હિમાચલ પ્રદેશ હાઇકોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલની સુનાવણી થઇ રહી હતી. જસ્ટીસ ચંદ્રચુડ અને જસ્ટીસ એમ.આર. શાહની બેંચ હતી. સુનાવણી દરમ્યાન જસ્ટીસ ચંદ્રચુડે જસ્ટીસ શાહને પૂછયું કે હાઇકોર્ટે ચુકાદામાં શું કહ્યું છે?
જસ્ટીસ શાહે જવાબ આપ્યો કે 18 પાનાંનો ચુકાદો વાંચતાં તેમનું માથું દુખી ગયું અને તેમણે બામ લગાવવું પડયું. તેમાંનાં લાંબાં લાંબાં વાકયોમાં કાંઇ સમજાતું નથી. જસ્ટીસ ચંદ્રચુડે પણ કહયું કે પોતે પણ આ ચુકાદો વાંચ્યો છે અને તેમાં તેમને કાંઇ સમજાયું નથી.
તેમણે કહ્યું કે આ તો અન્યાય વ્યવસ્થા છે. ચુકાદો સામાન્ય માનવીને સમજાય તેવી સરળ ભાષામાં લખાયેલો હોવો જોઇએ. જો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને હાઇકોર્ટનો ચુકાદો સમજાતો ન હોય તો વકીલો અને પક્ષકારોને પણ ન સમજાય તે દેખીતું છે. માત્ર ચુકાદાઓ નહીં, કાયદાની ભાષા પણ સરળ હોવી જોઇએ.
આપણા કાયદાઓની ભાષા કિલષ્ટ હોય છે અને તેથી જુદી જુદી કોર્ટો જૂદું જૂદું અર્થઘટન કરે છે અને તેમાં સ્પષ્ટતા થવાના બદલે કયારેક ગુંચવાડો પેદા થાય છે. સંસદ અને ધારાસભાએ કાયદા ઘડતી વખતે સરળ ભાષા પ્રયોજવાની ટેકનિક પ્રયોજવી જોઇએ.
પાલનપુર – અશ્વિનકુમાર ન. કારીઆ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.