સુરત : કમેલા દરવાજા (Kamela Darwaja) પાસે સાઢુભાઇને મળીને પરત જતા પરિવારનો (Family) બસની (Bus) સાથે અકસ્માત (Accident) થયો હતો. આ અકસ્માતમાં એક્ટિવા બસની નીચે ફસાયું હતું. સાત વર્ષની બાળકીને બચાવવા તેના પિતાએ (Father) બાળકીને છાતીએ વળગાડી દીધું હતું, પરંતુ બ્રેક (Brack) માર્યા બાદ બાળકી છાતીમાંથી છુટીને ટાયરમાં આવી જતાં મોત (Death) નીપજ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ કતારગામના નહેરુનગર ઝૂંપડપટ્ટી પાસે રહેતા સુબહાન મુસા અહેમદ શાહ ટેલરીંગનું કામ કરે છે, તેઓ તેમની સાત વર્ષિય પુત્રી હુમેરા તેમજ પત્ની સાથે સાઢુભાઇને મળવા માટે કમેલા દરવાજા ગયા હતા. તેઓ પરત પોતાના ઘરે આવતા હતા ત્યારે દિલ્હીગેટ તરફ રોડ ઉપર બ્રિજની નીચે એક બસ ચાલકે ફુલસ્પીડમાં ગાડી હંકારી હતી અને એક્ટીવા સાથે અકસ્માત કર્યો હતો. આ અકસ્માતમાં એક્ટીવા બસના ટાયરમાં ફસાઇ ગયુ હતુ, સુબહાનભાઇએ હુમેરાને છાતીના ભાગે લગાવી લીધી હતી અને હાથ વડે બસમાં થપાટ મારીને બસ ઊભી રાખવા માટે કહ્યું હતું, આ દરમિયાન બસના ચાલકે બ્રેક મારી હતી. ત્યારે સુબહાનના હાથમાંથી હુમેરા છુટી ગઇ હતી અને તે બસના ટાયરની નીચે આવી ગઇ હતી. ઘટના સ્થળે જ સાત વર્ષિય હુમેરાનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે મહિધરપુરા પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે બસ ચાલકની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
કોળી ભરથાણા પાસે ઈંટ ભરેલો ટેમ્પો પલટી મારી જતાં એક મજૂરનું મોત
કામરેજ: શનિવારના રોજ વહેલી સવારે કામરેજ-ઓરણા રોડ પર જતો આઈસર ટેમ્પો કોળી ભરથાણા ગામ પાસેથી પસાર થતો હતો. એ વેળા ચાલકે કાબૂ ગુમાવતાં ટેમ્પો રોડની સાઈડમાં આવેલા ઝાડ સાથે અથડાયા બાદ રોડની સાઈડમાં પલટી મારી જતાં ટેમ્પામાં સવાર ત્રણ મજૂરને ઈજા થઈ હતી. જ્યારે કેબિનમાં બેસેલા એક મજૂરનું દબાઈ જતા મોત નીપજ્યું હતું.
કામરેજ તાલુકાના અંત્રોલી ગામે આવેલા ઈંટના ભથ્થા પરથી શનિવારે વહેલી સવારે ઈંટો ભરી ટેમ્પો નં.(જીજે 05 બીએક્સ 2153) બારડોલી ખાતે ખાલી કરવા માટે ટેમ્પોનો ચાલક કડસીયા વાલાભાઈ કટારા (હાલ રહે.,અંત્રોલી ઈંટના ભથ્થા પર) તેમજ ભથ્થા પર રહેતા રાજસ્થાનના મજૂરો વિનોદ નરસિંહ, ગોવા રમેશભાઈ, પરેશ મગનભાઈ તેમજ ભાનુ વાલા કટારા (ઉં.વ.25) સાથે નીકળ્યા હતા. ટેમ્પોમાં ચાલક સાથે આગળ કેબિનમાં ભાનુ બેસેલો હતો. કામરેજ-ઓરણા રોડ પર કોળી ભરથાણા ગામની સીમમાં વહેલી સવારે આશરે 5.30 કલાકે ચાલકે કાબૂ ગુમાવતા ઈંટ ભરેલો ટેમ્પો રોડની સાઈડમાં ઝાડ સાથે અથડાયા બાદ પલટી મારી જતાં કેબિનમાં બેસેલો ભાનુ દબાઈ ગયો હતો. જ્યારે પાછળ બેસેલા અન્ય ત્રણેય મજૂરને સામાન્ય ઈજા થઈ હતી. મજૂરોએ બૂમાબૂમ કરતાં રાહદારીઓએ દોડી આવી દબાઈ ગયેલા ભાનુને કાઢવાની કોશિશ કરી હતી. પરંતુ કેબિનમાં દબાઈ જતાં કામરેજ ચાર રસ્તાની ઈઆરસીની ટીમને જાણ કરતાં ઘટના સ્થળે દોડી આવીને જે.સી.બી. મશીનથી ટેમ્પોનું કેબિન ઊંચું કરી ભારે જહેમત બાદ ભાનુને કેબિનમાંથી બહાર કાઢી 108માં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જતાં કમર તેમજ શરીરના ભાગે ગંભીર ઈજા થતાં મોત નીપજ્યું હતું. જે અંગે કામરેજ પોલીસમથકમાં ટેમ્પોચાલક સામે કેતન વેકરિયાએ ફરિયાદ નોંધાવી હતી.