સુરત: પાંડેસરાના ગણેશનગર વિસ્તારમાં ઝાડ પરથી બદામ પાડવા માટે 13 વર્ષની કિશોરીએ લોખંડનો સળિયો ઉપર કર્યો હતો. ત્યારે સળિયો હાઈટેન્શન ઇલેક્ટ્રીક વાયરને અડી જતાં કિશોરી આખા શરીરે દાઝી ગઈ હતી. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. સાત દિવસની સારવાર બાદ આજ રોજ તેનું મોત નિપજ્યું હતું.
- બદામ પાડવા લોખંડનો સળિયો ઊંચો કર્યો અને હાઈટેન્શન લાઈનને અડી જતાં ગંભીર રીતે દાઝી હતી
- પરિજનોએ બિલ્ડર પાસે વળતરની માંગણી સાથે કિશોરીની લાશ લેવા ઈનકાર કર્યા બાદ સમાધાન થયું હતું
પાંડેસરા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર મૂળ દાહોદ જિલ્લાનો શ્રમજીવી પરિવાર કામ અર્થે સુરત આવ્યો છે. પરિવારમાં પરતીભાઈના પત્ની અને તેમના 6 સંતાનો છે. હાલમાં તેઓ પાંડેસરામાં ગણેશનગર વિસ્તારમાં નવી બંધાતી બિલ્ડિંગ પાસે રહેતા હતા અને તેજ બિલ્ડિંગમાં કામ કરતા હતા.
ગઈ 20મીએ પરતીભાઈની ત્રીજા નંબરની દીકરી સકીના (13 વર્ષ) નવી બંધાતી બિલ્ડિંગ પાસે આવેલા બદામના ઝાડ પરથી બદામ પાડવા માટે ગઈ હતી. તેણે બદામ પાડવા માટે લોખંડનો સળિયો ઉપર કર્યો હતો. સળિયો હાઈ ટેન્શન ઇલેક્ટ્રીક વાયરને અડી જતાં કિશોરી આખા શરીરી દાઝી ગઈ હતી.
તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યાં સારવાર દરમિયાન આજ રોજ તેનું મોત નિપજ્યું હતું. શરૂમાં પરિવારજનોએ લાશ લેવાનો ઇનકાર કર્યો હતો. તેઓએ બિલ્ડર પાસે વળતર માંગ્યું હતું. પરિવારને સમજાવતા લાશ લીધી હતી.
ખરવરનગર BRTS નજીક અજાણ્યા વાહનની અડફેટે પાંચ સંતાનોના પિતાનું મોત
સુરત: ખટોદરા વિસ્તારમાં નોકરી પરથી ઘરે જતા પાંચ સંતાનના પિતાને અજાણ્યા વાહનના ડ્રાઈવરે અડફેટે લેતા તેનું મોત નિપજ્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાના વતની ૩૬ વર્ષીય રામપ્રતાપ હીરાલાલ સિંગ, ખટોદરા વિસ્તારની નંદ પરમાનંદ સોસાયટીમાં પરિવાર સાથે રહેતા હતાં.
તેઓ 4 મહિના પહેલા જ કામધંધા માટે સુરત આવ્યા હતાં. તેઓ ક્રશ મશીન ચલાવી પરિવારનું ભરણ-પોષણ કરતા હતા. તેમને પરિવારમાં પત્ની, ત્રણ પુત્ર અને બે પુત્રી છે. ગત 22મી જૂનના રોજ રાત્રીના સવા નવ વાગ્યે નોકરી પરથી રાત્રે પરત ફરી રહ્યા હતા.
દરમિયાન તેમને રોકડીયા હનુમાનથી જોગાણી માતાના મંદિર તરફ આવતા રોડ પર અજાણ્યા વાહને અડફેટે લીધા હતા અને વાહનચાલક ફરાર થઈ ગયો હતો. પરિવારને જાણ કરવા સાથે તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં 6 દિવસની સારવાર બાદ મૃત જાહેર કરાયા છે. વાહન અકસ્માતના બનાવ અંગે ખટોદરા પોલીસ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પાંચ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.