સુરત: (Surat) મનપામાં (SMC) થયેલા દમનના વિરોધમાં સોમવારે સુરત ભાજપ કાર્યાલય (BJP Office) પર શાંતિપૂર્ણ દેખાવો કરવા ગયેલા આમ આદમી પાર્ટીના (AAP) નેતાઓ અને કાર્યકરોને પોલીસની નજર સામે જ ભાજપના કાર્યકરોએ દોડાવી દોડાવીને માર્યા હતા. આ ઘટનામાં પોલીસે પહેલા આપના નેતાઓ સામે ગુનો દાખલ કર્યા બાદ હવે આપના નેતાઓની ફરિયાદ પણ દાખલ કરી છે, પરંતુ તેમાં હુમલો કરનારાઓને અજાણ્યા દર્શાવ્યા હોય, મંગળવારે આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા (Gopal Italiya) સહીતના નેતાઓએ પત્રકાર પરિષદ કરી હતી તેમાં આપના નેતાઓને ફટકારી રહેલા ભાજપના કાર્યકરોના ફોટા (Photo) અને તેના નામ પણ જાહેર કરી નામ જોગ ફરિયાદ (Complaint) દાખલ કરવાની માંગણી કરી હતી. પત્રકાર પરિષદમાં ગોપાલ ઇટાલિયાએ જણાવ્યુ હતું કે ભાજપ અમારાથી ડરી ગઈ છે તેથી ગુંડાગર્દી પર ઉતરી આવી છે. સી.આર. પાટીલના નેતૃત્વમાંઆ અભિયાન આખા ગુજરાતમાં શરૂ થયું છે પરંતુ અમે કેજરીવાલ ના સૈનિકો છે અને સામનો કરીશું.
- ભાજપ કાર્યાલય ઉપર આપના કાર્યકરો ઉપર હુમલાનો કેસ
- અમારા ઉપર હુમલો થયોને અમને જ જેલમાં પૂરી દીધા : ગોપાલ ઇટાલિયા
- અમારા કાર્યકરોને પોલીસની હાજરીમાં જ માર મરાયો જે ગંભીર બાબત : આપ પ્રદેશ પ્રમુખ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સુરતના લોકોના અધિકાર માટે જવાબદાર વિપક્ષની ભુમિકા અદા કરવા જતા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને ભાજપ શાસકોના ઇશારે સુરત પાલિકાના માર્શલોને બેફામ માર માર્યો હતો. કોર્પોરેટરના ગળા દબાવી જાનથી મારી નાંખવાની કોશીષથી માંડીને મહિલાઓ કોર્પોરેટરના કપડા ફાડીને નિર્લજ્જ દંડાઓ મારવામાં આવ્યા હતા. જેના વિરોધમાં અમે શાંતિપૂર્ણ રજૂઆત કરવા ભાજપ કાર્યાલય ગયા હતા. પરંતુ ત્યા પણ ભાજપના કાર્યાલય પર 40 જેટલા કાર્યકરો પહેલેથી જ રોકવામાં આવ્યા હતાં. લોકશાહીમાં નીતિગત રીતે વિરોધ કરવાનું કામ વિરોધ પક્ષનું હોય છે પરંતુ ભાજપના કાર્યકરોએ અમારા કાર્યકરો પર જીવલેણ હુમલો કર્યો હતો.
આ ઘટના સોશિયલ મીડિયા થકી સમગ્ર રાજયની પ્રજાએ જોઇ હોવા છતાં પોલીસે અમારા ઉપર ખોટો ગુનો દાખલ કરી અમને જ જેલ ભેગા કરી દીધા હતા. એટલું જ નહીં સૌથી ગંભીર બાબત તો એ છે કે, હુમલાખોરો સામે કોઇ જ કાર્યવાહી નહીં થતાં અમે પોલીસ કમિશરને રજૂઆત કરી હતી. ત્યાર બાદ પોલીસે ગુનો તો દાખલ કર્યો પરંતુ તે જાણીતા ચહેરા હોવા છતાં અજાણ્યા સામે ગુનો દાખલ કર્યો છે. પોલીસ ભલે તેમને અજાણ્યા ગણાવતી હોય પરંતુ અમે જાહેર કરીએ છીએ કે આ હુમલામાં એક છે સુભાષ નાવડિયા, બીજો છે દિનેશ કાત્રોડિયા, ત્રીજો છે ભાવિન ટોપીવાલા ચોથો છે પ્રવીણ પાટીલ. હવે પોલીસમાં તાકાત હોય તો તેમણે નામજોગ ફરિયાદ કરવી જોઇએ તેવી અમારી માંગ છે આ ઉપરાંત પોલીસની હાજરીમાં જ હુમલો થયો હોવા છતાં પોલીસ મૂકપ્રેક્ષક બની ગઇ હતી તે એક ગંભીર બાબત છે.