સુરત: (Surat) અબુધાબી ખાતે આગામી 14 ફેબ્રુઆરીએ નવનિર્મિત સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરનો (Temple) મહંત સ્વામીના હસ્તે શુભારંભ થનાર છે. જે માટે સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત સ્વામી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી ચાર્ટર્ડ ફ્લાઈટમાં અબુધાબી પહોંચ્યા હતા. BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના વડા મહંત સ્વામી મહારાજનું ‘સ્ટેટ ગેસ્ટ’ તરીકે અબુ ધાબીમાં ભવ્ય સ્વાગત કરાયું હતું. UAEના સહિષ્ણુતા મંત્રી શેખ નહયાન મુબારક અલ નહયાને મહંત સ્વામી મહારાજનું સ્વાગત કર્યું હતું.
‘સ્ટેટ ગેસ્ટ’ તરીકે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું ‘અલ- અય્યાલા’ ની પારંપરિક અરેબિક સાંસ્કૃતિક શૈલીમાં નર્તકો, ડ્રમવાદકો અને ગાયકો દ્વારા અભિવ્યક્તિ રૂપે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રકારની રજૂઆત સામાન્ય રીતે રાષ્ટ્રીય તહેવારો સમયે અથવા અન્ય દેશોના વડાઓના સ્વાગત નિમિત્તે કરવામાં આવે છે. જણાવી દઈએ કે અબુધાબીમાં BAPS હિંદુ મંદિરનું નિર્માણ કાર્ય અંતિમ સ્વરૂપ લઈ રહ્યું છે. આ મંદિરની દુનિયાભરમાં ખૂબ ચર્ચા થઈ રહી છે. મુસ્લિમ દેશમાં હિન્દુ મંદિરનું નિર્માણ લોકોને ખૂબ જ ઉત્સાહિત કરી રહ્યું છે. અબુ ધાબીમાં લગભગ પૂર્ણતાના આરે એવા બાપ્સ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન 14 ફેબ્રુઆરીએ થવા જઈ રહ્યું છે. આ માટેની તૈયારીઓ હાલ પૂરજોશમાં ચાલી રહી છે. 42 દેશોના રાજદૂતોએ આ મંદિરની મુલાકાત લીધી હતી. આ મંદિર ખૂબજ વિશાળ જગ્યામાં ભવ્ય રીતે નિર્માણ પામ્યું છે.
મહામહિમ શેખ નહયાન મુબારક અલ નહયાને પૂજ્ય મહંત સ્વામી મહારાજનું સ્વાગત કરતા જણાવ્યું કે યુએઈમાં આપનું સ્વાગત છે. આપની ઉપસ્થિતિથી આ દેશ પાવન થયો છે. તમારી શુભકામનાઓ અમને સ્પર્શી ગઈ છે. અમને તમારા આશીર્વાદ અનુભવાય છે. પૂજ્ય મહંત સ્વામી મહારાજે ઉત્તર આપતા કહ્યું કે તમારો પ્રેમ અને આદર હૃદયસ્પર્શી છે. UAEના નેતાઓ મહાન અને વિશાળ હ્રદયના છે.
મંદિરમાં દેશના સાત અમીરાતનું પ્રતિનિધિત્વ કરતા સાત મિનારા સામેલ કરવામાં આવ્યા છે. આ મંદિર 27 એકરમાં બનાવવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મંદિરને બનાવવામાં ઉત્તર રાજસ્થાનના ગુલાબી પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કારણે UAEમાં આકરી ગરમી આ મંદિરને નુકસાન નહીં પહોંચાડે. મંદિર માટેનું માર્બલ ઇટાલીથી લાવવામાં આવ્યો છે. કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા માટે મંદિરના પાયામાં કોંક્રીટની સાથે ફ્લાય એશનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેને બનાવવામાં 18 લાખ ઈંટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેને બનાવવામાં 3 વર્ષ લાગ્યાં. કહેવામાં આવી રહ્યું છે કે તેને બનાવવામાં 2000 કારીગરોએ કામ કર્યું છે. અબુ ધાબીમાં બનેલું આ હિન્દુ મંદિર એશિયાનું સૌથી મોટું મંદિર છે.