SURAT

વીડિયોમાં જુઓ, સુરતની પોલીસ ફરિયાદી સાથે કેવું વર્તન કરે છે?

સુરત(Surat): સુરત શહેરના પોલીસ કમિશનર અજય કુમાર તોમર (SuratCityPolice Commissioner AjayKumar Tomar) પોલીસ અને પ્રજા વચ્ચે સુમેળ સાધવાના હેતુથી પ્રજાલક્ષી કાર્યક્રમો કરી રહ્યાં છે. પ્રજા અને પોલીસ વચ્ચે ડરનો નહીં પરંતુ મિત્રતાનો સંબંધ હોય તેવી ઈચ્છા સાથે સુરત પોલીસ કમિશનર અનેક જાગૃતિ કાર્યક્રમો કરી રહ્યાં છે. ફરિયાદી સાથે પોલીસ સ્ટેશનમાં શાંતિથી વાત કરવા સૂચના આપે છે ત્યારે બીજી તરફ અજયકુમાર તોમરની સુરત પોલીસ સુધરવા માંગતી નહીં હોય તેવું લાગી રહ્યું છે. થોડા સમય પહેલાં સરથાણા સીમાડામાં એડવોકેટ વિપુલ બોઘરા પર ટીઆરબી જવાન સાજન ભરવાડે દંડાથી હુમલો કર્યો હતો. આ ઘટના ખૂબ ચર્ચાસ્પદ બની હતી. દરમિયાન થોડા સમય અગાઉ અડાજણ પોલીસ મથકના એક પોલીસ કર્મીનો વીડિયો વાયરલ થયો હતો જેમાં તે એલફેલ ગાળો દેતો અને ધમકાવતો નજરે પડ્યો હતો. હવે ફરી એકવાર અડાજણ પોલીસના પોલીસકર્મીઓનો એક વીડિયો વાયરલ થયો છે. ફરિયાદીને ધમકાવતા અને લાફા મારતા આ વીડિયોએ ખાસ્સી ચકચાર જગાવી છે.

શહેરના જાગૃત નાગરિક સંજય ઇઝાવા દ્વારા એક વીડિયો તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જે જોવા અને સાંભળવા મળી રહ્યું છે તે અનુસાર એક મહિલા પોલીસ કર્મચારી ખૂબ જ ઉગ્રતાથી વીડિયો બનાવનાર વ્યક્તિ સાથે વાતો કરી રહી છે. વીડિયો બતાવનાર વારંવાર મારી ફરિયાદ કેમ એક મહિનાથી લેતા નથી તે મુજબની રજૂઆત કરી રહ્યો છે ત્યારે સામા પક્ષે મહિલા પોલીસ કર્મચારી ઉગ્રતાથી વાતો કરી રહી છે.

એક તબક્કે તો મહિલા પોલીસ કર્મચારી એવું પણ બોલે છે કે મરી જાય તો ફરિયાદ લઈ લેતે. એટલું જ નહીં મહિલા પોલીસ કર્મચારી ગાળો દઈ ઘાંટા પાડી વીડિયો બનાવનાર પાસે ધસી આવે છે અને તેને ઉપરાછાપરી બે લાફા ઝીંકી દે છે. વીડિયો બતાવનાર વારંવાર કહે છે કે તમે આ રીતે મારી શકો નહીં. તમે મને બે લાફા માર્યા છે. ફરિયાદ કરવા આવનાર સાથે આવું વર્તન તમે કરી શકો નહીં. ત્યારે તે મહિલા પોલીસ કર્મચારી છેલ્લે એવું કહે છે કે જે કરવું હોય તે કરી લે. મારા પોલીસ સ્ટેશનમાં દાદાગીરી કરવી નહીં.

વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો

અંતે કેટલાંક પોલીસ કર્મચારીઓ ફરિયાદી અને મહિલા પોલીસ કર્મચારીને અલગ પાડે છે અને ફરિયાદીને શું ફરિયાદ છે તે જાણવા સમજાવવા પ્રયાસ કરે છે, પરંતુ વીડિયો ઉતારનાર શખ્સ મારી પર હાથ ઉપાડ્યો છે હવે હું મારી રીતે જોઈ લઈશ તેમ કહી પોલીસ મથકમાંથી જતો રહે છે. આ ઘટનાએ ફરી એકવાર સુરત પોલીસની છબીને બગાડવાનું કામ કર્યું છે. સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરના પ્રજાની નજીક જવાના પ્રયાસો પર પાણી ફેરવ્યું છે. લોકોમાં અડાજણ પોલીસની મહિલા કર્મચારીની વર્તણૂંકથી રોષ વ્યાપી ગયો છે અને અનેક સુરત પોલીસને ટ્રોલ કરી રહ્યાં છે.

Most Popular

To Top