National

લખીમપુર હિંસા મામલે સુપ્રીમ કોર્ટે આશિષ મિશ્રાના જામીન રદ કર્યા, કહ્યું- સરેન્ડર કરો

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે(Supreme Court) લખીમપુર ખેરી(Lakhimpur Kheri) કેસના આરોપી આશિષ મિશ્રા(Ashish Mishra)ના જામીન રદ કરી દીધા છે. સુપ્રિમ કોર્ટે સોમવારે અલ્હાબાદ હાઈકોર્ટ(Allahabad High Court) દ્વારા આપવામાં આવેલ જામીનને રદ્દ કરીને એક સપ્તાહની અંદર ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષને સરેન્ડર કરવા આદેશ આપ્યો છે. લખીમપુર ખેરીના ટિકોનિયા મોર ખાતે 3 ઓક્ટોબર, 2021ના રોજ થયેલી હિંસા (લખીમપુર કાંડ) કેસના મુખ્ય આરોપી મંત્રીના પુત્ર આશિષે હવે સરેન્ડર કરવું પડશે.

સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર અને લખીમપુર ખેરી હિંસા કેસના મુખ્ય આરોપી આશિષ મિશ્રાના જામીન રદ કરી દીધા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પીડિત પક્ષની સુનાવણી યોગ્ય રીતે થઈ નથી અને જામીન આપવા માટે ઉતાવળ કરી છે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને આ મામલે ફરી સુનાવણી કરવા જણાવ્યું છે. કોર્ટે આશિષ મિશ્રાને સરેન્ડર કરવા કહ્યું છે.

અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર ઉઠાવ્યા હતા સવાલ
ચીફ જસ્ટિસ એનવી રમના, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચે આ ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે 4 એપ્રિલે આશિષ મિશ્રાના જામીન રદ કરવાની ખેડૂતોની અરજી પર પોતાનો આદેશ અનામત રાખ્યો હતો. અગાઉ, કોર્ટે આશિષ મિશ્રાની જામીન અરજીને મંજૂરી આપતા અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર સવાલ ઉઠાવ્યા હતા અને અવલોકન કર્યું હતું કે જ્યારે કેસની સુનાવણી હજી શરૂ થવાની બાકી છે, ત્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ઈજાઓની પ્રકૃતિ જેવી બિનજરૂરી બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ નહીં.

સ્પેશિયલ બેન્ચે લીધી કડક નોંધ
સ્પેશિયલ બેન્ચે એ હકીકતની કડક નોંધ લીધી હતી કે રાજ્ય સરકારે કોર્ટ દ્વારા નિયુક્ત સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા સૂચવ્યા મુજબ હાઇકોર્ટના આદેશ સામે અરજી દાખલ કરી નથી. ખેડૂતો તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ દુષ્યંત દવે અને પ્રશાંત ભૂષણે દલીલ કરી હતી કે હાઈકોર્ટે વ્યાપક ચાર્જશીટને ધ્યાનમાં લીધી નથી પરંતુ FIR પર આધાર રાખ્યો છે.

રાજ્ય સરકારના વકીલની રજૂઆત
રાજ્ય તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાણીએ રજૂઆત કરી હતી કે આરોપી દેશની બહાર ગયો હોવાની શક્યતા નથી અને તેની કોઈ ગુનાહિત પૃષ્ઠભૂમિ નથી. હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજી પર સર્વોચ્ચ અદાલતે 16 માર્ચે ઉત્તર પ્રદેશ સરકાર અને આશિષ મિશ્રા પાસેથી જવાબ માંગ્યો હતો. બેન્ચે ઉત્તર પ્રદેશ સરકારને સાક્ષીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.

Most Popular

To Top