નવી દિલ્હીઃ સોમનાથ મંદિરની આસપાસના દબાણોને તોડી પાડવાના મામલે સુપ્રીમ કોર્ટે આજે ગુજરાત સરકાર પાસે જવાબ માગ્યો છે. કોર્ટે કહ્યું કે, આ ડિમોલિશનમાં સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન થયું હશે તો જવાબદાર અધિકારીઓને જેલમાં મોકલીશું અને આ સાથે જ તોડી પડાયેલી મિલકતોને ફરી બાંધવાના આદેશ આપવામાં આવશે. જોકે, સુપ્રીમ કોર્ટે ડિમોલિશનની કાર્યવાહી પર સ્ટે આપવાનો ઈનકાર કર્યો છે. આ મામલામાં આગામી સુનાવણી તા.16 ઓક્ટોબરે હાથ ધરાશે.
સુપ્રીમ કોર્ટે ગુજરાતના ગીર સોમનાથ મંદિર પાસેના ગેરકાયદે દબાણોના ડિમોલિશનની કામગીરી પર સ્ટે આપવાનો હાલ ઈનકાર કર્યો છે. કોર્ટે સોમનાથ મંદિર પાસે ઈદગાહ અને દરગાહ સહિતની ગેરકાયદે મિલકતો પર બુલડોઝર કાર્યવાહી મામલે ગુજરાત સરકાર પાસે ખુલાસો માંગ્યો છે.
સુપ્રીમ કોર્ટે આજે શુક્રવારે તા. 4 ઓક્ટોબરના રોજ સોમનાથ મંદિર પાસે ગુજરાતના પ્રભાસ પાટણમાં દરગાહ અને મસ્જિદો સહિતની મિલકતોને તોડી પાડવાના મામલે કહ્યું કે અમે ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કાર્યવાહી અટકાવવા કે મસ્જિદના ઢાંચાને યથાસ્થિત જાળવી રાખવા મામલે કોઈ સ્ટે આપીશું નહીં. હા, જો બુલડોઝર એક્શન અંગેના સુપ્રીમ કોર્ટના પાછલા નિર્દેશનું ઉલ્લંઘન થયું હશે તો રાજ્યના અધિકારીઓને જવાબદાર ગણવામાં આવશે.
જસ્ટિસ ભૂષણ આર.ગવઈ અને કે.વી. વિશ્વનાથનની બેન્ચે ચેતાવણી આપતા કહ્યું કે બુલડોઝર એક્શન અટકાવવાના સુપ્રીમ કોર્ટના આદેશના ઉલ્લંઘનના ગંભીર પરિણામ ભોગવવા અધિકારીઓએ તૈયાર રહેવું પડશે. કોર્ટે કહ્યું કે અમે કોઈ નોટિસ કે વચગાળાનો આદેશ આપી રહ્યાં નથી, પરંતુ એ સ્પષ્ટ કરીએ છીએ કે જો અમારા ધ્યાન પર આવ્યું કે રાજ્ય દ્વારા સુપ્રીમ કોર્ટના પાછલા આદેશની અવગણના કરવામાં આવી છે તો જવાબદાર અધિકારીઓને જેલ મોકલીશું. ઉપરાંત તોડી પાડવામાં આવેલી મિલકતોને ફરી બાંધવાનો આદેશ પણ કરીશું.