સુરતમાં આમ આદમી પાર્ટીનાં (Aam Aadmi Party) કોર્પોરેટર નિરાલી પટેલની (Corporater Nirali Patel) પોલીસે રવિવારે ધરપકડ કરી હતી. આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના ઘર બહાર પ્રદર્શન કરનાર વોર્ડ નંબર 5ના આપ પાર્ટીના મહિલા કોર્પોરેટર નિરાલી પટેલ બીજા દિવસે વરાછા પોલીસમાં જઈને લોકો ટોળા ભેગા નહીં થવા સંબંધિત સલાહ આપવા ગયા હતા. જેમાં પોલીસે આરોગ્ય મંત્રીના ઘર સામે વિરોધ પ્રદર્શન કરવા મામલે સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરીને ટોળે વળીને પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરવાનો ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. જોકે બાદમાં તેમને જામીન પર છોડી દેવાયાં હતાં.
સુરત મ્યુનિસિપિલ કોર્પોરેશનના વોર્ડ નંબર 5નાં આમ આદમી પાર્ટી (આપ)નાં મહિલા કોર્પોરેટર નિરાલી પટેલ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના ઘર બહાર પ્રદર્શનના બીજા દિવસે વરાછા પોલીસમાં (Varachha Police Station) જઈને લોકોનાં ટોળા ભેગા નહીં કરવા અંગે રજૂઆત કરવા ગયા હતાં. આ અગાઉ શનિવારે વરાછા વિષ્ણુનગર સોસાયટીમાં આરોગ્યમંત્રી કુમાર કાનાણીના ઘરની બહાર આપના કોર્પોરેટર,વિરોધ પક્ષના નેતા સહિતનાઓએ પ્રદર્શન કર્યું હતું. રવિવારે કોર્પોરેટર નિરાલી પટેલે વરાછા પોલીસ સ્ટેશનેે પહોંચી સમય-સમય પર પેટ્રોલિંગની સલાહ આપી હતી. ત્યારે સ્ટાફના ધ્યાને આવ્યું કે શનિવારે આરોગ્યમંત્રીના ઘર સામે ટોળું કરનારામાં નિરાલી પટેલ પણ હતા. તેથી પોલીસે તેઓની ધરપકડ કરી હતી. બાદમાં તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.
વરાછા પોલીસે આરોગ્યમંત્રી કાનાણીના ઘર બહાર વિરોધ પ્રદર્શન કરનાર આપના કિરીટ શિંગાળા, કિરણ ખોખારી, ધર્મેશ ભંડેરી, અશોક ગોધાણી, નિરાલી પટેલ, યોગેશ જાદવાણી, કે. કે. ધામી,વિપુલ મોલવિયા, પાયલ સાકરિયા, ભાવના સોલંકી સહિત ટોળા સામે સરકાર તરફે ફરિયાદ નોંધાવી હતી.
બીજી તરફ સુરતમાં કોરોનાના ગંભીર દર્દીઓ માટેના જરૂરી રેમડેસિવિર ઈન્જેકશન (Injection) માટે ભાજપના પ્રદેશ પ્રમુખ અને સાંસદ સીઆર પાટીલ (C R Patil) દ્વારા કરાયેલી વ્યવસ્થા સામે આપ દ્વારા કરાયેલા આક્ષેપોથી વિવાદ વકર્યો છે. સીઆર પાટીલ પર કરાયેલા આક્ષેપો સામે ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા ઈન્જેકશન ક્યાંથી લાવ્યા તે મુદ્દે ડિબેટ કરવાની કોંગ્રેસ અને આપના આગવાનોને ચેલેન્જ કરી હતી. આ ચેલેન્જને આપના (AAP) પ્રવકતા દ્વારા સ્વીકારી લેવામાં આવતાં રાજકારણ વધુ ગરમાયું છે. સીઆર પાટીલ અને ભાજપનો બચાવ કરતાં રવિવારે ઉગ્ર આક્રોશ સાથે ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, અમે વિતરીત કરેલા રેમડેસિવિર ઈન્જેકશન મુદ્દે જે લોકો પ્રશ્નો ઉછાવે છે તેને હું ચેલેન્જ આપું છું કે આવો અને ડિબેટ કરો.