SURAT

પાલની 100 કરોડની જમીન 11 હજારમાં પડાવી લેવાનો વસંત ગજેરાનો પ્લાન ફેઈલ, સુપ્રીમના આદેશ બાદ FIR દાખલ

સુરત: શહેરના જાણીતા ઉદ્યોગપતિ અને બિલ્ડર વસંત ગજેરા વિરુદ્ધ પાલ પોલીસ સ્ટેશનમાં ફોજદારી ફરિયાદ દાખલ થઈ છે. વસંત ગજેરા સહિતના પાંચ આરોપીઓ પર પાલમાં આવેલી રૂપિયા 100 કરોડથી વધુ રકમની સોનાની લગડી સમાન જમીન પચાવી પાડવાનો આક્ષેપ છે. આ કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પાલ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આ કેસની વિગત એવી છે કે મૂળ મહેસાણાના વિજાપુર તાલુકાના મઢી ગામના વતની ધોળાભાઈ પટેલની 82 વર્ષીય વિધવા લક્ષ્મી પટેલની વડીલોપાર્જિત જમીન પાલમાં આવેલી છે. પાલ ગામમાં સરવે નંબર 164 બ્લોક નંબર 158 પર નવી શરતની અંદાજે 3,642 ચોરસ મીટર ટીપી નંબર 10 અને ફાઇનલ પ્લોટ નંબર 17 વાળી જમીન આવેલી છે. લક્ષ્મીબેન તેમના પરિવારના 8 ભાગીદારો સાથે સમાન હક્ક ધરાવે છે.

દરમિયાન વર્ષ 2012માં પારલે પોઈન્ટના સરગમ શોપિંગ સેન્ટર પાસે સર્જન સોસાયટીમાં રહેતા હીરાલાલ નરસીભાઈ હડકીયા તથા તેમના પુત્ર આદિત્ય હડક્યાના સંપર્કમાં લક્ષ્મીબેન આવ્યા હતા. હડકીયા પિતા-પુત્રએ જમીનની ખરીદી માટે રસ દાખવ્યો હતો. તે સમયે હડકીયા પિતા-પુત્રએ લક્ષ્મીબેન તથા જમીનમાં ભાગીદાર એવા પરિવારના અન્ય 8 હિસ્સેદારોને 11,000 રોકડા રૂપિયા આપ્યા હતા. બાકીની રકમ બે હપ્તામાં જ્યારે જમીન બિનખેતી થાય અને વેચાણ દસ્તાવેજ તૈયાર થાય ત્યારે આપવાનો વાયદો થયો હતો. ખરીદનારાઓએ 11,000ના બદલામાં સાટાખત કરાવી લીધા હતા.

ત્યાર બાદ હડકીયા પિતા-પુત્રએ લક્ષ્મીબેનની જાણ બહાર અસલ બાનાખત અને સાટાખત કરારનો દુરુપયોગ કરીને પાના બદલી નાખ્યા હતા. તેમ જ બોગસ સહીઓ કરી પાવર ઓફ એટર્ની બનાવી લીધી હતી. બોગસ દસ્તાવેજ અને પાવર ઓફ એટર્ની દ્વારા કુલમુખત્યાર નામા થકી સબ-રજીસ્ટ્રાર કચેરી સુરત-8 રાંદેર ખાતે તા.19/06/2016ના રોજ પિતા-પુત્ર આદિત્ય અને હીરાલાલે, ભેગા મળી ઉદ્યોગપતિ વસંત હરીભાઈ ગજેરા, ભાઈ બકુલ હરીભાઈ ગજેરા તથા ધર્મેશ સવજીભાઈ હાપાણીએ સરકારી અધિકારી-કર્મચારીઓના મેળાપીપણાંથી લક્ષ્મીબેનની હાજરી વિના જ દસ્તાવેજ કરાવી કરોડોની જમીન પચાવી પાડી હતી.

ન્યાય માટે 82 વર્ષીય વૃદ્ધાએ સુપ્રીમનો દ્વાર ખખડાવવો પડ્યો
આ અંગે જાણ થતા લક્ષ્મીબેન અને તેમના પરિવારે અડાજણ પોલીસ મથકમાં વર્ષ 2018માં અરજી આપી હતી. જોકે, પોલીસે કોઈ ધ્યાન આપ્યું નહોતું. અરજી ફગાવી દીધી હતી. આખરે લક્ષ્મીબેને સુરત કોર્ટમાં અરજી કરી હતી, ત્યાં પણ ન્યાય મળ્યો નહોતો. આખરે લક્ષ્મીબેન અમદાવાદ સચિવાલયમાં ફરિયાદ કરી હતી. ત્યાં પણ નિરાશા સાંપડી હતી. લક્ષ્મીબેને હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા, ત્યાં પણ ન્યાય મળ્યો નહોતો. આખરે લક્ષ્મીબેને એડવોકેટ મેહુલ સુરતી મારફતે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે અરજી હાથ પર લઈ તમામ આરોપીઓ સામે ગુનો દાખલ કરવા આદેશ કર્યો હતો. જેને પગલે પાલ પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તા. 12 માર્ચે લક્ષ્મીબેનના પરિવાર દ્વારા પાલ પોલીસ મથકમાં તમામ સામે વિધિવત પોલીસ ફરિયાદ દાખલ કરાવાઈ છે. પોલીસે એટ્રોસિટી તથા જમીન પચાવી પાડવાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં હવે એસસી એસટી સેલ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

બારોબાર જમીન વેચવાનો કારસો રચ્યો હતો
આ સમગ્ર કેસમાં વસંત ગજેરા તથા અન્ય આરોપીઓએ ભેગા મળી લક્ષ્મીબેનની ગેરહાજરીમાં તમામ દસ્તાવેજો પોતાના નામે કરી લીધા હતા. તેમજ તાત્કાલિક ધોરણે જમીન વેચવા પણ કાઢી હતી. જોકે, જમીન વેચાય તે પહેલા જ આખરે સુપ્રીમ કોર્ટમાંથી તમામ સામે ગુનો દાખલ કરવાનો આદેશ આવી જતા તેઓનો આ મનસૂબો નિષ્ફળ નીવડ્યો હતો.

Most Popular

To Top