સુરત: (Surat) જે રીતે ઓમિક્રોન વેરિએન્ટની સાથે કોરોનાના કેસ વધી રહ્યાં છે તે જોતાં આ વખતે થર્ટી ફર્સ્ટની પાર્ટી (31st Party) ક્લોઝ્ડ ગ્રુપ પુરતી જ મર્યાદિત રહે તેવી સંભાવના જોવાઈ રહી છે. અગાઉ જે રીતે મોટાપાયે થર્ટી ફર્સ્ટની પાર્ટીના આયોજનો થતાં હતાં. તેવી રીતે પાર્ટીના આયોજનો થાય તેવી સંભાવના સ્હેજેય નથી. તેને બદલે આ વખતે ફાર્મ હાઉસ (Farm House) તેમજ બંગલામાં મિત્રો-પરિચિતો સાથે જઈને થર્ટી ફર્સ્ટની પાર્ટી ઉજવવાનો નવો ટ્રેન્ડ (New Trend) શરૂ થયો છે. આ કારણે સુરતની ફરતેના છેવાડાના વિસ્તારોમાં બંગલા તેમજ ફાર્મ હાઉસના ભાડા આસમાનને આંબી રહ્યાં છે.
રાજ્યમાં કોરોનાના કેસ સદીને પાર કરી ગયા છે. સાથે સાથે ઓમિક્રોનના કેસની સંખ્યા પણ વધી રહી છે. સુરતમાં અત્યાર સુધીમાં સદ્દભાગ્યે ઓમિક્રોનના બે જ કેસ નોંધાયા છે પરંતુ જે રીતે રાજ્યમાં કેસ વધી રહ્યાં છે તે જોતાં રાજ્ય સરકાર દ્વારા રાત્રિ કરફ્યુમાં વધારો કરી દેવામાં આવ્યો છે. રાત્રિ કરફ્યુને કારણે હવે રાત્રે 11 કલાક બાદ કોઈ જ પાર્ટી યોજી શકાય તેમ નથી. કેસ વધી રહ્યાં હોવાથી આગામી દિવસોમાં સરકાર દ્વારા નવા નિયંત્રણો પણ જાહેર કરવામાં આવે તેવી સંભાવના હોવાથી એકપણ ગ્રુપ દ્વારા સુરતમાં મોટાપાયે થર્ટી ફર્સ્ટની પાર્ટીના આયોજનો કરવામાં આવ્યા નથી. દમણ અને સેલવાલ કે જ્યાં સુરતીઓ મોટા પ્રમાણમાં પહોંચી જઈ થર્ટી ફર્સ્ટની પાર્ટીઓ કરતાં હતા. તે પણ આ વખતે આયોજનો પડી ભાંગ્યા છે. જેને કારણે લોકો મિત્ર વર્તૂળોને સાથે રાખીને પાર્ટીના આયોજનો કરી રહ્યાં છે.
સુરતની ફરતેના છેવાડાના ઓલપાડ-દાંડી રોડ, સચિનથી મરોલી વિસ્તારના ફાર્મ હાઉસ, ડુમસ ખાતેના ફાર્મ હાઉસ-બંગલાથી માંડીને કામરેજથી શરૂ કરી છેક નવસારી હાઈવે સુધીના બંગલા તેમજ ફાર્મ હાઉસની હાલમાં ભારે ડિમાન્ડ નીકળી છે. વિવિધ ગ્રુપો દ્વારા થર્ટી ફર્સ્ટની પાર્ટી માટે આ ફાર્મ હાઉસ અને બંગલાઓ બુક કરવામાં આવી રહ્યાં છે. જેને કારણે સામાન્ય સંજોગોમાં બે હજારમાં ભાડે મળતાં બંગલા-ફાર્મ હાઉસના ભાડા એક દિવસના આઠથી દસ હજાર પર પહોંચી ગયા છે. પંદરથી વીસના ગ્રુપમાં હવે થર્ટી ફર્સ્ટની પાર્ટીના આયોજનો કરાઈ રહ્યાં હોવાથી આ વખતની થર્ટી ફર્સ્ટની ઉજવણી એટલી ઝાકમઝોળવાળી નહીં હોય તે નક્કી છે.