સુરત: (Surat) આમ આદમી પાર્ટી (AAM Admi Party) મનપાના વિપક્ષ (Opposition) તરીકે સ્થાપિત થયા બાદ શરૂઆતમાં જે રીતે ગાજી હતી તેવી હવે વરસતી નથી. આથી કોંગ્રેસની જેમ આ વિપક્ષ પણ શાસકો સાથે ભાઇ ભાઇની ભૂમિકામાં આવી ગઇ હોઇ તેવી છાપ ઉપસી રહી છે. ત્યારે ખુદ વિપક્ષી નેતાના વિસ્તાર એવા વરાછા બી ઝોનમાં પૂણા ખાતે મનપા (Corporation) દ્વારા યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં વિપક્ષી નેતાનું નામ જ આમંત્રણ પત્રિકામાં નહીં છપાતાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ, સોશિયલ મીડિયામાં ખૂબ ટીકાઓ કરી હતી. તેમજ આ કાર્યક્રમમાં ઉગ્ર વિરોધનું આયોજન કરાયું હતું. તેમજ આપના કોર્પોરેટરોએ ભારે રોષ ઠાલવી વિરોધ કરવાની ચીમકી સાથે સંખ્યાબંધ પોસ્ટ મૂકી હતી. જો કે, શુક્રવારે અખબારોની જાહેરાતમાં વિપક્ષ નેતાનું નામ સમાવી લેવાયું હતું. ત્યારબાદ કાર્યક્રમમાં પણ નીચે બેઠેલા વિપક્ષ નેતાને સ્ટેજ પર બોલાવી બેસાડવામાં આવતાં આપના કોર્પોરેટરો અને કાર્યકરોએ વિરોધ કરવાનું માંડી વાળ્યું હતું. આથી વિપક્ષના સ્ટેન્ડ બાબતે તરેહતરેહની ચર્ચાઓ ઊઠી રહી છે.
આપના કોર્પોરેટરોને જાણે સ્ટેજ પર બેસવા પૂરતી જ ઈચ્છા હોય એમ આમંત્રણ પત્રિકામાં સતત વિપક્ષ નેતાના નામની કરવામાં આવતી ઉપેક્ષાને કાર્યકરો અને કોર્પોરેટરો ભૂલી ગયા હતા. આગળ દિવસે મેયરને આવેદનપત્ર આપી સેવા સેતુ કાર્યક્રમ મહાપાલિકાનો છે કે ભાજપનો, એવા સવાલ કરનારા આપના સભ્યોએ શુક્રવારે કાર્યક્રમમાં આ મુદ્દે મૌન સેવી લીધું હતું અને વિપક્ષ નેતાને સ્ટેજ પર સ્થાન મળતા સંતોષ માની લીધો હતો. સેવા સેતુમાં લોકોના પ્રશ્નોના નિરાકરણ થતા નથી અને ધક્કા ખાવા પડે છે એમ કહેનારા આપના સભ્યોને આજના કાર્યક્રમમાં જાણે તમામ પ્રશ્નો હલ થઇ ગયા હોય એમ કોઈ સવાલ કે વિરોધ કરાયો ન હતો, એ જોઇને ભાજપના પદાધિકારીઓ પણ મુછમાં મલકાઈ રહ્યા હતા.