Comments

મુસ્લિમ મહિલા માટે ધર્મનિરપેક્ષ કાયદા પર સુપ્રીમ કોર્ટની મહોર

ભારતના બંધારણ મુજબ કાયદા સમક્ષ દેશનો  દરેક નાગરિક સમાન છે. દરેક વ્યક્તિના મૂળભૂત હક સરખા છે.  પણ, આ સાથે દેશની બહુવિધતા સન્માનપૂર્વક જળવાય એ માટે દરેક ધર્મનાં લોકોને તેમના ‘પર્સનલ લો’ એટલે કે વ્યક્તિગત કાયદાની છૂટ આપવામાં આવી છે જેના દાયરામાં  મુખ્યત્વે લગ્ન અને કુટુંબવ્યવસ્થા આવે છે. ત્યાંથી શરૂ થાય છે સ્ત્રીઓ સામેનો ભેદભાવ, કારણ કે દરેક ધર્મના કાયદા અને પરંપરા અલગ છે અને સ્ત્રીઓને સમાન અધિકાર આપતા નથી. લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, બાળકનો કબજો, વાલીપણાનો અધિકાર કે કૌટુંબિક સંપત્તિ પરનો અધિકાર આ બધા મુદ્દાઓ અંગે જે તે ધર્મના વ્યક્તિગત કાયદા આધારે નિર્ણય લેવાય છે. આ કાયદાઓ સ્ત્રી અને પુરુષ માટે તો અસમાન છે જ પણ, બે અલગ કોમની સ્ત્રીઓ વચ્ચે પણ અસમાનતા ઊભી કરે છે.

10 જુલાઇએ  સુપ્રીમ કોર્ટે છૂટાછેડા પછી મુસ્લિમ સ્ત્રીઓના ભરણપોષણના અધિકાર અંગેના ચુકાદા પછી આ ચર્ચા ફરી વાર ઊભી થઈ છે. શરૂઆત થઈ હતી 1985માં, જ્યારે  શાહબાનો નામની મહિલાએ તલાક પછી પતિ પાસે ભરણપોષણનો દાવો કર્યો હતો,  જેમાં સુપ્રીમ કોર્ટના ભારતીય ફોજદારી કાયદાની કલમ 125 હેઠળ મળવાપાત્ર છે એમ ઠેરવ્યું હતું. ભારતના ઈતિહાસમાં આ એક નોંધપાત્ર ચુકાદો હતો, કારણકે કોઈ પણ મહિલાને મળવાપાત્ર આ ધર્મનિરપેક્ષ ઉકેલ હતો, ભલે છૂટાછેડા ને ભરણપોષણની વાત ધાર્મિક વ્યક્તિગત કાયદા કરતાં હોય.

પણ, આવા પ્રગતિશીલ ચુકાદાનો સ્વીકાર સહેલાઈથી થોડો થવાનો હતો! તરત જ રૂઢિપ્રેમી ધાર્મિક નેતાઓ ચર્ચામાં જોડાયા અને મુસ્લિમ પર્સનલ લો ને બચાવવા માટે ઊહાપોહ ચાલુ થઈ ગયો. તેમના હિસાબે ધર્મનિરપેક્ષ કહી શકાય એવા ફોજદારી કાનૂનનો લગ્નની સંસ્થામાં અમલ કરવાથી શરિયતમાં દખલઅંદાજી થઇ ગણાય, જે તેમના લઘુમતી સમુદાયને મળતા અધિકારનો ભંગ છે! તત્કાલિન રાજીવ ગાંધી સરકાર ધાર્મિક વડાઓના દબાણ હેઠળ આવી ગઈ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાના અમલને  રોકવા ઉતાવળે એક નવો કાયદો ઘડી કાઢ્યો – મુસ્લિમ મહિલા છૂટાછેડા અધિકાર રક્ષણ ધારો-1986 , જેમાં મુસ્લિમ પરંપરા પ્રમાણે ઈદ્દતના સમયગાળામાં સ્ત્રીને ભરણપોષણ આપવાની જોગવાઈ છે.

ઈદ્દત એટલે ત્રણ મહિનાનો સમય જ્યાં સુધી મુસ્લિમ મહિલાને છૂટાછેડા અથવા પતિના મૃત્યુ પછી ફરી લગ્ન કરવાની છૂટ નથી. એટલે આ નવો કાયદો જીવનભરની સુરક્ષા અંગે જોગવાઈ નથી કરતો. ત્યાર પછી મહિલાએ  સગા-વહાલા કે વકફ બોર્ડની મહેરબાની પર આધાર રાખવાનો! આમ, રાજીવ ગાંધીની કહેવાતી આધુનિક વિચારસરણીવાળી સરકારના સમયમાં ધાર્મિક લાગણીઓને સાચવી લેવા માટે મહિલાઓના હકની બલિ ચડી! આ કેસ આજ સુધી ખૂબ વિવાદમાં રહ્યો છે. લઘુમતી સમુદાયના તુષ્ટિકરણના ઉદાહરણ તરીકે આ કેસનું ઉદાહરણ હંમેશા મોખરે રહે છે. અહીં, એક સ્પષ્ટતા કરી લઈએ કે આ તુષ્ટિકરણની રાજનીતિની વિપરીત અસર મુસ્લિમ મહિલાઓના હક પર પડી, નહિ કે બહુમતી સમુદાય પર.

તેલંગાણાનો આ કેસ જ્યારે સુપ્રીમ કોર્ટ સમક્ષ આવ્યો ત્યારે કોર્ટે સ્પષ્ટ શબ્દમાં કહ્યું કે આ દેશમાં છૂટાછેડા પછી મુસ્લિમ મહિલાને ભરણપોષણ મેળવવાનો એટલો જ અધિકાર છે જેટલો અન્ય કોઈ સ્ત્રીને છે. એ માટે ફોજદારી કાયદાની કલમ 125 મુજબ દાવો કરી જ શકે છે. જો આ હક એમને ના મળે તો એ બંધારણની કલમ 14, 15 અને 21 મુજબ સમાનતાના જે મૂળભૂત અધિકાર દરેક નાગરિકને મળેલા છે એનો ભંગ ગણાશે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે 1986નો કાયદો મુસ્લિમ વ્યક્તિગત ધારા હેઠળ છૂટાછેડા પછી મહિલાઓને મળતા ભરણપોષણના અધિકારને વ્યવસ્થિત રૂપ આપે છે. આ પૂરક કાયદો છે, જેનો અમલ દેશના બંધારણ સાથે અસ્તિત્વમાં આવેલા કાયદા થકી મહિલાઓને મળતા અધિકારના ભોગે ના હોઈ શકે. આ સાથે કોર્ટે દરેક મહિલા માટે ધર્મનિરપેક્ષ કાયદાનો  રસ્તો ખુલ્લો કરી આપ્યો છે અને 1985 થી અત્યાર સુધી કાયદાના અર્થઘટન અંગે  જે મત-મતાંતર હતા એના પર પૂર્ણવિરામ આવ્યું છે.  

ન્યાયાધીશ બી.વી. નાગરત્નાએ તેમના ચુકાદામાં ઘર ઊભું કરવામાં સ્ત્રીઓની ભૂમિકા અંગે લંબાણથી લખ્યું છે. દરેક પુરુષે ઘર સંભાળતી તેમની પત્નીઓને આર્થિક સંસાધનોમાં ભાગીદાર બનાવી સશક્તિકરણ કરવું  જોઈએ, કારણકે કુટુંબની સંપત્તિ ઊભી કરવામાં પણ દિવસ રાત કુટુંબના કલ્યાણ માટે કામ કરતી સ્ત્રીનું યોગદાન પુરુષ જેટલું જ છે. આમ કહી સુપ્રીમ કોર્ટે અવેતન ઘરકામના આર્થિક મહત્ત્વ પ્રત્યે પણ ધ્યાન દોર્યું.

કટ્ટર રૂઢિવાદી નેતાઓ આજે પણ છે. આ ચુકાદાને તેઓ કોઈ પણ ધર્મ પાળવાના તેમના મૂળભૂત અધિકાર પરનો હુમલો ગણાવશે અને શરીયા કાનૂનને આગળ ધરશે. પણ, 1984 અને 2024 વચ્ચે મુખ્ય ફરક એ છે કે આજે મુસ્લિમ બહેનો પોતાના અધિકારની વાત કરી રહી છે. જ્યારે સમુદાયની અંદરથી માંગ ઊભી થાય ત્યારે રૂઢિઓને વળગી રહેવાના વલણની આક્રમકતા ઓછી થશે. આજે જ્યારે ચારે બાજુ ધાર્મિક પરંપરા અને સંસ્કૃતિના નામનો જે જુવાળ ઊભો થયો છે તે સમયે સુપ્રીમ કોર્ટ તરફથી આવેલી આ સ્પષ્ટતા બહુ અગત્યની છે. જ્યારે પરંપરા અને માનવીય મૂળભૂત અધિકારો વચ્ચે પસંદગી કરવાની આવે તો પ્રાથમિકતા મૂળભૂત અધિકારને જ હોય.
નેહા શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top