સુરત: (Surat) ખુનની કોશિષ, લુંટ (Loot), વાહન ચોરી (Theft) જેવા ગુનામાં સંડોવાયેલા રીઢા ગુનેગારને ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો હતો. ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે વરાછા, ડાહ્યાપાર્ક સોસાયટી ખાતેથી નિકુલ ઉર્ફે ડક્કર ચકુરભાઇ ભીંગરાડીયા જાતે લેઉવા પટેલ (ઉ.વ.21, રહે. માતાવાડી ડાહ્યા પાર્ક સોસાયટી ખાતે ફુટપાથ ઉપર, વરાછા તથા મુળ પાલીતાણા જી.ભાવનગર)ને એક લાલ કલરની રોયલ એનફિલ્ડ બુલેટ સાથે પકડી પાડ્યો હતો. બુલેટ બાબતે પુછતા ગોડાદરા સંસ્કૃર્તિ માર્કેટના બેઝમેન્ટ પાર્કિંગમાંથી (Parking) ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. પોકેટ કોપ મોબાઇલ ફોનથી ખાતરી કરતા આ બુલેટ મોટર સાયકલ અંગે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે.
આરોપીની વધારે પુછપરછ કરતા વરાછા હિરાબાગ પાસે આવેલી જુની શક્તિ વિજય સોસાયટીમાંથી બુલેટ મોટર સાયકલની તથા વરાછા મીની બજાર ખાતે આવેલી પટવા બિલ્ડિંગના પાર્કિંગમાંથી હોન્ડા શાઇન મોટર સાયકલની, વરાછા મીની બજાર ખાતે આવેલા પ્રિન્સેસ પ્લાઝામાંથી હોન્ડા ડ્રીમ યુગા મોટર સાયકલ, વરાછા ઠાકોરદ્વાર સોસાયટીમાંથી હોન્ડા શાઇન મોટર સાયકલ, વરાછા ભરતનગર ખાતેથી બુલેટ મોટર સાયકલ, વરાછા ઘનશ્યામનગર ખાતેથી હિરો હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ તેમજ પાંચેક માસ અગાઉ ભાવનગર શહેરના તળાજા રોડ પર આવેલા ટોપ થ્રી સીનેમા સર્કલ પાસેથી હોન્ડા શાઇન મોટર સાયકલની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. છ માસ પહેલા વરાછા ભગીરથ સોસાયટીમાં પાર્ક કરેલ એક કાળા કલરની બુલેટ મોટર સાયકલ જેનો (GJ-05-PN-5775)ની ચોરી કરી હતી અને તેને વરાછા બાલાજીનગર ખાતે આવેલી ખુલ્લી જગ્યામાં પાર્ક કરી દીધી હોવાની કબુલાત કરી હતી. આરોપી પાસેથી અલગ અલગ મોટર સાયકલ મળી કુલ 3.60 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે.
ચોરીની બાઈક પર જ્વેલર્સમાં લુંટની કોશિશ કરી હતી
જાન્યુઆરી 2021માં તેના મિત્ર સંદિપ ડુંગરાણી સાથે મળી સુરત, કતારગામ પિપલ્સ ચાર રસ્તા પુલ નીચેથી એક સ્પ્લેન્ડર મોટર સાયકલ ચોરી કરી હતી. તે મોટર સાયકલથી કતારગામ વિહાર સોસાયટી પાસે આવેલા ‘પ્રસંગ જ્વેલર્સ ’નામની સોની દુકાનમાં બ્રેસલેટ જોવાના બહાને દુકાનદારને ચપ્પુના ઘા મારી જાનથી મારી નાખવાની કોશિશ કરી લુંટની કોશિષ કરી હતી. ચોરી કરેલી મોટર સાયકલ રસ્તામાં છોડી ટ્રકમાં બેસી રાજપીપળા ખાતે ગયા અને ત્યાંથી એક પેશન પ્રો મોટર સાયકલ ચોરી કરી હતી.
ચોરીના બુલેટમાં પેટ્રોલ પુરૂ થતા રસ્તે મુકીને જતો રહ્યો
આરોપીએ છ મહિના પહેલા ચોક બજાર વિહાર સોસાયટી ખાતેથી એક સફેદ કલરનું બુલેટ ચોરી કર્યું હતું. મોટા વરાછા દુ:ખીયાના દરબાર આશ્રમ તરફ રોડ પર જતી વખતે બુલેટમાં પેટ્રોલ પુરૂ થઇ જતા ત્યાં રોડ પર જ બુલેટ મુકી ગયો હતો. આરોપીએ પાલીતાણા તથા ઢસા તા.ગઢડા (સ્વામી) જી.બોટાદ ખાતે રોડ પર આવતા – જતાં ફેરીયાઓને ચપ્પુ બતાવીને બે – ત્રણ વખત રોકડ રૂ. 500થી 1500 સુધીની લુંટ કરી હતી.