SURAT

ઇમાનદારીનો ફૂગ્ગો ફૂટ્યો ? : આપનાં મહિલા કોર્પોરેટરે બાંધકામ મુદ્દે મિલકતદારને ઝોનમાં બોલાવ્યા

સુરત : ઇમાનદારીની વાતો સાથે સુરત મનપાની ચૂંટણીમાં 27 બેઠક પર જીતેલા વિપક્ષ આમ આદમી પાર્ટીના નગરસેવકો પણ હવે વિવાદમાં આવવા માંડ્યા છે. શાસકો દ્વારા કરાયેલા ઘણા વિવાદી ઠરાવોમાં માત્ર કરવા ખાતર વિરોધ કરાયો હોવાની પ્રતીતિ સાથે ભાજપ-આપ ભાઈ ભાઈની ટિપ્પણી થવા માંડી છે. (Bjp-aap) ત્યારે હવે વરાછા ઝોનમાંથી ચુંટાયેલા આમ આદમી પાર્ટીના એક મહિલા નગરસેવક દ્વારા એક બાંધકામ મુદ્દે મિલકતદારને સીધો ફોન કરી ઝોન ઓફિસ પર તેના દસ્તાવેજો લઇને આવી જવા ધમકાવાતાં હોવાની ઓડિયો ક્લીપ વાયરલ થતા આમ આદમી પાર્ટીના નગરસેવકો પણ હવે ખરડાઇ રહ્યા હોવાની પ્રતીતિ થઇ રહી છે.

  • પૂર્વ મંત્રી કાનાણીએ વરાછાના કોર્પોરેટરોને બાંધકામમાં જ રસ છે તેવો આક્ષેપ કર્યાના બીજા દિવસે સૂચક રીતે ઓડિયો ક્લીપ વાયરલ થતાં તર્કવિતર્ક

પૂર્વ મંત્રી અને ભાજપના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ મનપા કમિશનરને પત્ર લખીને વરાછા ઝોનમાં રસ્તા તૂટી ગયા તેને તાકીદે રિપેર કરવાની માંગણી કરી હતી. સાથે સાથે વરાછાના નગરસેવકોને માત્ર બાંધકામમાં જ રસ છે તેવો આક્ષેપ કરતાં વિવાદ થયો હતો. ત્યારે તેના બીજા જ દિવસે આ ઓડિયો વાયરલ થતાં તર્કવિતર્ક વહેતા થયા છે. ઓડિયોમાં આપના મહિલા કોર્પોરેટર અને બાંધકામ કરનાર મિલકતદાર વચ્ચે વાતચીતના અંશો છે.

ઓડિયો ક્લીપ વાયરલ થવાના લીધે આપના નગરસેવકો સામે આંગળી ચીંધાવા લાગી છે. પ્રજાની સેવા કરવાની વાતો કરતા આપના નગરસેવકો ખરેખર પ્રજાની સેવા કરવા માંગે છે કે પરંતુ સ્વસેવામાં જ તેઓને રસ છે તે પ્રશ્ન ઉઠ્યો છે. વરાછામાં એવી ચર્ચા શરૂ થઈ છે કે આપના નગરસેવકોને પણ બસ રાજકીય રોટલો શેકવામાં જ રસ છે. તેઓને પ્રજાની કોઈ પડી નથી. ગાંધીનગરમાં આપ ખરાબ રીતે હારી ગયું છે અને સુરતમાં આપના નગરસેવકો એક બાદ એક વિવાદમાં સપડાય રહ્યાં છે ત્યારે વિધાનસભા 2022ની ચૂંટણીમાં આપ ને કપરાં ચઢાણ ચઢવા પડે તેમ લાગી રહ્યું છે.

Most Popular

To Top