બધા હોટલમાં જમવા જઈ રહ્યા હતા ત્યારે ભાઈ-બહેનને ડમ્પરે અડફેટે લેતાં 14 વર્ષીય ભાઈનું મોત – Gujaratmitra Daily Newspaper

SURAT

બધા હોટલમાં જમવા જઈ રહ્યા હતા ત્યારે ભાઈ-બહેનને ડમ્પરે અડફેટે લેતાં 14 વર્ષીય ભાઈનું મોત

સુરત: (Surat) હજી તો ચાર દિવસ પહેલાં જ શહેરના પાલ રોડ પર ધોરણ 11 સાયન્સની આશાસ્પદ વિદ્યાર્થીનીને એક ટ્રક ચાલકે અડફેટે લેતાં તેણીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આજે ફરીથી એક ડમ્પર ચાલકે 14 વર્ષના કિશોરને અડફેટે (Accident) લેતાં તેનું કરૂણ મોત (Death) નીપજ્યું હતું. ડમ્પરનું વ્હીલ ભાઈ પરથી ફરી વળતાં 14 વર્ષિય ભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. 14 વર્ષીય ભવ્ય, બે બહેનો વચ્ચે પરિવારમાં એકનો એક પુત્ર હતો.

  • પાલ ગૌરવપથ પર મોપેડ પર જઈ રહેલા ભાઈ-બહેનને ડમ્પરે અડફેટે લેતાં 14 વર્ષીય ભાઈનું મોત
  • દાંડી રોડ પર સુંદરવન રો હાઉસમાં રહેતા ભરતભાઈ પટેલના ત્યાં પ્રસંગ હોવાથી બધા હોટેલમાં જમવા જઈ રહ્યાં હતા ત્યારે ભાઈ-બહેન સાથે એક મોપેડ જતાં હતા ત્યારે ડમ્પરના ડ્રાઈવરે તેઓને અડફેટે લીધા
  • બિલ્ડર પરિવારમાં બે બહેનો વચ્ચે એકમાત્ર પુત્ર હતો: અકસ્માત કરી ડમ્પર ચાલક ફરાર

પાલ આરટીઓ રોડ અને ગૌરવપથ પર માતેલા સાંઢની જેમ દોડી રહેલા ટ્રક અને ડમ્પરો મોપેડ પર જઈ રહેલા સ્કૂલના બાળકો માટે યમદૂત બની રહ્યાં છે. શહેર પોલીસ અને ટ્રાફિક પોલીસ દ્વારા તત્કાળ અહીં યોગ્ય ટ્રાફિક નિયમન કરવાની જરૂરિયાત છે. પાલ ગૌરવપથ રોડ પર આજરોજ મંગળવારે કાળમુખા ડમ્પર ચાલકે મોપેડને ટક્કર મારતાં મોપેડ પર સવાર ભાઈ-બહેન બંને નીચે પટકાયા હતાં. ડમ્પરનું વ્હીલ ભાઈ પરથી ફરી વળતાં 14 વર્ષિય ભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. 14 વર્ષીય ભવ્ય, બે બહેનો વચ્ચે પરિવારમાં એકનો એક પુત્ર હતો.

પાલ પોલીસ સ્ટેશન અને નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર જહાંગીરાબાદ વિસ્તારમાં દાંડી રોડ પર આવેલ સુંદરવન રો હાઉસમાં ભરતભાઈ ખુશાલભાઈ પટેલ પોતાના પરિવાર સાથે રહે છે. ભરતભાઈના પરિવારમાં પત્ની ઉપરાંત બે દીકરીઓ અને એક દીકરો 14 વર્ષિય ભવ્ય હતો. આજરોજ ઘણાં સગાઓ ઘરે ભેગા થયા હતા. ત્યાર બાદ ભવ્ય અને તેની બહેન ખ્યાતિ( 23 વર્ષ) અન્ય સંબધીઓ સાથે અલગ-અલગ વાહનો પર પાલ ગૌરવપથ રોડ પર મોનાર્ક કોમ્પ્લેક્સમાં આવેલ રેસ્ટોરન્ટમાં જમવા માટે જઈ રહ્યાં હતાં. ત્યારે ગૌરવપથ રોડ પર શાંતીવન સર્કલ પાસેથી પસાર થતી વેળા ડમ્પર નંબર જીજે-16-ડબ્લ્યુ 1552ના ડ્રાઇવરે બેદરકારીથી અને પૂરઝડપે ડમ્પર ચલાવીને ખ્યાતિની મોપેડને ટક્કર મારી હતી.

ખ્યાતિ અને ભવ્ય બંને નીચે પટકાયા હતાં. ડમ્પરનું વ્હિલ ભવ્ય પરથી ફરી વળતાં ભવ્યનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ડમ્પર ચાલક ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. ભવ્યએ હાલમાં જ ધોરણ 8ની પરીક્ષા પાસ કરી હતી. તેના પિતા ભરતભાઈ ખ્યાતિ કન્સ્ટ્રક્શનના નામથી બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનું કામ કરે છે. પરિવારમાં બે બહેનોનો એકનો એક ભાઈ હતો. પાલ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે પાલ ગૌરવપથ પર ગંભીર અકસ્માતોના બનાવ વધી ગયા છે. ચાર દિવસ પહેલા પણ મોપેડ સવાર એક વિદ્યાર્થીનીને ટ્રક ચાલકે અડફેટે લેતા તેનું મોત નિપજ્યું હતું.

Most Popular

To Top