SURAT

તું પહેલા શાલીનીના નામે વીમો લઇ લે, તે ચાલવા માટે જાય ત્યારે તેનું એક્સીડેન્ટ કરાવી નાંખ..

સુરત: (Surat) દોઢ વર્ષ પહેલા પૂણા કુંભારીયા રોડ ઉપર વહેલી સવારે વોર્કિંગ (Morning Walk) માટે નીકળેલી મહિલાની હત્યા કરી તેના નામ ઉપર લીધેલા 70 લાખનો વીમો લેવાના પ્રકરણમાં પોલીસે હત્યાનો પ્લાન બનાવનાર સસરા અને નણંદની ધરપકડ કરી હતી. આ બંને ચાર વર્ષની માસૂમ બાળાની સાથે રહીને યુપીની હોટેલોમાં (Hotel) રહીને જીવન પસાર કરતા હતા, પોલીસે બંને ઉપર સતત નજર રાખીને તેઓને યુપીના અલીગઢ શહેરમાંથી પકડી પાડ્યા હતા. તેઓને સ્થાનિક કોર્ટમાં (Court) રજૂ કરીને સુરત લવાયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ દોઢ વર્ષ પહેલા પૂણા કુંભારીયા રોડ, રઘુવીર સેલીયમ માર્કેટ પાસે રોડ ઉપર વાહન અકસ્માતે શાલીની યાદવ (ઉ.વ.21)નું મોત નીપજ્યું હતું. શાલીની ઉપર ટ્રકનું ટાયર ફરી વળતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. શરૂઆતમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો, બાદમાં પરિવારના સભ્યોની પુછપરછમાં શાલીનીના પતિ અનુજકુમાર સોહન યાદવની ધરપકડ કરાઇ હતી. અનુજે શાલીનીના નામ ઉપર રૂા. 70 લાખનો વીમો ઉતરાવ્યો હતો. પરિવારે પૈસાની લાલચમાં અનુજ અને શાલીની વચ્ચે ઝઘડાઓ કરાવીને શાલીની મોર્નિંગ વોક માટે જાય ત્યારે તેનું અકસ્માત કરાવીને હત્યા કરાવી દેવાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસે શરૂઆતમાં અનુજની ધરપકડ કરી હતી. આ સાથે જ અનુજના પિતા સોહનકુમાર જનકસીંગ યાદવ તેમજ તેની પુત્રી નીરૂ ઉર્ફે પૂજા સોહનસીંગ યાદવ પોલીસ પકડથી બચવા માટે ભાગી ગયા હતા.

શાલીનીની ચાર વર્ષની પુત્રીને પણ તેઓ સાથે લઇ ગયા હતા. આ પિતા-પુત્રીને પકડવા માટે પૂણા પોલીસની એક ટીમ યુપીના અલીગઢ શહેરમાં ગઇ હતી. આ દરમિયાન પિતા-પુત્રી અલીગઢની નિલકંઠ હોટેલની સામેથી પસાર થવાના છે. તેવી માહિતી પૂણા પોલીસની ટીમને મળતા જ તેઓએ વોચ ગોઠવીને બંનેને પકડી પાડ્યા હતા. તેઓની સાથે ચાર વર્ષની માસૂમ બાળા પણ હતી. પિતા-પુત્રી ચાર વર્ષની બાળાને લઇને આમથી તેમ ફરી રહ્યા હતા. દોઢ વર્ષથી તેઓ જે મળે તે ખાઇને જીવન પસાર કરતા હતા. આ સાથે જ ચાર વર્ષની માસૂમ બાળકીને પણ આમથી તેમ ફેરવવામાં આવતી હતી. પોલીસે તેઓને અલીગઢ કોર્ટમાં રજૂ કરીને ત્યાંથી ટ્રાન્સફર વોરંટના આધારે સુરત લઇ આવ્યા હતા.

દર બે મહિને પિતા-પુત્રી હોટેલ બદલી નાંખતા હતા
પૂણા પોલીસના પીઆઇ વિજય ગડરીયાના જણાવ્યા પ્રમાણે સોહનસીંગ અને તેની પુત્રી નિરૂ પોલીસથી બચવા માટે દર બે મહિના હોટેલ બદલી નાંખતા હતા. તેઓ પોતાના અંગત સંબંધીઓના સંપર્કમાં રહેતા હતા અને એક-દોઢ કે બે મહિના થાય કે તરંત જ શહેરની સાથે હોટેલ પણ બદલી નાંખતા હતા. પોલીસે છેલ્લા ઘણા સમયથી અલીગઢમાં વોચ ગોઠવી હતી અને પિતા-પુત્રી ઉપર નજર રાખી હતી.

શાલીનીની હત્યા કરવામાં મુખ્ય સૂત્રધાર સોહનસીંગ અને તેની પુત્રી નીરૂ જ નીકળી
પોલીસના કહેવા પ્રમાણે શાલીનીની નણંદ નીરૂ યાદવે તેના પતિની સામે દહેજની ફરિયાદ કરી હતી અને પિયરમાં રહેવા આવી હતી. અહીં આવ્યા બાદ નીરૂએ શાલીનીના પતિ અનુજને પણ ભડકાવ્યો હતો અને પિતા સોહનસીંગને પણ ભડકાવ્યા હતા. આ બંનેએ ભેગા થઇને અનુજને ઉશ્કેર્યા બાદ કહ્યું કે, તું પહેલા શાલીનીના નામ ઉપર વીમો લઇ લે, અને તે જ્યારે ચાલવા માટે જાય ત્યારે તેનું એક્સીડેન્ટ કરાવીને હત્યા કરી નાંખ. બહેન અને પિતાની વાત માનીને અનુજએ તા. 08-01-2021ના રોજ વહેલી સવારે પાંચ વાગ્યે શાલીની ચાલવા માટે ગઇ ત્યારે તેનો અકસ્માત કરીને હત્યા કરાવી નાંખી હતી.

Most Popular

To Top