Entertainment

મહિલાઓની જાતીય સતામણી મામલે મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ, મોહનલાલે રાજીનામું આપ્યું

નવી દિલ્હીઃ હેમા કમિટીના રિપોર્ટમાં થયેલા ખુલાસાથી મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે. જસ્ટિસ હેમા કમિટીના રિપોર્ટમાં ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓની ઉત્પીડન અંગે ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. આ અહેવાલે મલયાલમ ફિલ્મ ઉદ્યોગમાં હલચલ મચાવી દીધી છે અને હવે અન્ય મહિલા કલાકારો પણ જાતીય સતામણીના આરોપો સાથે આગળ આવી રહી છે. મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓની કામકાજની સ્થિતિ પર હેમા કમિટીના વિસ્ફોટક અહેવાલ બાદ હવે મલયાલમ મૂવી આર્ટિસ્ટ એસોસિએશનના પ્રમુખ સુપરસ્ટાર મોહનલાલે પણ રાજીનામું આપી દીધું છે.

ઉત્પીડનના આરોપો પછી મોહનલાલની આગેવાની હેઠળની મલયાલમ ફિલ્મ એસોસિએશને રાજીનામું આપ્યું છે. મલયાલમ મૂવી આર્ટિસ્ટ એસોસિએશનના પ્રમુખ મોહનલાલ અને તેમની 17 સભ્યોની સમિતિએ 27 ઓગસ્ટે નૈતિક જવાબદારીને ટાંકીને તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

મોહનલાલ સહિત તમામ 17 કારોબારી સભ્યોએ રાજીનામું આપ્યું
ANIએ ટ્વિટ કરીને મોહનલાલ અને 17 સભ્યોના રાજીનામાની માહિતી આપી છે. x પર પોસ્ટ શેર કરી મોહનલાલ સહિત તમામ 17 કારોબારી સભ્યોએ રાજીનામું આપી દીધું છે.

મહિલા કલાકારોએ સમિતિના કેટલાક સભ્યો પર ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો, ત્યાર બાદ મોહનલાલ અને સમગ્ર કાર્યકારી સભ્યોની સમિતિ મંગળવારે 27 ઓગસ્ટે વિસર્જિત કરી દેવામાં આવી હતી. તાજેતરમાં 19 ઓગસ્ટના રોજ હેમા કમિટિનો રિપોર્ટ લોકો સમક્ષ આવ્યો ત્યારથી ઘણી મહિલાઓ સતત અભિનેતાઓ, નિર્માતાઓ અને ટેકનિશિયન પર ઉત્પીડનનો આરોપ લગાવી રહી છે.

બે ફિલ્મી હસ્તીઓએ પણ રાજીનામું આપી દીધું
મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી મહિલાઓની આવી ફરિયાદો અને આરોપો સતત સામે આવી રહ્યા છે. મહિલાઓની કામકાજની સ્થિતિ પર હેમા સમિતિના અહેવાલમાં શારીરિક શોષણથી લઈને પગારની અસમાનતા સુધીના 17 કેસોનો ઉલ્લેખ છે.

આ અહેવાલ સામે આવ્યા બાદ મોહનલાલ પહેલા બે ફિલ્મ હસ્તીઓએ પણ મલયાલમ મૂવી આર્ટિસ્ટ એસોસિએશનના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રવિવારે સિદ્દીક જે મલયાલમ મૂવી આર્ટિસ્ટ એસોસિએશન (એએમએમએ) ના જનરલ સેક્રેટરી હતા અને કેરળ સ્ટેટ ફિલ્મ એકેડમીના પ્રમુખ ફિલ્મ આઇકોન રંજીથે તેમના હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું.

નવી સંચાલક મંડળની પસંદગી માટે બેઠક બોલાવવામાં આવશે
એસોસિએશને એક નિવેદન પણ બહાર પાડીને કહ્યું છે કે ટૂંક સમયમાં નવી ગવર્નિંગ બોડીની પસંદગી કરવામાં આવશે. એસોસિએશન દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘અમને આશા છે કે AMMAને એક નવું નેતૃત્વ મળશે જે એસોસિએશનને રિન્યૂ અને મજબૂત કરવામાં સક્ષમ હશે. ટીકા અને સુધારાઓ માટે દરેકનો આભાર. એસોસિએશને દરેકને એવી પણ માહિતી આપી હતી કે નવી ગવર્નિંગ બોડીની પસંદગી કરવા માટે બે મહિનાની અંદર એક સામાન્ય સભા બોલાવવામાં આવશે.

Most Popular

To Top