SURAT

પરિણીત યુવકે સુરતની કતારગામની પરિણીતાને એસિડ એટેકની ધમકી આપી

સુરત : બોટાદના બરવાળા પાસે રહેતા એક યુવકે સુરતની (Surat) કતારગામમાં (Katargam) રહેતી પરિણીત મહિલાને વાત કરવાનું કહીને જો વાત નહીં કરે તો એસિડ (Acid) એટેકથી મારી નાંખવાની ધમકી આપી હતી. એકતરફી પ્રેમમાં પાગલ આ યુવકની પત્ની પણ સુરતની મહિલા પાસે આવી હતી અને પતિ (Husband) સાથે વાત કરવાનું કહીને ધમકી આપતા આખરે કતારગામ પોલીસે (Police) ગુનો નોંધ્યો હતો.

  • મહિલા પાસે આવી તેના પતિની સાથે વાત નહીં કરે તો બદનામ કરવા ધમકી આપી
  • ‘તું મારી સાથે વાત નહીં કરે તો એસિડ ફેંકી કોઇની નહીં થવા દઉ’
  • પતિ અને અન્ય સંબંધી ઉપર ફોન કરીને હેરાન કરતો હતો

પ્રાપ્ત વિગતો મુજબ કતારગામ રાશી સર્કલ પાસે લક્ષ્મીકાંત સોસાયટીમાં રહેતી ચંચલબેન અમરીષભાઇ ઠક્કર કતારગામમાં જ નોકરી કરી પરિવારને આર્થિક મદદ કરે છે. ત્રણ વર્ષ પહેલા તેઓ સોશિયલ મીડિયા ફેસબુક મારફતે બોટાદ જિલ્લાના બરવાળાગામના આકરા મહારોડ ઉપર રહેતા જગદીશ મુંઘવાના સંપર્કમાં આવ્યા હતા. બંને વચ્ચે અંદાજીત છ મહિના સુધી વાત ચાલુ રહ્યા બાદ અચાનક ચંચલબેનએ વાત કરવાની બંધ કરી દીધી હતી. જેની સામે જગદીશે ચંચલબેનના શેઠ અમિત અવૈયાના વ્હોટ્સએપમાં સ્યુસાઇડ કરવાનો વીડિયો મોકલાવ્યો હતો. આ બાબતે કતારગામ પોલીસમાં ફરિયાદ કરાઇ હતી. બાદમાં જગદીશે માફી માંગતા સમાધાન થયું હતું. બાદમાં જગદીશે ચંચલબેનના શેઠ અમિતભાઇ તેમજ જેઠાણી દમયંતિબેનને ફોન કરીને વાત કરવા માટે દબાણ કરતો હતો. ચંચલબેન અને જગદીશની વચ્ચે રૂપિયાની લઇને કોર્ટમાં કેસો પણ થયા હતા. આ દરમિયાન જગદીશે ચંચલબેનને દુકાને આવીને ધમકી આપી કે, ‘જો તું મારી સાથે નહીં બોલે તો હું તારા ઉપર એસિડ ફેંકી તને કોઇની નહીં થવા દઉ’. બાદમાં આ જગદીશે ચંચલબેનના પુત્રની ઉપર બિભત્સ મેસેજ મોકલાવ્યો હતો, બાદમાં તેના પતિ અને અન્ય સંબંધી ઉપર ફોન કરીને હેરાન કરતો હતો. 20 દિવસ પહેલા જગદીશની પત્ની સુરત આવી હતી અને ચંચલબેનને કહ્યું કે, તમારો ફોટો અને વીડિયો મારા પતિ પાસે છે, તમે મારા પતિ સાથે વાત કરો નહીંતર બદનામ કરી નાંખીશ’. આ બાબતે કતારગામ પોલીસે જગદીશની સામે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top