સુરત: (Surat) શહેરમાં શાહરૂખ ખાન (Shahrukh Khan) બનીને ફરતા અધેડને પોલીસે (Police) દબોચી લીધો હતો. સુરતમાં ડુપ્લિકેટ શાહરુખ બનીને ફરતો અને સોશિયલ મીડિયામાં રિલ્સ અને ફોટા (Photo) મુકી યુવતીઓને લલચાવતા આ વ્યક્તિને કોર્ટે એક સગીરા સાથે દુષ્કર્મના કેસમાં 20 વર્ષની સજાનો હુકમ કર્યો છે. આરોપી શાહરુખ ખાનનો મોટો ફેન છે અને તે યુવતીઓને લલચાવવા શાહરૂખની સ્ટાઈલમાં સોશિયલ મીડિયા પર અનેક રિલ્સ મુકતો હતો.
મળતી માહિતી મુજબ 50 વર્ષીય અબ્દુલ હાસીમ માધી સચિનમાંથી 9 ઓક્ટોબર 2022ના રોજ 17 વર્ષની સગીરાનું અપહરણ કરી ફરાર થઈ ગયો હોવાથી ફરિયાદ નોંધાઈ હતી. લાજપોર નજીકના ગામમાં રહેતી 17 વર્ષીય સગીરા હોજીવાલા એસ્ટેટ ખાતે જરીના કારખાનામાં કામ કરતી હતી જ્યાં અબ્દુલ હાસીમ માધી પીડિતાને કંપનીની ગાડીમાં પિકઅપ-ડ્રોપનું કામ કરતો હતો. આરોપી 8 ઓક્ટોબર 2022ના રોજ સગીરાને ઘરે રિક્ષા લઈને લેવા ગયો હતો. ત્યારબાદ મોડી સાંજ સુધી પીડિતા ઘરે પરત નહીં ફરતા પરિજનોએ પોલીસનો સંપર્ક કર્યો હતો. તપાસ કરતા આરોપી પલસાણાના ફ્લાય ઓવરની નીચે રિક્ષા મૂકી એક ખાનગી વાહનમાં સગીરાનું અપહરણ કરી ગયો હોવાનું માલૂમ પડ્યું હતું.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે હાસીમ સગીરાને લઈ બસમાં અમદાવાદથી અજમેર જવા રવાના થયો હતો. આ દરમિયાન સ્લીપર કોચમાં તેણે પીડિતા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. તપાસમાં એવું પણ જાણવા મળ્યું હતું કે આરોપી સગીરાને ઊભરાટ ફરવા લઇ ગયો હતો અને ત્યાં તેની ઉપર બેથી ત્રણવાર દુષ્કર્મ કર્યું હતું. આરોપીને પકડી પાડવા પોલીસે જુદી જુદી ટીમો કામે લગાડી હતી. પોલીસે તેને મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડ્યો હતો. તેની સામે દુષ્કર્મ અને અપહરણનો ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે આરોપી સામેના તમામ પુરાવાઓ એકત્ર કરીને 42 દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. કોર્ટે આરોપીને 20 વર્ષની સજાનો હુકમ કર્યો છે. સાથેજ 50 હજારનો દંડ અને પીડિતાને રૂપિયા 45 હજારનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.
જણાવી દઈએ કે આરોપીની એક દીકરી છે જેની ઉંમર 22 વર્ષની છે. 50 વર્ષીય અબ્દુલ હસીમ માધી બોલિવૂડ એક્ટર શાહરુખ ખાનનો ખૂબ મોટો ફેન છે. તે કાયમ શાહરૂખ ખાનની સ્ટાઈલમાં ફરે છે. સોશિયલ મીડિયામાં ડુપ્લિકેટ શાહરુખ ખાન બનીને ફોટા અને રીલ્સ પણ અપલોડ કરે છે.