સુપ્રીમ કૉર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો કે, હિન્દુ મહિલા પિતા તરફના લોકોને તેમની સંપત્તિના વારસદાર ગણી શકશે. આવા કુટુંબના સભ્યોને પરિવારની બહારના વ્યક્તિ તરીકે ગણી શકાય નહીં. તેમને હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમની કલમ 15.1ડી ના કાર્યક્ષેત્ર હેઠળ આવશે અને સંપત્તિનો વારસો મળશે.
આ ચુકાદામાં સુપ્રીમ કૉર્ટે કહ્યું હતું કે, મહિલાના પિતાના પરિવારના સભ્યો હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ, 1956ની કલમ 15.1.ડી હેઠળ વારસદાર બનશે. ન્યાયાધીશ અશોક ભૂષણની બેન્ચે કહ્યું કે, કલમ 15.1.ડી દ્વારા સ્પષ્ટ થાય છે કે, પિતાના વારસદારોને સંપત્તિના વારસદાર માનવામાં આવ્યા છે. પરંતુ, હવે મહિલાના પિતાના વારસદારોનો પણ સમાવેશ થાય છે. હવે તે પણ સંપત્તિ મેળવી શકે છે.
કૉર્ટે આ ચુકાદો એવા કેસમાં આપ્યો જેમાં એક મહિલાને તેના પતિની સંપત્તિ મળી હતી. તેના પતિનું 1953માં મૃત્યુ થયું હતું. તેને કોઈ બાળક ન હતું. તેથી પત્નીને કૃષિ સંપત્તિનો અડધો ભાગ મળ્યો હતો. ઉત્તરાધિકાર એક્ટ, 1956 બન્યા બાદ કલમ 14 હેઠળ પત્ની સંપત્તિની એકમાત્ર સંપૂર્ણ વારસદાર બની હતી.
ત્યારબાદ આ મહિલાએ આ સંપત્તિ માટે કરાર કર્યો અને તે સંપત્તિ તેના ભાઈના પુત્રોને આપી હતી. ત્યારબાદ વર્ષ 1991માં તેમના ભાઇના પુત્રોએ આ મિલકતની તેમના નામે કરવા સિવિલ કૉર્ટમાં દાવો કર્યો હતો. જેની મહિલાએ સહમતી આપી દીધી હતી.
ત્યારબાદ કૉર્ટે આ સંપત્તિ ભાઈના પુત્રોના નામે કરી દીધી હતી. પરંતુ સંપત્તિ મહિલાના ભાઈના પુત્રના નામે થતાં પતિના ભાઈઓએ વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, હિન્દુ વિધવા તેના પિતાના પરિવાર સાથે સંયુક્ત હિન્દુ પરિવાર બનાવતી નથી. તેથી આ સંપત્તિ તેના પિતાના સંતાનોના નામે ન કરી શકે. જેથી, કૌટુંબિક સમાધાન માત્ર તે લોકો સાથે જ થાય છે જેમનો સંપત્તિ પર પહેલાથી અધિકાર હોય. આ અંગે સુપ્રીમ કૉર્ટે કહ્યું કે, હિન્દુ મહિલાના પિતાના સબંધીઓ અજાણ્યા નથી, તેઓ પરિવારનો પણ એક ભાગ છે.