નવી દિલ્હી: મણિપુરમાં (Manipur) હિંસા કેસમાં મંગળવારે સુપ્રીમ કોર્ટમાં (SC) સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે મણિપુરના ડીજીપીને (DGP) સમન્સ (Summons) મોકલીને શુક્રવારે જવાબ આપવા જણાવ્યું છે. આગામી સુનાવણી 7 ઓગસ્ટે થશે. મણિપુર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે અત્યાર સુધીમાં મહિલાઓ અને બાળકો સામેની હિંસા સંબંધિત 11 FIR CBI પાસે ગઈ છે. સુપ્રીમ કોર્ટે મણિપુર સરકાર વતી દાખલ કરાયેલા અહેવાલને રેકોર્ડ પર લીધો છે, જેમાં જણાવાયું છે કે 25 જુલાઈ, 2023 સુધી 6496 એફઆઈઆર નોંધવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટે સ્ટેટસ રિપોર્ટ જોયો
સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે સત્તાવાર અહેવાલો મુજબ 150 મૃત્યુ, 502 ઇજાઓ, 5,101 આગજનીના કેસ અને 6,523 એફઆઈઆર નોંધવામાં આવી હતી. એફઆઈઆરમાં 252 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને નિવારક પગલાં હેઠળ 1,247 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. સ્ટેટસ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 11 FIRના સંબંધમાં 7 ધરપકડ કરવામાં આવી છે.
સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતા કહે છે કે તમામ પોલીસ સ્ટેશનના તમામ અધિકારીઓને મહિલાઓ અને બાળકો દ્વારા નોંધાયેલી જાતીય હિંસા પ્રત્યે સંવેદનશીલ બનવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. મણિપુર સરકારનું કહેવું છે કે તપાસ ચાલી રહી છે. એક કિશોર સહિત સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોવાનું કહેવાય છે. સોલિસિટર જનરલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે ગુનેગારો પર ઝડપી પગલા ભરાય કે માટે કેસ CBIને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.
કોર્ટની તીખી ટિપ્પણી
સુપ્રીમ કોર્ટે કહ્યું કે એક વાત બહુ સ્પષ્ટ છે કે એફઆઈઆર નોંધવામાં ઘણો વિલંબ થયો છે. મણિપુરમાં બનેલી એ ઘટના જેમાં એક મહિલાને કારમાંથી ખેંચી કાઢવામાં આવી હતી અને તેના પુત્રને માર મારવામાં આવ્યો હતો તે 4 મેના રોજ બની હતી અને 7 જુલાઈના રોજ FIR નોંધવામાં આવી હતી. CJI ચંદ્રચુડે કહ્યું કે અન્ય 2 FIRમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી. આ કેસમાં તપાસ ખૂબ જ ધીમી છે. બે મહિના પછી એફઆઈઆર નોંધવામાં આવી અને નિવેદનો નોંધવામાં આવ્યા ન હતા.
મુખ્ય ન્યાયાધીશે કહ્યું રાજ્યમાં બે મહિનાથી સ્થિતિ એટલી ખરાબ છે કે FIR પણ દાખલ થઈ શકી નથી. તેમણે કહ્યું ત્યાં કોઈ કાયદો ન હતો કે તમે એફઆઈઆર નોંધી શક્યા નહિં અને આ મામલે કોઈની ધરપકડ કરવામાં ન આવી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે બે મહિનામાં એવું તે શું થયું છે કે સ્થિતિ બેકાબૂ બની છે. ચીફ જસ્ટિસે કહ્યું કે વીડિયોમાં દેખાતી મહિલાઓનું નિવેદન છે કે પોલીસે જ તેમને ટોળાના હવાલે કર્યા હતા. તેમણે પૂછ્યું કે પોલીસકર્મીઓ સામે શું કાર્યવાહી કરવામાં આવી.