SURAT : એકબાજુ શહેરમાં કોરોનાનું ( CORONA) સંક્રમણ અટકવાનું નામ નથી લેતું, ત્યારે બીજી બાજુ સુરત મહાનગર પાલિકાના (SMC) અધિકારીઓ વેક્સિન અને ટેસ્ટિંગના નામે પાછલા બારણે સ્વૈચ્છિક લોકડાઉન ( LOCK DOWN) કરાવવા માટે લોકોને ત્રાસ આપી રહ્યાં છે. સુરત મહાનગર પાલિકાએ દુકાનદારો માટે વેક્સિનેશન ( VACCINATION) અથવા ટેસ્ટિંગ ( TESTING) નું સર્ટિફિકેટ ફરજિયાત બનાવ્યું છે. જેના કારણે દુકાનદારો અને પાલિકાના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ વધી રહ્યું છે. આવી જ એક ઘટનામાં કતારગામમાં ટેસ્ટિંગ અને વેક્સિનેશનની પૂછપરછ કરવા માટે પહોંચેલા સુરત મહાનગર પાલિકાના અધિકારી અને કર્મચારીઓને દુકાનદારોએ ઘેરી લીધા હતાં.
કતારગામ ઝોન દ્વારા કતારગામ મેઈન રોડ, બાળાશ્રમ, વેડરોડ, ઉદયનગર અને ચીકુવાડી સહિતના વિસ્તારોમાં ૧૦ ટીમો દ્વારા સઘન તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે ૩૦૦ જેટલી દુકાનો બંધ કરાવવામાં આવી હતી. દુકાનદારોએ વેક્સિન લીધી નહીં હોય અથવા તો જો દુકાનદારની ઉંમર ૪૫ વર્ષથી નાના હોય તો તેણે ટેસ્ટ કરાવ્યો છે કે કેમ તપાસ પછી જેમની પાસે આ બેમાંથી એક પણ સર્ટિફિકેટ નહીં હોય તેવી દુકાનો બંધ કરાવવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન બીઝનેશ હબ નામના કોમ્પલેક્સમાં વેપારીઓએ ઝોનના કાર્યપાલક ઇજનેર આર.વી.ગામીત સહીતની ટીમને ઘેરી લઇ ખરી ખોટી સંભળાવી હતી.
આ મુદ્દે કાર્યપાલક ઈજનેર આર.વી. ગામીતે જણાવ્યું હતું કે, મનપાના નિયમાનુસાર ઝોન વિસ્તારમાં રાબેતા મુજબ અલગ – અલગ ટીમો દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જો કે, આ દરમ્યાન દુકાનદારો દ્વારા સહયોગ કરવાને બદલે ટીમોનો ઘેરાવ કરતાં વાતાવરણ ઘણી વખત ઉગ્ર બની જતું હોય છે. તેઓએ તમામ દુકાનદારોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, જે કોઈ ૪૫ વર્ષથી મોટી ઉંમરના હોય તેઓએ ફરજીયાત વેક્સીનેશન કરાવી લેવું અથવા તો નાની ઉંમરના હોય તેઓએ પોતાનો રેપિડ ટેસ્ટ કરાવી લેવો પડશે.
બીજી તરફ રાંદેર ઝોનની ટીમ દ્વારા અડાજણ, પાલ, સ્ટાર બજાર, એલપી સવાણી રોડ સહિતના વિસ્તારોમાં સઘન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ વેક્સિન નહીં મૂકાવી હોય કે ટેસ્ટ નહીં કરાવ્યો હોય તેવા વેપારીઓની દુકાનો બંધ કરાવાઇ રહી હતી, તેથી દુકાનદારોએ આ મુદ્દે બબાલ કરીને મનપાની ટીમનો ઘેરાવ કરતાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો.