ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા “ઓપરેશન સિંદૂર” બાદ રાજદ્વારી તણાવના પરિણામો હવે આંતરરાષ્ટ્રીય પ્રવાસન ક્ષેત્રે પણ દેખાઈ રહ્યા છે. ઓપરેશન સિંદૂર દરમિયાન ભારત વિરુદ્ધ તૂર્કિયે અને અઝરબૈજાન જેઓએ પાકિસ્તાનને ટેકો આપ્યો હતો. જેના વિરોધમાં હવે આંતરરાષ્ટ્રીય ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ભારતમાંથી આ બંને દેશોમાં જતા પ્રવાસીઓની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટાડો દેશના રોષ અને બહિષ્કારના કારણે થયો હોવાનું માનવામાં આવે છે.
તૂર્કિયે અને અઝરબૈજાનમાં પ્રવાસીઓનો ઘટાડો
માહિતી મુજબ મે થી ઓગસ્ટ 2025 દરમિયાન અઝરબૈજાનમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં 56% ઘટાડો થયો છે. જ્યારે તૂર્કિયેમાં આ ઘટાડો 33.3% રહ્યો છે. તુલનાત્મક રીતે જોવામાં આવે તો 2024માં અઝરબૈજાનમાં 2.44 લાખ અને તૂર્કિયેમાં 3.31 લાખ ભારતીય પ્રવાસીઓ પહોંચ્યા હતા. પરંતુ 2025માં આ આંકડો ભારે રીતે ઘટ્યો છે.
ઓપરેશન સિંદૂર બાદ તુરંત જ ભારતીય પ્રવાસન એજન્સીઓએ તૂર્કિયે અને અઝરબૈજાન માટેના પ્રવાસને લઈને સાવચેતી રાખવાની અપીલ કરી હતી. અનેક ટ્રાવેલ પોર્ટલોએ પ્રવાસીઓને આ દેશોમાં ન જવાની સલાહ આપી અને બંને દેશો માટેના પ્રમોશન અને ઑફર્સ રદ કરી દીધી.
બુકિંગમાં 60% ઘટાડો
એક જાહેર કરાયેલા નિવેદન મુજબ અઝરબૈજાન અને તૂર્કિયે માટેના બુકિંગમાં 60% ઘટાડો થયો છે. જ્યારે ટ્રાવેલ કેન્સલેશનમાં 250%નો ઉછાળો આવ્યો છે. પ્રવાસન ક્ષેત્રના નિષ્ણાતોનું કહેવું છે કે આ પરિસ્થિતિ આગામી મહિનાઓમાં પણ ચાલુ રહેવાની શક્યતા છે. કારણ કે ભારતીય પ્રવાસીઓ આ દેશોની નીતિથી અસંતુષ્ટ છે.
અઝરબૈજાનમાં 22% અને તૂર્કિયેમાં 21% ઘટાડો
આંકડા દર્શાવે છે કે 2025ના પ્રથમ આઠ મહિનામાં અઝરબૈજાનની મુલાકાત લેનારા ભારતીય પ્રવાસીઓની સંખ્યા 22% ઘટી છે. મે-ઓગસ્ટ 2024માં જ્યાં આશરે 1 લાખ ભારતીય પ્રવાસીઓ આવ્યા હતા. ત્યાં 2025માં આ સંખ્યા માત્ર 44,000 રહી. ઓગસ્ટ મહિનામાં તો આ આંકડો 21,137થી ઘટીને 6,032 સુધી આવી ગયો હતો.
તેમજ તૂર્કિયેમાં પણ જાન્યુઆરીથી ઓગસ્ટ 2025 દરમિયાન 1.74 લાખ ભારતીય પ્રવાસીઓ આવ્યા. જે 2024ની તુલનામાં 21%નો ઘટાડો દર્શાવે છે.
આ રીતે પાકિસ્તાનને સમર્થન આપવાથી તૂર્કિયે અને અઝરબૈજાનને રાજદ્વારી સાથે આર્થિક રીતે પણ મોટું નુકસાન ભોગવવું પડી રહ્યું છે. જો પરિસ્થિતિમાં સુધારો ન થાય તો આ દેશોના પ્રવાસન ક્ષેત્ર પર વધુ ગંભીર અસર પડી શકે છે.