રોશ વ્યક્ત કર્યો. મને સપોર્ટ કર્યો તે બદલ આભાર. આવા નાના-મોટા હુમલા થતા રહેશે. તેનાથી મેહુલ બોઘરાને ફરક પડતો નથી. ભવિષ્યમાં આનાથી દસ ગણી તાકાતથી ભ્રષ્ટ્રાચારીઓને જવાબ આપીશ.
તમને જણાવી દઈએ કે, સરથાણામાં રહેતા વકીલ મેહુલ બોઘરા પર 18મી ઓગસ્ટની સવારે સરથાણા કેનાલ રોડ પર લસકાણા પોલીસ ચોકીની નજીક ટીઆરબી સુપરવાઈઝર સાજન ભરવાડ દ્વારા પોલીસના દંડાથી જીવલેણ હુમલો કરાયો હતો. આ હુમલામાં મેહુલ બોઘરાનું માથું ફૂટી ગયું હતું. મેહુલ બોઘરાએ એવો આક્ષેપ કર્યો હતો કે પોલીસ અને ટીઆરબી જવાનો તેમજ તેમના મળતિયાઓ સરથાણા કેનાલ રોડ પર વાહનચાલકો પાસેથી ઉઘરાણા કરી રહ્યાં હતાં, તેનો લાઈવ વીડિયો બનાવી પર્દાફાશ કરતો હતો ત્યારે સાજન ભરવાડે હુમલો કર્યો હતો. આ ઘટના બાદ સરથાણાના લોકો એડવોકેટ મેહુલ બોઘરાના સપોર્ટમાં ઉતરી આવ્યા હતા. મોડી રાત્રે સરથાણા પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું.
સોશિયલ મીડિયામાં આઈ સપોર્ટ એડવોકેટ મેહુલ બોઘરા કેમ્પેઈન શરૂ થયું હતું. પોલીસ પર સાજન ભરવાડ વિરુદ્ધ કાર્યવાહીનું ભારે દબાણ ઉભું થયું હતું, પરિણામે આ સમગ્ર મામલામાં સરથાણા પોલીસે સાજન ભરવાડને સસ્પેન્ડ કર્યા બાદ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. શનિવારે સાજન ભરવાડને પોલીસ દ્વારા સુરતની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ કેસમાં સરથાણા પોલીસના એએસઆઈ અરવિંદ ગામીતે વકીલ મેહુલ બોઘરા વિરુદ્ધ ફરજમાં રૂકાવટ અને એટ્રોસિટીની કલમ હેઠળ ફરિયાદ નોંધી છે, જ્યારે બીજી તરફ સાજન ભરવાડ, 3 પોલીસકર્મી અને અન્ય 3 સામે આઈપીસી 302 (હત્યાનો પ્રયાસ) હેઠળ ગુનો નોંધ્યો છે. સાજન ભરવાડને હાલ 5 દિવસના પોલીસ રિમાન્ડ હેઠળ છે.