સુરત: રીંગરોડ પર ઈન્ડિયા ટેક્સટાઈલ માર્કેટમાં આવેલી કાપડની દુકાનની ઓફિસમાં રવિવારે મોડી રાત્રે આગ લાગી હતી અને સોમવારે બપોરે રીંગરોડ પર શ્રીરામ માર્કેટમાં કાપડની દુકાનમાં આગ લાગી હતી. જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ફાયર વિભાગમાંથી પ્રાપ્ત વિગત મુજબ રિંગ રોડની ઇન્ડિયા ટેક્સ્ટાઇલ માર્કેટમાં બીજા માળની એક દુકાનમાં રવિવારે મોડી રાત્રે આગ લાગી હતી. જેની જાણકારી માર્કેટના સિક્યોરિટી દ્વારા ફાયર વિભાગને કરાઈ હતી. કોલ મળતાની સાથે જ ઘટના સ્થળે દોડી આવેલી ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ ઓલવી કાઢી હતી. દુકાનના એસીમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોવાની જાણકારી ફાયર વિભાગે આપી હતી.
ફાયર વિભાગનાં સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી અનુસાર રિંગ રોડ ઇન્ડિયા માર્કેટમાં રવિવારે મોડી રાત્રે 3:30 કલાકે બીજા માળની એક દુકાનમાં આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટના અંગે માર્કેટના સિક્યોરિટી વિભાગ દ્વારા ફાયર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. જેના પગલે માન દરવાજા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે તુરંત પહોંચી આગ ઓલવવાની કવાયતમાં જોતરાઈ ગયો હતો. જો કે, રાત્રિના સમયે માર્કેટમાં ખૂબ અંધકાર હોવાને કારણે ફાયરની ટીમને આગ ઓલવવામાં ખૂબ જ સમય લાગી ગયો હતો. ફાયર સૂત્રોએ જણાવ્યું હતું કે, આગ એસીમાં થયેલા શોર્ટ સર્કિટને કારણે લાગી હતી. જેને કારણે દુકાનમાં રાખેલો કપડાંનો માલ, ફર્નિચર અને અન્ય સામાન બળી જતાં ઘણું નુકસાન થયું હતું.
અન્ય એક બનાવમાં રીંગરોડ પર શ્રીરામ માર્કેટમાં આવેલી કાપડની દુકાનમાં સોમવારે બપોરે અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. ફાયર બ્રિગેડે એક કલાકમાં આગને કાબુમાં લીધી હતી. આગના કારણે કપડાના બોક્સ, વાયરિંગ સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ફાયર ઓફિસર જયદીપ ઈસરાનીએ જણાવ્યું હતું કે બંને ઘટનાઓમાં કોઈને ઈજા કે મૃત્યુ થયું નથી.