SURAT

સુરતના પિતા-પુત્રની કારને ટ્રક સાથે અકસ્માત, આગ લાગતાં બંને ભડથું થઇ ગયા

ભરૂચ: સુરતના કોસંબા રહેતા પિતા પોતાના મિત્ર સાથે ડહેલી ગામે પુત્રને લઈ સીએનજી ઇકોમાં પરત ફરી રહ્યા હતા. ત્યારે તૃણા ગામે ટ્રકે અકસ્માત સર્જાયો હતો. ઇકો પલટી મારી સળગી જતાં પિતા-પુત્રનું મોત નીપજ્યું હતું.

  • ડહેલી-વાલિયા વચ્ચે મધરાત્રે બનેલી ઘટના, કારમાં પરત આવતા પિતા-પુત્રને અકસ્માત નડ્યો
  • કોસંબા સોસાયટીનો જ મિત્ર પલટી મારેલી કારમાંથી મિત્ર અને તેના પુત્રને બહાર કાઢી શક્યો નહીં, ને કાર સળગી ઊઠી


કોસંબાની કે.બી. પાર્ક-2માં રાજદીપ મહેશ ટેલર રહે છે. જેઓ મંગળવારે રાત્રે સોસાયટીના ગેટ પાસે બેઠા હતા. ત્યારે આ જ સોસાયટીમાં રહેતા તેમના મિત્ર કૃપાલસિંહ રાઠોડ તેમની સી.એન.જી. ઇકો કાર લઈ આવ્યા હતા. વાલિયા તાલુકાના ડહેલી ખાતે સાસરીમાં પુત્ર કર્તવ્યસિંહને લેવા જવાનો હોવાથી રાજદીપ ભાઈને સાથે લઈ લીધા હતા. ડહેલીથી તેઓ પુત્રને લઈ કારમાં પરત વાલિયા તરફ આવી રહ્યા હતા. દરમિયાન રાત્રે પોણા બાર વાગ્યાના અરસામાં સામેથી આવતી ટ્રકે કારને અડફેટે લીધી હતી. અકસ્માતમાં કાર પલટી મારી જતાં રાજદીપભાઈ જેમતેમ કરી બહાર નીકળી આવ્યા હતા. ઇજાગ્રસ્ત પિતા અને પુત્રને કાઢવાનો મિત્રનો પ્રયત્ન વ્યર્થ ગયો હતો. એવામાં જ કારમાં આગ લાગી જતાં તુરંત ઘટનાની જાણ ડહેલી અને કોસંબા કરાઈ હતી. પરિવારજનો અને લોકો દોડી આવતાં સળગતી કારમાંથી પિતા-પુત્રને બહાર કાઢી ત્રણેયને વાલિયા સીએચસીમાં ખસેડાયા હતા. જ્યાં 30 વર્ષીય કૃપાલ અને તેના 4 વર્ષીય પુત્ર કર્તવ્યનું ઇજા અને દાઝી જવાના કારણે મોત થયું હતું. વાલિયા પોલીસે ફરાર ટ્રકચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top