સુરત: (Surat) વેસુમાં નાનીના ઘરેથી પરત ફરતી સગીરાની સાથે દાદર ઉપર ચાર અજાણ્યાઓએ ચપ્પુની અણીએ શારીરિક અડપલા (Eve Teasing) કર્યા હતા. સગીરાએ પ્રતિકાર કરીને એક યુવકને લાત મારી દીધી હતી, જેની સામે બીજા એક યુવકે સગીરાને પેટમાં લાત મારીને તેણીને દિવાલ સાથે પટકાવી હતી. આ દરમિયાન સગીરાને (Minor) માથામાં ઇજા થઇ હતી. ચારેયએ સગીરાને કોઇને કહેશે તો જાનથી મારી નાંખવાની ધમકી (Threatening) આપી ફરાર થઇ ગયા હતા.
- આવાસના દાદર ઉપર ચાર લફંગોએ સગીરાને ચપ્પુ બતાવી અડપલા કર્યા અને પેટમાં પાટુ માર્યું
- સગીરાએ પ્રતિકાર કરીને એક યુવકને પાટુ મારી દેતા સામેથી અજાણ્યાઓએ પણ ફેટ મારી સગીરાને માથામાં ઇજા કરી કરી ફરાર
પ્રાપ્ત વિગતો મુજબ વેસુ આવાસમાં રહેતા અને ભટાર વિસ્તારમાં શાકભાજીની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા શ્રમજીવી પરિવારની પંદર વર્ષિય પુત્રી હીના (નામ બદલ્યુ છે) ગુરુવારે રાત્રેના સાડા આઠ વાગ્યાના અરસામાં આવાસમાં રહેતા જ રહેતા તેની નાનીના ઘરે મળવા માટે ગઇ હતી. ત્યાંથી પરત ફરતી હતી ત્યારે બિલ્ડીંગના આઠમાં માળે આવાસમાં જ રહેતો શંકર અજય વાનખેડે તેમજ તેની સાથે બીજા ત્રણ ઇસમો આવ્યા હતા. આ ચારેય હીનાની સાથે છેડતી કરીને ઝઘડો કરવા લાગ્યા હતા.
શંકરે હીનાને પકડવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે જ હીનાએ પ્રતિકાર કર્યો હતો અને એક યુવકને પાટુ મારી દીધું હતું. ત્યારે એક અજાણ્યાએ હીનાને સામે પેટમાં પાટુ મારી દીધું હતું, આ સાથે જ હીના સીધી દાદરની દિવાલ સાથે ભટકાઇ હતી અને માથામાં ગંભીર ઇજા થઇ હતી. અજાણ્યાઓએ હીનાને ચપ્પુ બતાવીને કોઇને કહેશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને ફરાર થઇ ગયા હતા. બનાવ અંગે હીનાએ પોતાના પરિવારને જાણ કરીને ઉમરા પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે બનાવ અંગે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
લિંબાયતમાં યુવતીની છેડતી કરી માતાને ઢોર માર મરાયો
સુરત : લિંબાયતમાં એક યુવતીની છેડતી કરીને તેની માતાને ઢોર માર મારવામાં આવ્યો હતો. યુવતીની સાથે છેડતી કરનાર યુવક સહિત ત્રણની સામે ફરિયાદ કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ લીંબાયત મદીના મસ્જિદ પાસે રહેતો ઇબ્રાહિમ નામનો ઇસમ અવારનવાર તેણીને હેરાન પરેશાન કરતો હતો. જેથી આખરે યુવતીએ તેણીની માતાને તમામ હકીકતો કહી હતી. યુવતીની માતા ઇબ્રાહીને ઠપકો આપવા માટે ગયા ત્યારે ઇબ્રાહીમ ઉશ્કેરાયો હતો. ઇબ્રાહીમે તેની માતા અને ભાઇ સાથે મળીને યુવતીની છેડતી કરી હતી અને માર પણ માર્યો હતો. આ બાબતે યુવતીએ યુવતીએ ઇબ્રાહીમ, તેની માતા રૂબીના અને ભાઇ શાબીરની સામે પોલીસ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.