નવી દિલ્હી: મોદી અટક માનિહાનિ (DefamationofModisurname) કેસમાં આજે શુક્રવારે જોરદાર ટ્વીસ્ટ આવ્યો છે. સુરતની (Surat) નીચલી કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટે (GujaratHighCourt) રાહુલ ગાંધીને (RahulGandhi) બે વર્ષની સજા ફટકારી હતી તેની પર સુપ્રીમ કોર્ટે (SupremeCourt) આજે સ્ટે (Stay) આપ્યો છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયના લીધે રાહુલ ગાંધીને ફરી સંસદ પદ મળવા સાથે 2024માં લોકસભાની ચૂંટણી (2024LokSabhaElection) લડવાના રસ્તા ખુલી ગયા છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જ્યાં સુધી રાહુલ ગાંધીની અરજી પર સુનાવણી પૂરી ન થાય ત્યાં સુધી સજા પર સ્ટે લાગુ રહેશે. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને આપવામાં આવેલી મહત્તમ સજા પર પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય રાહુલ ગાંધી, કોંગ્રેસ પાર્ટી અને વિપક્ષી ગઠબંધન માટે ઘણો મહત્વપૂર્ણ છે.
તમને જણાવી દઈએ કે સુરતની નીચલી કોર્ટે બે વર્ષની સજા ફટકાર્યા બાદ રાહુલ ગાંધીને લોકસભાના સભ્યપદેથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.
મહત્તમ સજા આપવા માટે નીચલી કોર્ટે કયા આધાર રાખ્યા? : સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે આજે મોદી અટક માનહાનિ કેસમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને આપવામાં આવેલી સજાને સ્થગિત કરવાની અરજી પર સુનાવણી હાથ ધરી હતી. આ દરમિયાન કોર્ટે રાહુલ ગાંધી વિરુદ્ધ દલીલ કરી રહેલા ફરિયાદી પૂર્ણેશ મોદીના વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાણીને પૂછ્યું હતું કે, કયા આધાર પર નીચલી કોર્ટે રાહુલ ગાંધીને મહત્તમ સજા સંભળાવી હતી? શું બે વર્ષ કરતા ઓછી સજા આપી શકાઈ હોત? શું એમ કરવાથી રાહુલ ગાંધીના સંસદીય અધિકારો જળવાઈ રહ્યાં ન હોત?
કોર્ટે વધુમાં કહ્યું કે નીચલી કોર્ટે પોતાના આદેશમાં એ સ્પષ્ટ નથી કર્યું કે મહત્તમ સજાની જરૂર કેમ છે? ન્યાયાધીશે મહત્તમ સજાનું કારણ સમજાવવું જોઈએ. આ કેસ નોન-કોગ્નિઝેબલ કેટેગરીમાં આવે છે. સુરતની નીચલી કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટ એમ બંને કોર્ટોએ ચૂકાદામાં અનેક પાના લખ્યા છે પરંતુ રાહુલ ગાંધીને મહત્તમ સજા કેમ આપી તે અંગે કોઈ ફોડ પાડ્યો નથી. આ પાસાને ધ્યાન પર લેવાયો નહીં હોવાનું લાગી રહ્યું છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું, મહત્તમ સજાની જરૂર નથી
સુપ્રીમ કોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધી દ્વારા જાહેરમાં જે ટિપ્પણી કરવામાં આવી હતી તે યોગ્ય નથી. જાહેર જીવનમાં નિવેદનો આપતી વખતે સાવધાન રહેવું જોઈએ.
રાહુલ ગાંધી માટે સંસદના દરવાજા ખુલી ગયા, 2024ની ચૂંટણી લડી શકશે
સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી રાહુલ ગાંધી માટે સંસદના દરવાજા કાયદેસર રીતે ખુલી ગયા છે. હવે રાહુલની લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે. રાહુલને સંસદના સભ્ય તરીકે ગેરલાયક ઠેરવ્યા પછી વાયનાડ બેઠક માટે પેટાચૂંટણી યોજાઈ હોત, તો તેમનું સભ્યપદ પુનઃસ્થાપિત થયું ન હોત. વાયનાડમાં હજુ પેટાચૂંટણી યોજાઈ નથી. તેથી રાહુલ 2024ની લોકસભા ચૂંટણી લડી શકશે.