સુરત : પાંડેસરા ખાતે રહેતો યુવક પત્ની અને બાળકી સાથે નવસારી તેના સાળુભાઈની આંખનું ઓપરેશન હોવાથી જોવા માટે જવા નીકળ્યો હતો. ત્યારે પલસાણા પાસે ટ્રક ચાલકે અડફેટે લેતા પત્ની અને બાળકીને ઇજા થઈ હતી જ્યારે ચાલક પતિનું મોત નીપજ્યું હતું.
- પલસાણા પાસે ટ્રકનું ટાયર યુવકના શરીર પરથી ફરી વળ્યું, પત્ની અને બાળકીને સામાન્ય ઇજા
- સાળુભાઈની આંખનું ઓપરેશન હોવાથી નવસારી જોવા જતા હતા ત્યારે ઘટના બની
સચિન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ બમરોલી ખાતે સુખીનગરમાં રહેતા જગદીશભાઈ પાટીલ પત્ની અને બે સંતાનો સાથે રહેતા હતા. જગદીશભાઈ પીઝા ડિલેવરી કરવાનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગઈકાલે નવસારીમાં જગદીશભાઈના સાળાનું આંખનું ઓપરેશન હતું. જેથી જગદીશભાઈ અને તેમની પત્ની પ્રતિભાબેન સાથે રાત્રે તેમની બાઈક જીજે-05-ઇએફ-0722 ઉપર તેમની સાત વર્ષની દિકરી એંજલ સાથે નવસારી જવા નીકળ્યા હતા. ત્યારે સચિન પલસાણા ચોકડી ઇન્ડીયન પેટ્રોલ પંપની સામે એક ટ્રક ચાલકે અડફેટે લીધા હતા. ટ્રકે ટક્કર મારતા પત્ની અને દિકરી ફંગોળાઈને નીચે પટકાયા હતા. જ્યારે ટ્રકનું ટાયર જગદીશભાઈના શરીર ઉપરથી ફરી વળ્યું હતું. અકસ્માત બાદ ટ્રક ચાલક (જીજે-05-બીએક્સ-0271) મુકીને ભાગી ગયો હતો. જગદીશભાઈને લોહીલુહાણ હાલતમાં નવી સિવિલમાં ખસેડાયા જ્યાં તબીબે મૃત જાહેર કર્યા હતા.
નાંદોદના મોવી અને જીતનગરમાં અકસ્માત થતાં બેનાં મોત, 2 ગંભીર
રાજપીપળા: નાંદોદ તાલુકામાં 30મી એપ્રિલે અકસ્માતના બે અલગ અલગ બનાવો બન્યા હતા, જેમાં 2 વ્યક્તિનાં ઘટના સ્થળે જ કરુણ મોત થયાં હતાં. જ્યારે અન્ય 2 વ્યક્તિને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે ખસેડાયા હતા. રાજપીપળા પોલીસે આ અકસ્માત મામલે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતના પહેલા બનાવની વિગત મુજબ ડેડિયાપાડા કે.જી.બી.વી. શાળાનાં મુખ્ય શિક્ષિકા કમળા કાશીરામ વસાવા જીજે.22.કે.7653 નંબરની એક્ટિવા પર તેમજ નોડલ ઓફિસર દક્ષા ખુમાનસિંગ વસાવા (ખોખરાઉમાર) શાળાના કામ અર્થે રાજપીપળા આવી રહ્યાં હતાં. દરમિયાન અમદાવાદથી મહારાષ્ટ્ર જતી એમએચ.34.ડીજી.5947 નંબરની ટ્રક મોવી નજીકના વળાંક પર વળાંક લેવા જતાં એણે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. ટ્રકચાલકે બ્રેક મારવા જતાં ટ્રક પલટી મારી હતી અને ઊંડા ખાડામાં ગરકાવ થઈ હતી. ત્યારે સામેથી આવી રહેલી શિક્ષિકાની એક્ટિવાનો ટ્રક સાથે અકસ્માત થયો હતો. ટ્રક નીચે દબાઈ જવાથી કમળા વસાવાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે દક્ષાબેનને ગંભીર હાલતમાં વડોદરા રીફર કરાયાં હતાં. ઘટના સ્થળે એક્ટિવા અને એક બહેન ટ્રકમાં ફસાયા હોય તેમને કાઢવા ક્રેઇનની મદદ લેવાઈ હતી.
અકસ્માતના બીજા બનાવ મુજબ ટીમરવા ગામના દિનેશ પ્રેમા તડવી અને તેમનાં પત્ની કોકિલાબેન પોતાની મોટરસાઇકલ લઈ આંબાવાડી ગામે લગ્નમાં જતાં હતાં. ત્યારે જીતનગર નજીક પહોંચતાં પુરપાટ આવતી એક હાઈવા ટ્રકે તેમની મોટરસાઇકલને અડફેટે લેતાં દંપતી ફેંકાઈ ગયું હતું, જેમાં પત્ની કોકિલાબેનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે પતિ દિનેશને ઇજા થતાં તેમને રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લવાયાં હતાં. આ ઘટનાની જાણ પોલીસને થતાં રાજપીપળા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.