સુરત: (Surat) પનાસ ગામમાં 24 વર્ષ પહેલા ભાઈનું અપહરણ (Kidnapping) થતા તેને છોડાવવા 5 હજાર ઉછીના લીધા હતા. આ રૂપિયાની ઉઘરાણી કરનાર બાબુને આરોપી લખન અને તેના ભાઈ તથા મિત્રો સાથે મળીને પતાવી દીધો હતો. 24 વર્ષથી આરોપી નાસતો ફરતો હતો. દરમિયાન એસઓજીની (SOG) ટીમે આયોજન પૂર્વક આરોપીને (Accused) વતનના ઘરમાંથી દબોચી લીધો હતો. જ્યારે તેણે હત્યા (Murder) કરી ત્યારે તેની ઉંમર 24 વર્ષ હતી અને પકડાયો ત્યારે 48 વર્ષ છે.
એસઓજીએ લાંબા સમયથી ગંભીર ગુન્હામાં વોન્ટેડ આરોપીઓનો ડેટા એકત્રિત કર્યો હતો. ખાસ કરીને ઓડીશાના વતની હોય તેવા આરોપીઓને અલગ તારવ્યા હતા. દરમિયાન વર્ષ 1998 માં ઉમરા પોલીસ સ્ટેશનમાં આવેલા પનાસ નહેર પાસે એક વ્યક્તિની ચપ્પુ તથા પત્થર વડે શરીર પર અસંખ્ય ઘા કરી હત્યા કરવામાં આવી હતી. ઉમરા પોલીસ સ્ટેશનમાં જે તે સમયે હત્યાનો ગુનો નોંધાયો હતો. અને હત્યાનો આરોપી લખન દિનબંધુ બહેરા (રહે. ગામ બડાબદગી થાના-સોરડા ગંજામ, ઓડીશા) હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ આરોપીને પકડવા જાય ત્યારે ઓડીશાના ગંજામ જિલ્લાના જંગલ તથા પહાડી વિસ્તારમાં નાસી જતો હતો. જેથી એસઓજી પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી. દરમિયાન તેમને આરોપી હાલ તેના વતનમાં જ હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે એસઓજી પીઆઈ આર.એસ.સુવેરાએ વેરીફાઈ કરાવી તેને દબોચી લેવા વોચ ગોઠવી હતી. આરોપી ઓડીશાથી નાસી જાય તે પહેલા તેને ઝડપી પાડવા ગંજામ પોલીસની મદદ મેળવી આરોપી લખન દિનબંધુ બહેરા (રહે. ગામ બડાબદગી થાના-સોરડા જી.ગંજામ, ઓડીશા) ને ઘરમાંથી ઝડપી પાડ્યો હતો.
મેલી વિદ્યા ફેઈલ જતા આરોપીના ભાઈનું અપહરણ કરાયું હતું
આરોપીની પુછપરછ કરતા પોતે તેના ભાઈ રાજન તથા સુજાન સાથે વર્ષ 1998 માં સુરતમાં પનાસગામ ખાતે રહેતો હતો. અને કપડા વણાટનું કામ કરતો હતો. તેનો ભાઈ સુજાન મેલી વિદ્યા જાણતો હતો. તેણે સુરતમાં રહેતી કોઈ છોકરીનો મેલી વિદ્યાથી ઇલાજ કર્યો હતો. પરંતુ તે છોકરી સાજી નહી થતા તેના પરિવારજનો તેના ભાઈ સુજાનને ઉપાડી ગયા હતા. અને તેને છોડવા માટે પૈસાની માંગણી કરી હતી. જેથી પોતે તથા તેના ભાઈ રાજને સુરત ખાતે રહેતા તેના ગામનો બાબુ તરણી શાહુની પાસેથી તેના ભાઈ સુજાનને છોડાવવા માટે 5 હજાર ઉછીના લઈ ભાઈને છોડાવ્યો હતો. બાદમાં બાબુએ તેના પૈસાની ઉઘરાણી કરતો હતો. જે બાબતે તેની સાથે ઝઘડો થતા બાબુ ચપ્પુ લઈ લખનને તથા તેના ભાઈ રાજનને મારવા માટે શોધતો હતો.
બાબુ મારે તે પહેલા તેને જ પતાવી દીધો
બાબુ મારે તે પહેલા તેને મારી નાખવા માટે લખને નક્કી કર્યું હતું. અને 29 સપ્ટેમ્બર 1998 ના બપોરે લખન પોતે તથા તેનો ભાઈ રાજન અને અન્ય બે મિત્રોએ ભેગા મળી બાબુ ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. ચપ્પુના ઘા માર્યા પછી પણ તે જીવિત હોવાથી તેને મોટા પથ્થર વડે મોઢા તથા છાતીના ભાગે ઘા કર્યા હતા. અને હત્યા કરી પોતાના વતન ભાગી ગયા હતા. ત્યારબાદ તે કેરેલામાં ત્રીચુર ખાતે રહેવા જતો રહ્યો હતો. અને ત્યાં રોડ બાંધકામની મજુરી કામ કરી પોતાના ગામ આવતો જતો હતો. હાલમાં મહિના પહેલા જ પોતાના વતન ગામ આવ્યો હતો.