SURAT

સુરત: હોસ્પિટલમાં દાખલ મિત્રની ખબર કાઢવા આવેલો યુવાન તરોપા કે ફ્રુટને બદલે દારૂની પોટલી લાવ્યો

સુરત: સુરતમાં વિચિત્ર ઘટના બની છે. અહીંની નવી સિવિલ હોસ્પિટલમાં દારૂ પીવાના લીધે બિમાર પડેલાં દર્દીની ખબર કાઢવા તેનો મિત્ર પહોંચ્યો હતો, પરંતુ તે તરોપા કે ફ્રુટ નહોતો લાવ્યો પરંતુ બિમાર મિત્રની જે સૌથી વધુ પસંદ છે તે દારૂ લઈને જ પહોંચ્યો હતો. જોકે, તેને ખબર નહોતી કે જે મિત્ર માટે તે દારૂ લાવ્યો છે તે મિત્ર તો બે દિવસ પહેલાં જ મૃત્યુ પામ્યો છે.

  • નવી સિવિલની સિક્યુરિટીના ચેકિંગમાં દારૂની પોટલી ઝડપાઇ
  • જો કે, તેને ખબર નહીં હતી કે કિડની હોસ્પિટલ બિલ્ડિંગમાં દાખલ તેના મિત્રનું મોત થઇ ચૂક્યું હતું

સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલ બિલ્ડિંગમાં સારવાર માટે દાખલ દારૂના વ્યસની દર્દી માટે તેનો મિત્ર દારૂની પોટલી લઈને આવ્યો હતો. ગેટ પર સિક્યુરિટી ગાર્ડના હાથે મિત્ર દારૂની પોટલી સાથે ઝડપાઈ ગયો હતો. જે દર્દી માટે દારૂ લાવ્યો તેનું બે દિવસ પહેલા મોત થઈ ગયું હતું તે વાત દારૂની પોટલી લાવનાર મિત્રને આજ રોજ સિવિલ હોસ્પિટલમાંથી ખબર પડી હતી.

નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર આજ રોજ સવારે એક યુવક કિડની બિલ્ડિંગમાં આવેલ હોસ્પિટલમાં દાખલ તેના સુનિલ યાદવ નામના મિત્રને મળવા માટે આવ્યો હતો. સિક્યુરિટી ગાર્ડે તેને ચેક કરતા તેના ખિસ્સામાંથી દેશી દારૂની એક પોટલી મળી આવી હતી. દારૂ સાથે ઝડપાયેલાનું નામ રાજુ માલે( 45 વર્ષ.રહે. આઝાદનગર,ભટાર) છે.

સિક્યુરિટી ગાર્ડ અને ડોક્ટરોએ તેને દારૂ બાબતે પૂછતા જણાવ્યું હતું કે તેનો મિત્ર સુનિલ યાદવ બિમાર હોવાથી અહીં દાખલ છે. તેને દારૂ પીવાનું વ્યસન છે. તેના માટે દારૂ લાવ્યો છે. સુનિલ યાદવ નામનું ખરેખર કોઈ દાખલ છે કે કેમ તેની તપાસ કરતા રેકોર્ડમાં જણાયું હતું કે 25 તારીખે સુનિલ યાદવ નામનો દર્દી દાખલ થયો હતો.

28 મી તારીખે તેનું મોત થયું હતું. સુનિલનું મોત પણ વધુ પડતો દારૂ પીવાથી લીવર ખરાબ થવાથી થયું હતું. રાજુ ત્રણ દિવસ પહેલા પણ દારૂ લાવ્યો હતો. ત્યાર બાદ આજ રોજ મિત્ર માટે દારૂ લઈને આવ્યો પરંતુ તેને ખબર ન હતી કે તેના મિત્રનું મોત થઈ ગયું હતું. સિક્યુરિટી ગાર્ડે રાજુ માલેને ખટોદરા પોલીસને સોંપી દીધો હતો.

Most Popular

To Top