ઉત્તરપ્રદેશના લખીમપુર ખેરીમાં (Lakhmipur Khiri) હિંસાના કેસમાં સુપ્રીમ કોર્ટે ફરી એક વખત યોગી સરકારને (UP Government) ફટકાર લગાવી છે . આ મામલે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે (Supreme Court) બુધવારે ઉત્તર પ્રદેશ સરકાર તરફથી હાજર રહેલા એડવોકેટ હરીશ સાલ્વેને જણાવ્યું હતું કે, કોર્ટ મોડી રાત સુધી સ્ટેટસ રિપોર્ટ દાખલ થવાની રાહ જોતી હતી પરંતુ એવું થયું નથી. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે અમને હવે સ્ટેટસ રિપોર્ટ મળ્યો છે. કોર્ટે સુનાવણી શુક્રવાર સુધી મુલતવી રાખવાની યુપી સરકારની માંગને પણ ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે યુપી સરકાર પોતાનું કામ કરવાનું ટાળી રહી છે. કોર્ટે લખીમપુર ખેરી હત્યા કેસની આગામી સુનાવણી 26 ઓક્ટોબર સુધી મુલતવી રાખી છે.
અમને લાગે છે કે તમે તમારી જવાબદારી ટાળી રહ્યા છો. એવું ન કરો. સુપ્રીમ કોર્ટે બુધવારે લખીમપુર કેસની સુનાવણી દરમિયાન યુપી સરકારને ઠપકો આપતા આ વાત કહી હતી. આ સાથે કોર્ટે યુપી સરકારને આ કેસમાં અન્ય સાક્ષીઓના નિવેદનો ન્યાયિક મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધવાનો આદેશ આપ્યો હતો. અગાઉ, યુપી સરકારે કોર્ટને જણાવ્યું હતું કે તેણે કુલ 44 સાક્ષીઓમાંથી 4 ના નિવેદન નોંધ્યા છે. મુખ્ય ન્યાયાધીશ એનવી રમન્નાની અધ્યક્ષતાવાળી ખંડપીઠે યુપી સરકારે રજૂ કરેલા સ્ટેટસ રિપોર્ટ અંગે આ કહ્યું.
વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ કોર્ટને જણાવ્યું કે સીલબંધ કવરમાં સ્ટેટસ રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં સુપરત કરવામાં આવ્યો છે. આ અંગે ચીફ જસ્ટિસે કહ્યું કે અમે મોડી રાત સુધી રિપોર્ટ દાખલ થવાની રાહ જોતા હતા પરંતુ હવે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. CJI એ કહ્યું કે, ‘જો આટલો મોડો રિપોર્ટ રજૂ કરશો તો અમે તેને કેવી રીતે વાંચીશું? ઓછામાં ઓછા એક દિવસ અગાઉથી ફાઇલ કરવી આવશ્યક છે. આ અંગે યુપી સરકારે કોર્ટ પાસેથી શુક્રવાર સુધીનો સમય માંગ્યો હતો.
સુપ્રીમ કોર્ટે એ સવાલ પણ ઉઠાવ્યો હતો કે યુપી સરકારે હજુ સુધી આ મામલે વધુ લોકોની પૂછપરછ કેમ નથી કરી. CJIએ કહ્યું કે, તમે અત્યાર સુધીમાં 164 માંથી 44 સાક્ષીઓની તપાસ કરી છે, અને લોકો કેમ નથી. જોકે, સાલ્વેએ જવાબ આપ્યો હતો કે પ્રક્રિયા ચાલુ છે અને તમામ મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
યુપી સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે અત્યાર સુધીમાં 10 લોકોને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે, જ્યારે ચાર આરોપી પોલીસ કસ્ટડીમાં છે. લખીમપુરમાં પ્રદર્શનકારીઓના ટોળા દ્વારા ભાજપના બે કાર્યકરો અને એક કાર ચાલકને માર મારવાનો આરોપ છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીના પુત્ર આશિષ મિશ્રાનો સમાવેશ થાય છે.
3 ઓક્ટોબરના રોજ લખીમપુર ખેરીમાં વિરોધ કરી રહેલા ખેડૂતોને વાહન દ્વારા કચડી નાખવામાં આવ્યા હતા, જેમાં ચાર ખેડૂતોના મોત થયા હતા. આ પછી, હિંસામાં એક પત્રકાર સહિત ચાર અન્ય લોકો પણ માર્યા ગયા હતા. આ કેસમાં કુલ આઠ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ખેડૂત સંગઠનોએ આક્ષેપ કર્યો હતો કે, જે વાહનમાં ખેડૂતોને કચડી નાખવામાં આવ્યા હતા તે પણ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા હતા. જોકે કેન્દ્રીય મંત્રીએ આ આરોપોને નકાર્યા હતા પરંતુ આશિષ મિશ્રાની ધરપકડ આ કેસમાં લગભગ એક સપ્તાહ બાદ થઈ હતી.