SURAT

સુરત: 8 કરોડ લુંટ કેસની કાર ઓલપાડમાંથી મળી, ફરિયાદ 1 કરોડમાં કન્વર્ટ થતાં આશ્ચર્ય

સુરત: શહેરના (Surat) કતારગામ પોલીસ મથકથી માત્ર 500 મીટર દૂર બાળાશ્રમ પાસેથી ગઈકાલે તા. 27 ફેબ્રુઆરીના રોજ રૂપિયા 8 કરોડની લૂંટની (Robbery) ઘટના બની હતી. આ લૂંટમાં વપરાયેલી કાર પોલીસને (Police) ઓલપાડના કણાદ ગામની કેનાલ પાસેથી મળી આવી છે. આ કેસમાં આશ્ચર્ય પમાડનારી વાત એ છે કે, રાતોરાત 8 કરોડના (Crore) બદલે ફરિયાદમાં 1 કરોડની લૂંટની થઈ છે. જેના લીધે અનેક પ્રશ્નો ઉભા થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના જેતપુર તાલુકાના ડેડરવા ગામનાં વતની અને હાલમાં સુરતના વેડ રોડ પર તુલસી રેસીડેન્સીની બાજુમાં ક્રિષ્ના આર્કેડમાં રહેતા 48 વર્ષીય કિશોરભાઈ ધીરજભાઈ દુધાત હીરા ઉદ્યોગ માટે સ્પેરપાર્ટ બનાવતી સહજાનંદ ટેકનોલોજી પ્રા.લિમિટેડની કંપનીમાં નોકરી કરે છે. ગઈકાલે મંગળવારે કિશોરભાઈએ કતારગામ પોલીસ મથકમાં રૂપિયા 1 કરોડ રોકડા અને 4.50 લાખની કાર સહિત રૂપિયા 1.04 કરોડની લૂંટની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

કિશોરભાઈએ ફરિયાદમાં કહ્યું હતું કે કતારગામના સેફ લોકરમાંથી કંપનીના 4 કર્મચારીઓ રોકડા રૂપિયા ઉપાડી મહીધરપુરા સેફમાં મુકવા માટે કંપનીની ઇકો કારમાં (જી.જે.05.બીટી. 5619) નીકળ્યા હતા. ત્યારે બાળાશ્રમ પાસે 35 થી 40 વર્ષનો અજાણ્યો ઈસમ આવ્યો હતો અને પોતાની ઓળખ ઈન્કમટેક્સ ઓફિસર તરીકે આપી ગાડીમાં બેસી ગયો હતો. આ અજાણ્યા ઇસમે બંદૂક બતાવી ડ્રાઇવરને ગાડી ચલાવવાનું કહીને અપહરણ કરી રામકથા રોડથી વરિયાવ બ્રિજ નાકા સુધી લઈ જઈ ચારેય ઈસમોને ગાડીમાંથી નીચે ઉતારી દઈ ઇકો કાર લઈ ફરાર થઈ ગયો હતો.

કાર ઓલપાડના કણાદ ગામેથી મળી
આ બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. તેમજ પોલીસ દોડતી થઈ હતી. દરમિયાન લૂંટમાં વપરાયેલી કાર ઓલપાડના કણાદ ગામની કેનાલ પાસેથી મળી આવી છે. ડીસીપી પિનાકીન પરમારે આ મામલે કહ્યું હતું કે ફરિયાદીના નિવેદન મુજબ પોલીસ તપાસ કરતા પોલીસને બીજા દિવસે સવારે જે કારમાં અપહરણ કરી લૂંટ કરાઈ હતી તે કાર સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કણાદ ગામના કેનાલ રોડ પર બિનવારસી હાલતમાં મળી આવી હતી. તેમજ કારની અંદરથી ખાલી થેલા મળી આવ્યા હતા.

ડીસીપી પિનાકીન પરમારે વધુમાં જણાવ્યું હતું કે ફરિયાદીના કહેવા મુજબ આરોપીએ પોતાની ઇન્કમટેક્સ અધિકારી તરીકેની ઓળખ આપી હતી. તેમજ આ જ કારણે ફરિયાદીએ તેમને પોતાની ગાડીમાં બેસવા દીધા હતા. પરંતુ આ અંગે હજુ પોલીસ તપાસ ચાલી રહી છે. તેમજ ફરિયાદીની પણ પૂછપરછ સાથે સઘન તપાસ કરાઈ રહી છે.

8 કરોડની લૂંટ 1 કરોડમાં કેવી રીતે કન્વર્ટ થઈ?
આ લૂંટમાં સૌપ્રથમ 8 કરોડ રૂપિયાની લૂંટ કરાઈ હોવાની વાત સામે આવી હતી. ફરિયાદી પોલીસને 8 કરોડ રૂપિયા લુંટાયા હોવાનું કહી રહ્યો હતો. પરંતુ બીજા દિવસે પોલીસ ચોપડામાં એક કરોડ રોકડા, કાર અને મોબાઈલ મળી 1,04,70,000 ની લૂંટ થઈ હોવાની જ ફરિયાદ નોંધાઈ છે જેને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આ અંગે ડીસીપી પરમારે જણાવ્યું હતું કે ફરિયાદીએ જે મુજબની ફરિયાદ આપી છે તે જ મુજબની અમે ફરિયાદ લીધી છે. 8 કરોડની લૂંટની માત્ર મીડિયામાં ઉપજાવેલી વાત છે.

ક્રિપ્ટોના રૂપિયા હોવાથી 8 ના 1 કરોડ થયા હોવાની ચર્ચા
8 કરોડ લૂંટની વાતમાં મળતી વિગત મુજબ લૂંટાયેલા આ રૂપિયા ગેરકાયદેસર ક્રિપ્ટો કરન્સીમાંથી મેળવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જેને લઇ ફરિયાદીએ 8 કરોડને બદલે માત્ર એક કરોડ રૂપિયા જ લૂંટાયા હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ અંગે ડીસીપી પિનાકીન પરમારને પૂછતા તેમણે જણાવ્યું હતું કે તેઓ આ અંગે પણ પોલીસ તપાસ કરશે અને તપાસમાં જે કંઈ પણ બહાર આવશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ હાલ પોલીસની પ્રાથમિકતા આ ગુનો ઉકેલવાની છે જે માટે તેઓ સતત પ્રયત્ન કરી રહ્યા છે.

Most Popular

To Top