સુરત: આમ આદમી પાર્ટીના (AAP) ઉમેદવારોનો ફોર્મ પરત ખેંચી લેવાનો સિલસિલો ચાલુ જ છે. સુરતમાં (Surat) વધુ એક ઉમેદવારે ફોર્મ પાછું ખેંચી લીધું છે. અગાઉ સુરતની જે પૂર્વ બેઠક પરથી આપના ઉમેદવાર કંચન જરીવાલાએ ફોર્મ પાછું ખેંચ્યું હતું તે જ બેઠક પરના આપ ના ડમી ઉમેદવારે પણ હવે ફોર્મ પાછું ખેંચી લીધું છે. આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી લડવા માટે આવશ્યક ઝાડૂંનું સિમ્બોલ એલોટ નહીં કર્યું હોવાના લીધે ફોર્મ પાછું ખેંચી લીધું હોવાની ઉમેદવારે દલીલ કરી છે પરંતુ જાણકારોના મત અનુસાર કોંગ્રેસને મદદરૂપ થવા માટે આપના ડમી ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું છે.
સુરત પૂર્વ બેઠક પરના આપના ડમી ઉમેદવારે સલીમ મુલતાનીએ આજે ફોર્મ પરત ખેંચી લીધું છે. આ સાથે જ હવે આ વિસ્તારના માઈનોરિટી મુસ્લિમ સમાજના મત વિભાજિત થશે નહીં અને તેનો સીધો લાભ કોંગ્રેસના ઉમેદવારને મળશે. આ ગણતરી સાથે જ આપના ડમી ઉમેદવાર સલીમ મુલતાણીએ ફોર્મ પાછું ખેંચી લીધું છે. જોકે, સલીમ મુલતાની તે વાતનો ઈનકાર કરે છે. મુલતાણીએ કહ્યું કે, આમ આદમી પાર્ટીના ઝાડૂનો સિમ્બોલ આપવામાં આવ્યો નહોતો, જેના લીધે પાર્ટી તરફથી અપક્ષ ચૂંટણી નહીં લડવા સૂચના આપવામાં આવી હતી, જેના પગલે મેં ફોર્મ પાછું ખેંચ્યું છે. જણાવી દઈએ કે આ અગાઉ આ સુરત પૂર્વની બેઠકના કોંગ્રેસના ઉમેદવારે આમ આદમી પાર્ટી પાસે પોતાનો ભાજપ સામે બદલો માંગ્યો હતો.
ડમી ઉમેદવાર ફોર્મ પરત ખેંચી લેવામાં આવતા રાજકીય ટ્વીસ્ટ આવ્યો છે. સલીમ મુલતાનીએ ફોર્મ પરત ખેંચી લેતા તેનો સીધો લાભ કોંગ્રેસના ઉમેદવાર અસલમ સાયકલવાળાને થઈ શકે છે.
સુરત પૂર્વ બેઠક પર 70 હજાર મુસ્લિમ વોટ
આપના ઉમેદવાર કંચન જરીવાલાએ ફોર્મ પાછું ખેંચ્યું તે પહેલાં ખૂબ ડ્રામા થયો હતો. કંચન જરીવાલા પરિવાર સહિત ગાયબ થયા બાદ અચાનક હાજર થયા અને ફોર્મ ખેંચી લીધું હતું. આપ દ્વારા આક્ષેપ કરાયો કે, ભાજપે અપહરણ કરી દબાણ ઉભું કર્યું તેથી કંચન જરીવાલાએ ફોર્મ પાછું ખેંચ્યું. આમ આ બેઠક પર આપ પાસે એકમાત્ર ડમી ઉમેદવાર સલીમ મુલતાણી રહ્યાં હતાં. જોકે, ભાજપને નુકસાન પહોંચાડવા હવે આપ અને કોંગ્રેસે મળી રમત રમી હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે સુરત પૂર્વની બેઠક પર 70 હજાર મુસ્લિમ વોટ છે. આપના ડમી ઉમેદવારે ફોર્મ પાછું ખેંચી લેતા હવે આ વોટ કોંગ્રેસના ઉમેદવાર અસલમ સાયકલવાલાને મળે તેવી શક્યતાઓ પ્રબળ બની છે. આવી સ્થિતિમાં ભાજપે બેઠક પર વધુ મહેનત કરવી પડશે તે ચોક્કસ છે.