સુરત: (Surat) શુક્રવારે વહેલી સવારે ઇચ્છાપોર રોડ વિસ્તારમાં એક કન્ટેનર અને ઈંટોથી ભરેલા ડમ્પરની આમને-સામને જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતને (Accident) પગલે ડમ્પર ઊંધું થઇ ગયું હતું. જેમાં ડ્રાયવર (Driver) સહીત ચાર વ્યકિતઓ કેબીનમાં ફસાઈ ગયા હતા. ફાયરની રેસ્ક્યુ વાન દ્વારા કેબીનનો ભાગ ખેંચી તેમાં ખરાબ રીતે ફસાયેલા ક્લીનરને બહાર કાઢી લેવામાં આવ્યો હતો.
- વહેલી સવારે ઇચ્છાપોર રોડ વિસ્તારમાં એક કન્ટેનર અને ઈંટોથી ભરેલા ડમ્પરની આમને-સામને જોરદાર ટક્કર
- ડ્રાયવર સહીત ચાર વ્યકિતઓ કેબીનમાં ફસાઈ ગયા
- કેબીનનો ભાગ ખેંચી તેમાં ખરાબ રીતે ફસાયેલા ક્લીનરને બહાર કાઢી લેવામાં આવ્યો
ફાયર સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી મુજબ, ઇચ્છાપોર વિસ્તારમાં એચપી પેટ્રોલ પંપ નજીક શુક્રવારે 5:45 કલાકે એક કન્ટેનર અને ઈંટોથી લોડેડ ડમ્પર સામસામે ટકરાયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે ડમ્પર રસ્તા ઉપર પલ્ટી ગયું હતું. ડમ્પરમાં ચાર વ્યક્તિઓ સવાર હતા જે પૈકી ડ્રાયવર અરુણ ઉમર સહીત ત્રણ લોકો બહાર નીકળી ગયા હતા પરંતુ 35 વર્ષીય ક્લીનર શંભુ ડામોર કેબીનની અંદર ખરાબ રીતે ફસાઈ ગયો હતો. ઘટનાનો કોલ ફાયર કંટ્રોલને મળતા પાલનપુર અને મોરાભાગલ ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
ફાયર સબ ઓફિસર ગિરીશ શેલારે જણવ્યું હતું કે પેટ્રોલ પંપ ઉપર કન્ટેનર ડીઝલ ભરાવવા આવ્યું હતું અને ડમ્પર બહાર નીકળી રહ્યું હતું, વણાંક ઉપર બન્ને વહાનો વચ્ચે ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. ફાયરના ઓફિસર કીર્તિ મોઢ અને તેમની ટીમ દ્વારા રેસ્ક્યુની કાગીરી હાથ ધરાઈ હતી. ડમ્પરની કેબીન ચપ્પટ થઇ જતા ફાયર રેસ્ક્યુ વેન મારફતે ડમ્પરની કેબીનને ખેંચવામાં આવી હતી અને ત્યારબાદ તેમાં ફસાયેલા કિલનરને બહાર કાઢી લેવામાં આવ્યો હતો. કિલનરને પગમાં ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની આગળની તપાસ ઈચ્છાપોર પોલીસ કરી રહી છે.