સુરત: ઉન ભીંડી બજાર ખાતે ત્રણ મહિના પૂર્વે free fire ગેમની હાર જીતમાં થયેલી મારામારીમાં એક કિશો૨નું મોત નિપજ્યું હતું. ઢીકમુક્કીનો મારમારનાર કરાટેબાજ સહિત બે સગાભાઇ સામે પોલીસે સાઅપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
- પાંડેસરામાં ત્રણ મહિના પહેલાં 14 વર્ષીય કિશોરના મોત પ્રકરણમાં નવો ઘટસ્ફોટ
- કરાટે જાણતા યુવકે ગળું પકડી માથામાં મુક્કો મારતા કિશોરનું મોત નિપજ્યું હતું
- કિશોરની માતાની ફરિયાદના પગલે પાંડેસરા પોલીસે રાજા માસ્તર તથા તેના ભાઈ દિલશાદ સામે ગુનો દાખલ કર્યો
મૂળ ઉત્તર પ્રદેશ જીલ્લા ગાજીપુર ના નવલી ગામના વતની અને હાલ ભીંડી બજાર અમન નગર ખાતે રહેતી શારજહા અમીર હસનની વિધવા મજૂરી કામ કરી સંતાનોનું ભરણ પોષણ કરે છે. શારજહાને સંતાનમાં ઈરફાન નામનો દીકરો હતો. ઈરફાનને free fire ગેમ રમવાની આદત હતી. મોહલ્લામાં મિત્રો સાથે જોઈન્ટ થઇ free fire ની ગેમ રમતો હતો. ગત ૧૭ ઓક્ટોબર ના રોજ સવારે ઘર નજીક દેવનારાયણ કરિયાણા સ્ટોર સામે ઇરફાન તેના મિત્ર દિલસાદ ઉર્ફે સલાઉદ્દીન માસ્ટર સાથે ફ્રી ફાયર ગેમ જોઈન્ટ થઈને રમી રહ્યો હતો. ગેમમાં હારજીત બાબતે દિલસાદને ઈરફાન વચ્ચે બોલા ચાલી થઈ હતી જેમાં દિલસાદે તેના ભાઈ રાજા સાથે ઈરફાનને માર મારી લીધો હતો એટલું જ નહીં રાજા કરાટે બાજ હોય ઈરફાન નું ગળું પકડી માથામાં મૂકો મારી નીચે પાડી દીધો હતો જેમાં ઇરફાનનું મોત નિપજ્યું હતું. આ મામલે પાંડેસરા પોલીસે બંને ભાઈઓ રાજા અને દિલશાદ સામે સાઅપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ પેન્ડીંગ હોવાના લીધે ગુનો નોંધવામાં વિલંબ થયો
14 વર્ષીય કિશોર ગઈ તા. 17 ઓક્ટોબરના રોજ સવારે 10 વાગ્યે મિત્રો સાથે રમવા ગયો હતો પરંતુ એકાદ કલાક બાદ ભીંડી બજારના રેશમાનગર ખાતે પાંચ માળની બિલ્ડિંગ પાસે કરિયાણા સ્ટોર નજીક તેની મિત્રો સાથે બબાલ થઈ હતી. આ બબાલ બાદ તે બેભાન થઈ ગયો હતો અને તેના મામા તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તેનું મોત થયું હતું. પાંડેસરા પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો દાખલ કરી તપાસ કરી હતી, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ તેની મોતનું કારણ બહાર આવ્યું નહોતું. રિપોર્ટ આવ્યા બાદ મૃતકની માતાની ફરિયાદને પગલે પાંડેસરા પોલીસે હત્યારા ભાઈઓ રાજા સલાઉદ્દીન માસ્તર અને દિલશાદ માસ્તર વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી છે.