સુરત : સીબીલ સ્કોર વધારી આપીશ તેમ જણાવીને ઓન લાઇન એપમાંથી લોન લઇને તે નાણાં પડાવી લીધા બાદ વિશ્વાસ કેળવીને છ જેટલા ક્રેડીટ કાર્ડમાંથી પોતાના નામે ખરીદી કરીને દિપેશ નામના ઠગ દ્વારા બે ઇસમોની સાથે 16 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી.
નિલેશ વિજયસિંહ બારડ( ઉ. વર્ષ 42, ધંધો નોકરી, રહેવાસી ઘર નંબર 254, રાજપૂત ફળિયુ, ઉત્રાણ ગામ, મોટા વરાછા) દ્વારા 16 લાખની છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેમાં જણાવ્યું હતું કે સીબીલ સ્કોર સુધારવાનું જણાવીને દિપેશભાઇ નાનુભાઇ પટેલ, (રહેવાસી ઘર નંબર 319, રઘુવીર સીમ્ફોની, અલથાણ કેનાલ રોડ) દ્વારા તેઓનો પાનકાર્ડ અને આધાર કાર્ડ માંગ્યો હતો. દિપેશ પોતે લોન અપાવાનું જણાવીને કહ્યું હતું કે તમારો સીબીલ સ્કોર ખૂબ ઓછો છે તેથી તમારે તેને સુધારવો પડશે. થોડા દિવસ પછી દિપેશે 18 લાખ લોનની ખાતરી નિલેશને આપી હતી.
આ લોન હજુ વધી શકે તેમ હોવાનું જણાવીને આ માટે ઓન લાઇન પ્રોસેસ માટે વીવો ફોનની ખરીદી દિપેશે કરાવી હતી. ત્યારબાદ ઓન લાઇન લોન એપમાં તેણે ડોકયુમેન્ટસ ડાઉનલોડ કરીને 7.69ની લોન મેળવી આપી હતી. આ નાણાં તેણે બાદમાં પોતાના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી નાંખ્યા હતા. ત્યારબાદ તેણે નિલેશને વિશ્વાસમાં લઇને છ બેંકોના ક્રેડિટ કાર્ડ માંગ્યા હતા. તેમાંથી તેણે કેશ કરીને 6.03 લાખની ખરીદી ઓનલાઇન કરી લીધી હતી. દરમિયાન નિલેશના મિત્ર જીતીનભાઇ પ્રકાશચંન્દ્રને પણ વિશ્વાસમાં લઇને 2.21 લાખની ખરીદી કરીને ઠગાઇ કરી હતી. દરમિયાન આ નાણા દિપેશ પાસે માંગવામાં આવતા તેઓએ વાયદા આપવાનું શરૂ કર્યુ હતું. આમ સીબીલ સ્કોર વધારે કરી આપવાનુ જણાવીને બે જણા સાથે 16 લાખની છેતરપિંડીની ફરિયાદ પોલીસ ચોપડે દાખલ કરવામાં આવી હતી.