સુરત(Surat): ઓલપાડની (Olpad) કે.વી.માંગુકિયા દિવ્ય જીવન વિદ્યાલયમાં બપોરે લંચના સમયે બે વિદ્યાર્થી (Students) મજાક મસ્તી કરતા હતા. એ સમયે એક વિદ્યાર્થીએ ધોરણ-5ના વિદ્યાર્થીને ધક્કો મારતાં વિદ્યાર્થીને ગળાના ભાગે બેન્ચ વાગતાં થયેલી ઇજાને પગલે તેનું મોત (Death) નીપજ્યું હતું. મૃતક કે.વી.માંગુકિયા વિદ્યાલયની હોસ્ટેલમાં જ રહેતો હોવાનું વધુમાં જાણવા મળ્યું છે.
- ઓલપાડના જોથાણની કે.વી.માંગુકિયા વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને મજાકમસ્તી ભારે પડી
- ગળામાં બેન્ચ વાગતા નક્ષ પાંચાણીને શ્વસનતંત્ર ઈજા પહોંચી
- વરાછાના રૂસ્તમબાગની લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા વાલીઓએ બાળક ગુમાવ્યો
નવી સિવિલ હોસ્પિટલ સૂત્રો પાસેથી મળેલી વિગતો અનુસાર વરાછા રૂસ્તમબાગ લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા નીતિન પાંચાણી એમ્બ્રોઈડરી જોબવર્કનું કામ કરે છે. તેમને બે સંતાન છે. જે પૈકી નાનો પુત્ર નક્ષકુમાર પાંચાણી (ઉં.વ.13) ઓલપાડના જોથાણની કે.વી.માંગુકિયા દિવ્ય જીવન સંધ્યા વિદ્યાલયમાં 5માં ધોરણમાં અભ્યાસ કરી ત્યાં હોસ્ટેલમાં જ રહેતો હતો. દરમિયાન બુધવારે સવારે વિદ્યાલયમાં રિસેસના ટાઈમે નક્ષકુમાર પાંચાણી તેના સાથી વિદ્યાર્થી સાથે મસ્તી કરી રહ્યો હતો. મસ્તીમાં નક્ષકુમાર પાંચાણીને સાથી વિદ્યાર્થીએ ધક્કો મારતાં તે પડ્યો હતો અને બેંચ તેના ગળાના ભાગે લાગી ગઈ હતી. જેમાં શ્વાસનળીમાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. તાત્કાલિક ૧૦૮ મારફતે નક્ષકુમારને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ઓલપાડ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
દંપતિ વચ્ચેના અણબનાવમાં પત્નીએ પોલીસમાં અરજી કરતા પતિનો આપઘાત
સુરત : કાપોદ્રા સાવલિયા સર્કલ પાસે રહેતા હીરા વેપારીએ ગત મોડી સાંજે પોતાના ઘરે રસોડામા ફાંસો ખાઇ લીધો હતો. પત્ની સાથે અણબનાવને કારણે પત્ની પિયરમાં ચાલી ગઇ હતી. બીજી તરફ પત્નીએ પતિ વિરૂધ્ધ પોલીસમાં અરજી પણ કરી હતી. જેને પગલે હતાશમાં સરી પડેલા હીરા વેપારીએ આત્યાંતિક પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મુળ સૌરાષ્ટ્રના બાબરાના વતની અને હાલ કાપોદ્રા યોગીચોક નજીક આવેલી દેવ રેસીડેન્સીમાં રહેતા હીરા વેપારી મેહુલભાઈ રમેશભાઈ ગેલાણી (ઉ.વ.35)એ ગત સાંજે પોતાનાં ઘરે પંખાના હુંક સાથે દોરી બાંધી ફાંસો ખાઈ લીધો હતો. મૃતકના પિતા વતન સૌરાષ્ટ્ર બાબરા ખાતે ગયા હોય તે પુત્ર મેહુલને ફોન કરતા હતા જોકે ફોન કોઇ ઉપાડતું નહીં હોવાથી પિતા રમેશભાઇએ સરથાણા જકાતનાકા ખાતે રહેતા કૌટુંબિક કાકા વિનુભાઇ ગેલાણીને જાણ કરી હતી. દરમિયાન વિનુભાઇએ ઘરે જોઇને જોતા મેહુલ ગેલાણીએ ફાંસો ખાઇ લીધો હોવાનું જોઇ સ્તબ્ધ થઇ ગયા હતા. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે મૃતક મેહુલભાઈ ગેલાણીને સંતાનમાં એક પુત્ર છે અને તેઓ હીરાના ધંધા સાથે સંકળાયેલા હતા. પતિ-પત્ની વચ્ચે અણબનાવના લીધે છેલ્લા બે માસથી પત્ની પાસોદરા ખાતે પિયરમાં રહેવા જતી રહી હતી. પત્નીએ પતિ વિરુદ્ધ પોલીસ મથકમાં અરજી કરી હતી. આ અરજીને કારણે હતાશામાં સરી પડી મેહુલ ગેલાણીએ અંતિમ પગલુ ભર્યું હોવાનું જાણાવ મળ્યું છે. આ મામલે સરથાણા પોલીસ વધુ તપાસ કરી રહી છે.