SURAT

22 હજાર કરોડ ડૂબાડનાર ABG શિપયાર્ડને મરીન યુનિવર્સિટી માટે આપેલી કરોડોની જમીન પરત લેવા માંગ

સુરત: (Surat) દેશની 28 બેંકો પાસેથી લોન (Loan) મેળવી 22,842 કરોડ ડૂબાડનાર સુરતની એબીજી શિપયાર્ડ (ABG Shipyard) કંપનીને ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેરીટાઇમ યુનિવર્સિટી બનાવવા માટે શૈક્ષણિક હેતુ માટે નજીવા દરે ફાળવેલી જીઆઇડીસીની કરોડોની કિંમતની જમીન (Land) બચાવી લેવા માંગ કરવામાં આવી છે.

સુરત ઓલપાડના પર્યાવરણવીદ એમ.એસ.એચ. શેખે મુખ્યમંત્રી અને જીઆઇડીસીના એમડી.એમ.થેંનારશનને ઈમેલથી ફરિયાદ મોકલી રજુઆત કરી છે કે, જીઆઇડીસીએ ફાળવેલી જમીનમાં મરીન યુનિવર્સિટીની એક ઈંટ પણ મુકાઈ નથી. બીજી તરફ એબીજી શિપયાર્ડ કંપનીએ 28 બેંકોનું 22842 કરોડનું ધિરાણ ચૂકવવા નાદારી નોંધાવી છે. આ સ્થિતિમાં બેંકો ઇચ્છાપોરની કરોડોની જમીનનો કબજો મેળવે એ પહેલાં સરકારે જીઆઇડીસીને જે હેતુ માટે જમીન આપવામાં આવી હતી. એ હેતુ સિદ્ધ નહીં થતા આ બિન વપરાશી શૈક્ષણિક હેતુ માટેની જમીન પરત ખેંચી લેવી જોઈએ. જીઆઇડીસીએ તાકીદે જમીનની આ ફાળવણી રદ કરવી જોઈએ. કારણકે બેંકો વતી ગમે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર સુરત અને ભરૂચ જિલ્લામાં આવેલી જમીનોમાં સરફેસી એક્ટ મુજબ જમીનનો કબજો મેળવે એ પહેલાં સરકાર ફાળવણી રદ કરી જમીનનો કબજો મેળવે.

સુરત સ્થિત ઇચ્છાપોર જીઆઇડીસીમાં એબીજી શિપયાર્ડને સરકારે રાહતદરે 4 એકર જેટલી મોટી જમીન 12 વર્ષ પહેલાં મેરીટાઇમ યુનિવર્સિટી બનાવવા રાહત દરે ફાળવી હતી. હાઇવેને અડીને આવેલી કરોડોની જમીનનો છેલ્લા 12 વર્ષથી કોઇ ઉપયોગમાં લેવાઇ નથી. જીઆઇડીસીએ અંદાજે ૩ એકર જેટલી જમીન એબીજી શિપયાર્ડને મેરીટાઇમ યુનિવર્સિટી અથવા સ્કિલ ડેવલપમેન્ટ માટે ૧૨ વર્ષ પહેલા ફાળવી હતી. છેલ્લાં ૧૨ વર્ષથી આ જમીન કોઇ જ ઉપયોગમાં લેવામાં આવી નથી. હાઇવેને અડીને આવેલી કરોડોની જમીન ખુલ્લી પડી રહી છે.

શરત ભંગ બદલ જીઆઇડીસીએ જમીન ફાળવણીનો ઓર્ડર રદ કરવો જોઈએ : પર્યાવરણવિદ
સુરત : પર્યાવરણવિદ શેખે જણાવ્યું હતું કે મેરીટાઇમ યુનિવર્સિટી માટે જીઆઇડીસીએ ફાળવેલી આ જમીન પર કોઈ કાર્ય થયું નથી. બહુ વહેલા જીઆઇડીસીએ આ જમીન સરકાર હસ્તક લેવી જોઈતી હતી. હજી મોડું થયું નથી. જો સરકાર આ જમીન પરત નહીં મેળવે તો બેંકો જમીન ટાંચમાં લઈ લેશે. અને ગુજરાત સરકારને નાણાકીય નુકશાન થશે. આ કંપનીએ નાદારી નોંધાવેલી હોવાથી ટ્રિબ્યુનલ આ જમીનનો હુકમ કરે અને બેન્ક આ જમીન મેળવી લે તે પહેલા અને ગુજરાત સરકારે નિર્ણય લેવો પડશે. NCLT માં ગુજરાત સરકારે સરકાર પક્ષે વકીલ રોકી રજૂઆત કરવાની રહે છે. અગાઉ એસ્સાર સ્ટીલ હજીરા-સુરતના નાદારીના કિસ્સામાં ગુજરાત સરકારને ઘણું મોટું હજારો કરોડનું નાણાકીય નુકશાન થયુ છે અને હજારો કરોડની વેરા, લેણાં વસૂલાત રહી ગયા છે.

Most Popular

To Top