National

સુપ્રીમ કોર્ટે વેશ્યાવૃત્તિને વ્યવસાય તરીકે માન્યતા આપી, પોલીસ અને મીડિયાને આપ્યા આ આદેશ

નવી દિલ્હી: આખરે સુપ્રીમ કોર્ટે માન્યું કે વેશ્યાવૃત્તિ એ વ્યવસાય છે. સુપ્રીમ કોર્ટમાં કોરોના દરમિયાન સેક્સ વર્કરોને થતી સમસ્યાઓ અંગે દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ હતી. જેમાં કોર્ટે સેક્સ વર્કરોના પુનર્વસન માટે રચાયેલી પેનલની ભલામણ પર વેશ્યાવૃત્તિને વ્યવસાય તરીકે માન્યતા આપી છે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પોલીસને (Police)આદેશ આપ્યો છે કે તેઓએ સેક્સ વર્કરના (Sex workers) કામમાં દખલ કરવી જોઇએ નહીં.

સેક્સ વર્કને પ્રોફેશન (Profession) તરીકે ધ્યાનમાં લેતા કોર્ટે કહ્યું કે પોલીસે પુખ્ત વયની અને સહમતિથી સેક્સ વર્ક કરતી મહિલાઓ સામે કાર્યવાહી ન કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટમાં હાજર જસ્ટિસ એલ નાગેશ્વર રાવ, બીઆર ગવઈ અને એએસ બોપન્નાની બેન્ચે સેક્સ વર્કરોના અધિકારોનું રક્ષણ કરવા માટે 6 નિર્દેશો જાહેર કર્યા હતા. જેમાં કહ્યું કે સેક્સ વર્કર પણ કાયદા હેઠળ સન્માન અને સમાન સુરક્ષા માટે હકદાર છે.

દેશના દરેક વ્યક્તિને ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર : સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે કહ્યું કે જ્યારે એ સ્પષ્ટ થઈ જાય કે સેક્સ વર્કર પુખ્ત છે અને આ કામ પોતાની મરજીથી કરી રહી છે, ત્યારે પોલીસે દખલગીરી કરવી નહી તેમજ તેની સામે ફોજદારી કાર્યવાહી કરવી જોઇએ નહી. આ અંગે કોર્ટે વધુમાં કહ્યું કે આ દેશના દરેક વ્યક્તિને બંધારણની કલમ 21 હેઠળ ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર છે. એટલું જ નહિ કોર્ટે એ પણ આદેશ આપ્યો છે કે જ્યારે પણ પોલીસ દરોડા પાડે છે, ત્યારે સેક્સ વર્કર્સની ધરપકડ કરવી જોઈએ નહીં અથવા હેરાન કરવી જોઈએ નહીં, કારણ કે સ્વેચ્છાએ સેક્સ વર્કમાં જોડાવું એ ગેરકાયદેસર નથી, માત્ર વેશ્યાલય ચલાવવાનું ગેરકાયદેસર છે.

પોલીસ માટે કડક સૂચનાઓ જાહેર કરવામાં આવી
કોર્ટે કહ્યું કે, જો સેક્સ વર્કરનું યૌન શોષણ થાય છે, તો તેને કાયદા હેઠળ તાત્કાલિક તબીબી સહાય સહિત જાતીય હુમલાનો ભોગ બનેલી પીડિતાને ઉપલબ્ધ તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે. તેમજ એવું જોવામાં આવ્યું છે કે પોલીસ સેક્સ વર્કર પ્રત્યે ક્રૂર અને હિંસક વલણ અપનાવે છે. પોલીસ અને અન્ય કાયદા અમલીકરણ એજન્સીઓએ સેક્સ વર્કરોના અધિકારો પ્રત્યે સંવેદનશીલ હોવું જોઈએ. કોર્ટે વધુમાં કહ્યું કે સેક્સ વર્કરોને પણ નાગરિકો માટે બંધારણમાં રહેલા તમામ અધિકારો મળવા જોઈએ. પોલીસે તમામ સેક્સ વર્કર સાથે આદરપૂર્વક વર્તવું જોઈએ અને તેમની સાથે મૌખિક અથવા શારીરિક દુર્વ્યવહાર ન કરવો જોઈએ. તેમજ તેમને કોઈપણ જાતીય પ્રવૃત્તિ કરવા દબાણ ન કરવું જોઈએ.

મીડિયા માટે પણ સૂચનાઓ જાહેર કરવામાં આવી
આ મામલે કોર્ટે મીડિયા માટે પણ સૂચનાઓ જાહેર કરી હતી. જેમાં જણાવ્યું કે પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા યોગ્ય માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે જેથી ધરપકડ, દરોડા અથવા અન્ય કોઈ અભિયાન દરમિયાન સેક્સ વર્કર, પીડિત હોય કે આરોપી, તેની ઓળખ જાહેર ન થાય. ઉપરાંત આવી કોઈ તસવીર પ્રસારિત કરવી જોઈએ નહીં, જેનાથી તેની ઓળખ સામે આવે. સુપ્રીમ કોર્ટે રાજ્યોને આશ્રય ગૃહોનું સર્વેક્ષણ કરવાનો નિર્દેશ આપ્યો છે, જેથી પુખ્ત વયની મહિલાઓ કે જેમને તેમની મરજી વિરુદ્ધ અટકાયતમાં રાખવામાં આવી છે, તેમની સમીક્ષા કરવામાં આવે અને સમયમર્યાદામાં તેમની મુક્તિ માટે કાર્યવાહી કરી શકાય. કોર્ટે કહ્યું કે સેક્સ વર્કર્સ દ્વારા તેમના સ્વાસ્થ્ય અને સલામતી માટે ઉપયોગમાં લેવાતી વસ્તુઓને ગુનાહિત સામગ્રી તરીકે ગણવામાં આવવી જોઈએ નહીં અને તેને પુરાવા તરીકે રજૂ કરવામાં આવશે નહીં.

આ દરમિયાન કોર્ટે સરકારો અને કાયદાકીય સેવા સત્તાવાળાઓને સેક્સ વર્કર માટે વર્કશોપનું આયોજન કરવા કહ્યું, જેથી તેઓ તેમના અધિકારો વિશે જાણી શકે, કાયદા હેઠળ શું માન્ય છે અને શું નથી. સેક્સ વર્કર્સને એ પણ કહી શકાય કે તેઓ કેવી રીતે તેમના અધિકારો માટે ન્યાયિક પ્રણાલી સુધી પહોંચીને તસ્કરો અને પોલીસના હાથે થતી હેરાનગતિને અટકાવી શકે છે

Most Popular

To Top