SURAT

SMCની રોડ નિર્માણ ગતિ 1 કિ.મી. પ્રતિવર્ષ? જહાંગીરપુરામાં 2 કિ.મીનો CC રોડ બે વર્ષે પણ અધુરો

સુરત: વિધાનસભાની ચૂંટણી નજીક આવતા શહેરમાં વિકાસના કામોને ઝડપથી મંજુરી આપી દેવામાં આવે છે. પરંતુ આ કામો સ્થળ પર ચાલુ થતા ઘણાં વર્ષો નીકળી જાય છે અને લોકોને હેરાન થવાનો વારો આવે છે. હાલમાં શહેરમાં જ્યાં ને ત્યાં ખોદકામ કરી દેવાયું છે, જેને લઈને લોકો પરેશાન થઈ રહ્યા છે. તો બીજી બાજુ મેટ્રોના બેરીકેડીંગને લીધે ટ્રાફિકની સમસ્યા વધી છે. જે રોડના કામો ચાલી રહ્યા છે, તે પણ મંથરગતિએ ચાલતા હોવાના કારણે લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.

  • સ્થાનિક રહીશોને એક દોઢ કિમીનો ચકરાવો લેવો પડે છે
  • કામ ચાલુ હોવાથી સ્થાનિકોએ સ્કુલવાહનોના વધુ ભાડા આપવા પડે છે

સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં રોડના કામો ધીમી ગતિએ થવાની ફરીયાદો વધી રહી છે. રાંદેર ઝોનમાં વરિયાવ ચેકપોસ્ટથી જહાંગીરપુરા ઇસ્કોન સર્કલ સુધીના 2 કિલોમીટરનો સી.સી રોડ છેલ્લા 2 વર્ષથી બની જ રહ્યો છે. માત્ર 2 કિ.મી.ના રસ્તાના કામને 2 વર્ષ કરતા પણ વધુ સમય લાગે તે સુરત જેવા સ્માર્ટ સિટીમાં શરમ જેવી વાત છે. આ વિસ્તારના રહેવાસીઓને 2 વર્ષથી રોડનું કામ ચાલતું હોવાના કારણે ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. આ વિસ્તારમાં રહેતા બાળકોની શાળાની બસો પણ ફરીને આવી રહી છે, જેના કારણે બસ દ્વારા ફી વધુ વસૂલાઈ રહી છે. વાલીઓ છેલ્લા 2 વર્ષથી બસની વધુ ફી ભરી રહ્યા છે. રોડનું કામ તાકીદે પુર્ણ થાય તો તેમને હવે રાહત થાય.

કહેવાતા સ્માર્ટ સિટી સુરતમાં ગોકળગતિએ કામ ચાલતા હોવાની ફરીયાદ દિવસે ને દિવસે વધી રહી છે. જ્યારે ચૂંટણી નજીક આવવાની હોય ત્યારે ઉતાવળે મોટી સંખ્યામાં વિકાસકામોના ખાતમુહૂર્ત કરી દેવાય છે. આ ઉતાવળમાં સ્થળ-સ્થિતિ ધ્યાને લેવાતી નથી અને ત્યાર પછી કામ ઘોંચમાં પડે છે અને હાલાકી સ્થાનિક લોકોએ ભોગવવી પડે છે. વરીયાવ ચેકપોસ્ટથી જહાંગીરપુરા ઈસ્કોન સર્કલ સુધીના 2 કિ.મીના રસ્તાને સી.સી રોડ બનાવવા માટે 6 સપ્ટેમ્બર 2022ના રોજ રૂા. 20.27 કરોડના અંદાજો મંજૂર કરી દેવાયા હતા અને સ્થળ પર મે 2023માં કામ શરૂ થયું હતું, જે આજદિન સુધી પૂર્ણ થયું નથી. 2 કિ.મી.માંથી હજી પણ 1 કિ.મીનો સી.સી રોડ બનાવવાનો બાકી છે.

થોડા દિવસ કામ ચાલે અને પછી કામ એકદમ બંધ થઈ જાય છે
રોડનું કામ મંથરગતિએ ચાલતુ હોવાના કારણે આ વિસ્તારના સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. છેલ્લા 2 વર્ષથી અહી રોડનું કામ ચાલી રહ્યું છે. સ્થાનિકોનું કહેવું છે કે, કોઈ પણ મશીનરી આવીને એક દિવસ કામ કરે અને 10 દિવસ કામ અટકી જાય છે. જેટલા ભાગમાં સીસી રોડનું કામ પતી ગયું છે, ત્યાં સર્વિસ રોડના ડિવાઇડરનું કામ 2 મહિનાથી અટકી ગયું છે. ડીવાઈડરનું કામ અધૂરું હોવાને લીધે ડીવાઈડર તૂટવા લાગ્યા છે. અધૂરા ડીવાઈડરનો સામાન રોડ પર 2 મહિનાથી એમ જ પડ્યો છે. ફૂટપાથનું કામ પણ શરૂ થયું અને 1 વર્ષથી જેવા ને તેવા જ હાલમાં અધૂરા મુકી રાખ્યા છે.

ઓનલાઈન ફરીયાદમના જવાબમાં મનપા દ્વારા ઉંઠા ભણાવવામાં આવી રહ્યા છે
રોડના કામોને કારણે સ્થાનિકો દ્વારા સુરત મહાનગરપાલિકામાં વારંવાર ઓનલાઈન ફરીયાદ કરવામાં આવી છે, પરંતુ સુરત મનપા દ્વારા આ રોડ પર પાણી અને ડ્રેનેજની લાઈનના કામો ચાલુ હોવાના કારણો રજૂ કરી જાણે હાથ ઉંચા કરી દીધા હતા. પરંતુ આ લાઈનોના કામો તો બીજી બાજુ ચાલે છે, જ્યાં આ લાઈનના કામો નથી ચાલતા તે ભાગમાં પણ રોડના કામો હજી અધુરા જ છે, તે રોડનું કામ પણ પૂર્ણ કરાયું નથી.

જગ્યાના કબજા અને લાઈન શિફ્ટીંગના લીધે વિલંબ થયો : કાર્યપાલક ઈજનેર
રોડ ડેવલપમેન્ટ વિભાગના કાર્યપાલક ઈજનેર રૂપેશ શાહે જણાવ્યું હતું કે, આ રોડની કામગીરીમાં જગ્યાના કબજા અને લાઈનની શિફ્ટીંગના કામો પણ હતા. જેના કારણે કામમાં બ્રેક આવી રહ્યા હતા. સાથે સાથે ઘણાં વૃક્ષોને પણ બચાવવાના હોય તે રીતે રોડનું પ્લાનિંગ કરાઈ રહ્યું છે. આંબાના ખેતરોના કબજામાં પણ સમય લાગ્યો હોય, કામમાં વિક્ષેપ આવ્યો હતો. સાથે જ લાઈનની શિફ્ટીંગના કામો ચાલતા હતા, પરંતુ હવે છેલ્લા ઘણાં સમયથી આ સી.સી રોડનું કામ સ્થળ પર નિયમિત ચાલી રહ્યું છે અને ઝડપથી આ સીસી રોડ તૈયાર થઈ જશે.

દોઢ વર્ષથી કામ કાચબાગતીએ ચાલે છે, કયારેક તો દિવસો સુધી કામ સાવ બંધ રહે છે : વનરાજસિંહ પરમાર

આ વિસ્તારમાં રહેતા વનરાજસિંહ પરમાર જણાવે છે કે, છેલ્લા ઘણાં મહિનાઓથી રસ્તાનું કામ ખૂબ જ ધીમી ગતિથી ચાલી રહ્યું છે, તેના કારણે આસપાસના લોકોને રોજબરોજના કામો માટે આવનજાવન કરવામાં પણ તકલીફ પડી રહી છે. વધુમાં એક આખો રોડ બ્લોક હોવાથી બધો ટ્રાફિક બીજા રોડ પર વનવે બની ગયો છે, જેના કારણે અકસ્માત થવાનો ભય પણ રહે છે. આસપાસની સોસાયટીઓ અને વરીયાવ તરફથી આવતા વાહનોનો પીકઅવર્સમાં અવરજવરમાં અકસ્માતનો ખૂબ ભય રહે છે. છેલ્લા લગભગ દોઢ વર્ષથી ખૂબ જ મંથરગતિએ કામ ચાલી રહ્યું છે. સર્વિસ રોડ માટે પણ રોડ ખોદી નાંખ્યા બાદ કોઇ કામ ચાલી રહ્યું નથી.

Most Popular

To Top