નવી દિલ્હી, તા. 22 (PTI): સુપ્રીમ કોર્ટે આજે તેનો અગાઉનો આદેશ સુધાર્યો હતો અને રસી આપ્યા પછી પણ રખડૂ કૂતરાઓને દિલ્હી-એનસીઆરમાં છોડવા પર પ્રતિબંધ મૂકતા આ આદેશને ખૂબ કઠોર ગણાવીને આ પશુઓને ખસીકરણ કરીને અને કૃમિનાશની પ્રક્રિયા કરીને છોડી મૂકવા જણાવ્યું હતું. જસ્ટિસ વિક્રમ નાથના વડપણ હેઠળની ત્રણ જજોની બેન્ચે રખડતા કૂતરાઓના કેસનો વ્યાપ દિલ્હી-એનસીઆરથી બહાર પણ વિસ્તાર્યો હતો અને આ બાબતમાં તમામ રાજ્યો અને સંઘપ્રદેશોને પક્ષકાર બનાવવા જણાવ્યું હતું.
જો કે, બેન્ચે જણાવ્યું હતું કે મ્યુનિસિપલ સત્તાવાળાઓ દિલ્હી, ગાઝિયાબાદ, નોઈડા અને ગુરુગ્રામના તમામ વિસ્તારોમાંથી રખડતા કૂતરાઓને ઉપાડવા અને તાત્કાલિક કૂતરા આશ્રયસ્થાનો અથવા પાઉન્ડ બનાવવા માટે 11 ઓગસ્ટના નિર્દેશોનું પાલન કરવાનું ચાલુ રાખશે. બેન્ચે કહ્યું કે 11 ઓગસ્ટના રોજ બે ન્યાયાધીશોની બેન્ચ દ્વારા શેરીઓમાંથી આશ્રયસ્થાનોમાં રખડતા કૂતરાઓને કાયમી સ્થાનાંતરિત કરવા માટે આપવામાં આવેલા નિર્દેશને હાલ પૂરતો સ્થગિત રાખવો જોઈએ.
જે કૂતરાઓને ઉપાડવામાં આવે છે તેમને વંધ્યીકૃત કરવામાં આવશે, કૃમિનાશક દવા આપવામાં આવશે, રસી આપવામાં આવશે અને તે જ વિસ્તારમાં પાછા છોડી દેવામાં આવશે જ્યાંથી તેમને ઉપાડવામાં આવ્યા હતા એમ બેન્ચે જણાવ્યું હતું જેમાં ન્યાયાધીશો સંદીપ મહેતા અને એન.વી. અંજારિયાનો પણ સમાવેશ થતો હતો. બેન્ચે જણાવ્યું હતું કે ૧૧ ઓગસ્ટના રોજ બે જજોની બેન્ચ દ્વારા આપવામાં આવેલ આદેશ અમારા અભિપ્રાય પ્રમાણે ખૂબ સખત છે. આદેશ જાહેર કરતી વખતે, બેન્ચે ટિપ્પણી કરી કે દેશભરની હાઇકોર્ટોમાં પેન્ડિંગ રહેલા તમામ આવા કેસ આ મુદ્દા પર છેવટની રાષ્ટ્રીય નીતિ અથવા નિર્ણય માટે સર્વોચ્ચ અદાલતમાં આવશે.
રખડૂ કૂતરાઓને ખવડાવવા માટે ચોક્કસ સ્થળો નક્કી કરવા આદેશ બેન્ચે રખડૂ કૂતરાઓની વસ્તીને ધ્યાનમાં લઇને ચોક્કસ સ્થળોએ તેમને ખોરાક આપવાના સ્થાનો બનાવવા પણ આદેશ આપ્યો હતો અને કહ્યું હતું કે રસ્તાઓ પર રખડૂ કૂતરાઓને ખવડાવવાથી રસ્તા પરથી અવરજવર કરતા સામાન્ય લોકોને ખૂબ તકલીફ પડે છે. ચોક્કસ વિસ્તારોમાં જ કૂતરાઓને ખવડાવી શકાશે અને જે વ્યક્તિ તેમને શેરીઓમાં કે રસ્તાઓ પર ખવડાવશે તે સજાને પાત્ર થશે એમ બન્ચે જણાવ્યું હતું.
આક્રમક વંધ્યીકરણથી કૂતરાઓની વસ્તી ઘટશે: સુપ્રીમ
નવી દિલ્હી, તા. 22(પીટીઆઈ): સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું કે આક્રમક નસબંધીથી રખડતા કૂતરાઓની વસ્તીમાં ઝડપી વધારો અટકશે જે આખરે તેમની સંખ્યામાં ઘટાડો તરફ દોરી જશે. ન્યાયાધીશ વિક્રમ નાથની આગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશોની વિશેષ બેન્ચે કહ્યું કે આ ફક્ત એક આદર્શવાદી પરિસ્થિતિમાં જ શક્ય છે જે વર્તમાન પરિસ્થિતિમાં અશક્ય લાગે છે. બેન્ચે નોંધ્યું કે તેની સમક્ષ દલીલ કરવામાં આવી હતી કે વંધ્યીકરણ અને રસીકરણની પ્રક્રિયાએ દેશના ઘણા શહેરોમાં અજાયબ રીતે કામ કર્યું છે, જેના કારણે રખડતા કૂતરાઓની વસ્તીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેણે રાસાયણિક ખસીકરણના સૂચનનો પણ ઉલ્લેખ કર્યો હતો જે સલામત, પીડારહિત અને વંધ્યીકરણની વધુ અસરકારક પધ્ધતિ છે.
અદાલતે ચડનારા કૂતરા પ્રેમીઓ અને NGOઓએ ડીપોઝિટની રકમ જમા કરાવવી પડશે
સુપ્રીમ કોર્ટે શુક્રવારે દિલ્હી-એનસીઆરમાં રખડતા કૂતરાઓને કાયમી સ્થાનાંતરિત કરવાના આદેશ સામે અદાલતમાં જનારા કૂતરા પ્રેમીઓ અને એનજીઓને તેમની અરજીની સુનાવણી માટે એક અઠવાડિયાની અંદર અનુક્રમે 25,000 રૂપિયા અને 2 લાખ રૂપિયા જમા કરાવવા કહ્યું હતું. જસ્ટિસ વિક્રમ નાથની આગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશોની વિશેષ બેન્ચે જણાવ્યું હતું કે આ નાણાંનો ઉપયોગ સંબંધિત મ્યુનિસિપલ સંસ્થાઓના નેજા હેઠળ રખડતા કૂતરાઓ માટે માળખાગત સુવિધાઓ બનાવવા માટે થવો જોઈએ.
માળખાગત સુવિધાઓનો વિચાર કર્યા વિના અપાયેલો આદેશ ‘કેચ-૨૨’ સ્થિતિ સર્જી શક્યો હોત: સુપ્રીમ
દિલ્હીના તમામ કૂતરાઓને પકડીને આશ્રયસ્થાનોમાં મૂકી દેવાના સુપ્રીમની બે જજોની બેન્ચના અગાઉના આદેશની ટીકા કરતા નવી બેન્ચે કહ્યું હતું કે માળખાગત સુવિધાઓ કેવી અને કેટલી છે તે જાણ્યા વિના અપાયેલો આ બ્લેન્કેટ આદેશનો અમલ વ્યવહારુ રીતે થઇ શક્યો ન હોત. આ આદેશથી કેચ-૨૨ સ્થિતિ સર્જાઇ હોત એમ નવી ત્રણ જજોની બેન્ચે કહ્યું હતું. કેચ-૨૨ સ્થિતિ તેને કહે છે જેમાં કોઇ બાબતના અમલ માટે સાનુકૂળ કરતા પ્રતિકૂળ પરિબળો વધારે હોય અને તેનો અમલ અશક્યવત હોય.