આખા દેશમાં ખૂબ ગાજેલા દિલ્હીની આપ સરકારના દિલ્હી લીકર પોલિસીના મામલામાં દિલ્હીની કોર્ટે અરવિંદ કેજરીવાલ અને મનિષ સિસોદીયા સહિત 23ને નિર્દોષ છોડી મુકવાનો આદેશ કરતાં આખા દેશના રાજકારણમાં ભારે હલચલ મચી જવા પામી છે. કેન્દ્રની ભાજપ સરકાર અને તેના નેતાઓએ દિલ્હી લીકર પોલિસી મામલે કેજરીવાલની સરકાર પર અનેક માછલાઓ ધોયા હતા અને આખો કેસ સીબીઆઈ અને ઈડીને સોંપ્યો હતો. જેમાં સીબીઆઈ અને ઈડીએ આ કૌભાંડ શોધવાનો દાવો કરવાની સાથે સાથે એવા આરોપો લગાડ્યા હતા કે આ પોલિસીમાં જે માર્જિન 5 ટકાથી 12 ટકા કરાયું તેમાંથી 6 ટકા એટલે કે 100 કરોડની ઘૂસ આપ નેતાઓને મળી. લાંચ આપવામાં સાઉથ ગ્રુપ એટલે કે તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી કેસીઆરના પુત્રી કે. કવિતા અને હૈદરાબાદના ઉદ્યોગપતિ શામેલ હતા. આ ફંડનો ઉપયોગ કરીને આપ ગોવા અને પંજાબની વિધાનસભાની ચૂંટણીઓ કરાવશે. એજન્સીઓએ દાવો કર્યો કે કેજરીવાલ મુખ્ય કાવતરા ખોર હતા. જે તે સમયે આ કેસએ દેશના રાજકારણમાં ભારે ખળભળાટ મચાવ્યો હતો.
કેજરીવાલ અને સાથીઓ પર સીબીઆઈ તેમજ ઈડીએ કસેલા સકંજાને કારણે ભાજપને તેની પર આક્ષેપો કરવાની તક મળી હતી. ત્યાં સુધી કે આપના ટોચના નેતાઓ કેજરીવાલની સાથે સાથે મનિષ સિસોદીયા, સંજયસિંગ તેમજ કે.કવિતાની આ કેસમાં ધરપકડ પણ કરવામાં આવી હતી. કેજરીવાલની તો ત્યારે ધરપકડ કરાઈ હતી, જ્યારે તે મુખ્યમંત્રી હતા. કેજરીવાલે ધરપકડ થવા છતાં પણ પોતાનું મુખ્યમંત્રીનું પદ છોડ્યું નહોતું. આખરે ભાજપે દિલ્હીના ઈલેકશનમાં કેજરીવાલને હરાવીને જ દમ લીધો હતો. દિલ્હી લીકર પોલિસી તેમજ પોતાના બંગલામાં કરાયેલા ખર્ચના મામલે કેજરીવાલ પર થયેલા આક્ષેપોને કારણે કેજરીવાલે રાજકીય રીતે નેપથ્યમાં ધકેલાઈ જવું પડ્યું હતું. દિલ્હીમાં હાર બાદ કેજરીવાલ મોટાભાગે પંજાબમાં જ પ્રવાસ કરતાં હતાં. દિલ્હી લીકર પોલિસીએ જાણે આપ પાર્ટીનું ભવિષ્ય ધુંધળું બનાવી દીધું હતું. જોકે, હવે કેજરીવાલ તેમજ તેના સાથીઓને દિલ્હીની કોર્ટે નિર્દોષ જાહેર કરતાં આખો મામલો બદલાઈ જવા પામ્યો છે.
દિલ્હી કોર્ટે નિર્દોષ છોડતાં જ કેજરીવાલ અને તેમના સાથીઓ વિક્ટીમ કાર્ડ રમી રહ્યા છે. કેન્દ્ર સરકાર અને ભાજપની સાથે મોદી અને અમિત શાહ પર આક્ષેપો કરવાની કેજરીવાલને તક મળી ગઈ છે અને કેજરીવાલે તેનો ઉપયોગ પણ શરૂ કરી દીધો છે. નિર્દોષ છૂટ્યા બાદ દિલ્લીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદ યોજી હતી અને કેન્દ્ર સરકારના ટોપ લીડર્સ પર આક્ષેપો વરસાવ્યા હતા. તેમણે કહ્યું, હવે ફક્ત હત્યા કરાવીને જ કેજરીવાલને કંટ્રોલ કરી શકો છો. દિલ્હીના 3 કરોડ લોકો મોદી અને શાહના કાવતરાનાં પરિણામો ભોગવી રહ્યા છે. કોર્ટે નિર્દોષ છોડતાં જ કેજરીવાલ ફુલ ફોર્મમાં આવી ગયા છે અને હવે પાછા રાજકીય રીતે વર્ચસ્વ જમાવવા માટે તૈયારીઓ કરી રહ્યા છે.
દિલ્હી કોર્ટના ચુકાદાની સામે સીબીઆઈ દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરવાની જાહેરાત પણ કરી દેવામાં આવી છે પરંતુ નીચલી કોર્ટે નિર્દોષ છોડવાને કારણે કેજરીવાલને જાણે રાજકીય બુસ્ટર ડોઝ મળી ગયો છે. જ્યારે ભાજપને તેનું જ હથિયાર બુમરેંગ સાબિત થવા પામ્યું છે. કેજરીવાલ માટે આ ચુકાદો મોટી રાહત સમાન છે. ભાજપનું એવું કહેવું હતું કે, સીબીઆઈ દ્વારા સ્વતંત્ર રીતે કામગીરી કરવામાં આવી છે. જ્યારે કેજરીવાલે નિર્દોષ છુટ્યા બાદ આક્ષેપો કર્યા છે કે ભાજપ દ્વારા સીબીઆઈનો ઉપયોગ રાજકીય હરીફોને પાડી દેવા માટે કરાઈ રહ્યો છે અને આ તેની સાબિતી છે. ભાજપ અને કેજરીવાલને આક્ષેપો રાજકારણ પ્રેરીત છે પરંતુ તે વાત સત્ય છે કે કેજરીવાલ નિર્દોષ છુટવાને કારણે સીબીઆઈની પ્રતિષ્ઠા તળિયે બેસી ગઈ છે.
એક સમય હતો કે જ્યારે કોઈ કેસ સોલ્વ નહીં થાય તો એવું કહેવાતું હતું કે કેસ સીબીઆઈને સોંપી દો. પરંતુ કેજરીવાલના કેસમાં સીબીઆઈની કામગીરી તદ્દન વાહિયાત સાબિત થવા પામી છે. સીબીઆઈની તપાસમાં કે પુરાવામાં દમ હોત તો નીચલી કોર્ટે કેજરીવાલ અને તેના સાથીઓને નિર્દોષ છોડ્યા નહીં હોત. સીબીઆઈની કામગીરીને કારણે ભાજપે પણ નીચાજોણું થયું છે. અને ભાજપને કારણે સીબીઆઈને નીચાજોણું થયું છે. આ કેસમાં ભલે તમામે રાજકારણ રમ્યું હોય પણ એ વાત નક્કી છે કે આ પ્રકરણે દેશમાં સીબીઆઈની પ્રતિષ્ઠાને ભારે હાનિ પહોંચાડી છે.